તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
પરમાત્મા મને પ્રેમ કરે છે પણ, હું પરમાત્માને પ્રેમ કરૂ છું ખરાસદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. નાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. નાં સાનિધ્યે શ્રી વણિક જૈન સંઘ કાલાવડમાં તા. ૧ થી ૮ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તપ-ત્યાગ-તિતિક્ષાનાં ભાવો સાથે આત્મ જાગરણ અર્થે ઉજવાઈ રહ્યા છે.
પર્યુષણ પર્વે સદગુરુદેવે પરમાત્મા મને પ્રેમ કરે છે પણ, હું પરમાત્માને પ્રેમ કરુ છુ ખરા? વિષય પર પ્રવચન આપતા ફરમાવેલ કે પર્યુષણ મહાપર્વમાં અંતગડસૂત્ર વાંચવાની પરંપરા છે. અંતગડ એટલે જે તમારૂ નથી, ઉછીનુ લાવી આત્મામાં ભર્યું છે તેનો અંત કરો, સાફ કરો. અંત કરશો તો અનંત પ્રગટ થશે અને જે અનંત પ્રગટ થશે તે જ તેમ છો. અંતગડ સૂત્ર એટલે અંતઃકરણની યાત્રા. આ સૂત્રમાં બે શાસનપતિ પ્રભુ અરિષ્ટનેમી (નેમનાથ) અને પ્રભુ મહાવીરનાં શાસનમાં નેવું આત્મા અંત સમયે અંતિમ આરાધના કરી કઠોર સાધના દ્વારા તેમના શરીરને અને વિભાવદશાના ભાવોને કૃશ કરી અંતે સર્વ કર્મ ક્ષય કરી પરિનિવાર્ણ એટલે સર્વ દુઃખોનો અંત કરી સિધ્ધત્વને પામી ગયા. આઠમાં અંગ અંતગડ સૂત્રમાં આઠ વર્ગ છે.
પ્રથમ વર્ગમાં દશ અધ્યયન કહ્યા છે. ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કામ્પિલ્ય, અક્ષોભ, પ્રસેનજિત, વિષ્ણુકમાર.આ દશેય કુમારો શ્રીકૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવનાં મોટા ભાઈ હતા. સર્વના માતા ધારિણી અને પિતા અંધક વૃષ્ણિ રાજા હતા. મને પરમાત્મા પ્રત્યે પ્રેમ ન હોય તો પણ પરમાત્મા તો મને નિર્મળ, નિર્વિકાર, નિઃસ્વાર્થભાવે અનંત પ્રેમ કરે છે. તમે જેને પ્રેમ કરતા હો તેના ગુણ કે દોષ જોતા નથી.
કોઈને પ્રેમ કરવા માટે પહેલા તો તે તમને ગમવા જોઈએ. જે તમને ગમવા લાગે તેની યાદ વારંવાર આવવા લાગે. પછી તેને ગમતું હોય તેવું જ જીવન જીવ જીવવા લાગે. અને પછી તેના વગર એક-એક પળનો વિરાહ વેદનામય બની અનંત પીડા આપે. હૃદય, મન, મસ્તિષ્ક માત્રને માત્ર તેને જ ઝંખે તેના સિવાય કોઈની વાત રૂચે નહીં, તેના સિવાય કોઈ દેખાય નહીં, તેના વગરની દુનિયા નકામી લાગે. જયાં જુઓ ત્યાં તે પ્રેમ પાત્રની અનુભૂતિ થાય તેની ઈચ્છા તે તમારી ઈચ્છા સહજ બની જાય. તેને જે ગમે તે તમને ગમતુ થઈ જાય.
સ્વરૂપ પ્રાપ્તિ માટે બે તત્વો જોઈએ રુચિ અને વૈરાગ્ય રુચિ એટલે સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના. આ ઝંખના ક્યારે થાય? વૈરાગ્ય જાગૃત થાય ત્યારે. પર પ્રત્યેની આશક્તિનો સંપૂર્ણ છેદ એ જ વૈરાગ્ય. પર માંથી સુખ મળે તે આસ્થાનો છેદ તે વૈરાગ્ય. સ્વરૂપની પ્રાપ્તિ એ સાધકનું અંતિમ લક્ષ્ય છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે બે જ પગથિયાં છે સ્વરૂપદશા પામવાની ઝંખના,અને પર દ્વારા સુખ મળે છે એવી ભ્રમણાનો ઉચ્છેદ. અનંત પ્રીતિ જે પર સાથે થઈ છે તેનો ત્યાગ કરવાથી નિર્વિષ પ્રીતિ થશે.
(3:22 PM IST)










