તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
મહાવીર અથવા મહાવિનાશ
ઓશોના પુસ્તકનો ગુજરાતી અનુવાદ : માત્ર વાચવા જેવું નહિ, અનુસરવા જેવું પુસ્તક

મોબાઇલ યુગમાં સર્વસામાન્ય અભિપ્રાય એ પ્રચલિત છે કે વાંચન હવે ઓછું થતું જાય છે. પણ ઓશો એમાં અપવાદ છે. એમનો વાંચક વર્ગ દિવસે - દિવસે વધતો જાય છે. વાસ્તવમાં એમણે કઇ જ લખ્યું નથી. દેશ-વિદેશમાં ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન, સમાજકારણ, રાજકારણ ઇત્યાદિ અનેક વિષયો પર એમણે ગહન, તર્કબધ્ધ પ્રવચનો આપ્યા. પાંચ હજારથી વધુ કલાકોના આ પ્રવચનોના ઓડિયો - વિડીયો સંસ્કરણનું ટ્રાન્સ્ક્રીપ્ટ કરી દુનિયાભરની ભાષાઓમાં એ પુસ્તક રૂપે પ્રગટ થયા છે.
ભગવાન મહાવીરની દેશના (બોધ) પર ઓશો એ મુંબઇ અને પુનામાં દશ પ્રવચનો આપ્યા હતા, જે હિન્દીમાં ''મહાવીર યા મહાવિનાશ'' નામે પુસ્તક રૂપે પ્રગટ થયું. અહીં ઓશોએ મહાવીરને માત્ર જૈનોના જ નહીં પણ દુનિયાના મહામાનવ તરીકે આલેખ્યા છે. મહાવીરવાણીને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવી દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી છે. ઓશોની બોધકથાઓ માટે જાણીતા લાલ રાંભિયા એ (સ્વામી પ્રભુ સમર્પણ) એનું ગુજરાતીમાં ભાવાનુવાદ કરી ''મહાવીર અથવા મહાવિનાશ'' તૈયાર કર્યું જેનું પ્રકાશન રાજકોટની જાણીતી પ્રકાશન સંસ્થા નવયુગ પુસ્તક ભંડારે કર્યું છે.
ઓશો કહે છે કે, વ્યકિતની ગરીમાને જે પ્રતિષ્ઠા મહાવીરે આપી છે સંભવતઃ અન્ય કોઇએ નથી આપી. મહાવીર, બુધ્ધ, કૃષ્ણ કે ક્રાઇસ્ટ વગેરે નામ ભલે જુદા હોય પણ એમની ભીતરનું સત્ય સમાન છે. ઓશોએ મહાવીરને સાડા પચ્ચીસો વર્ષ પહેલા થઇ ગયેલા શ્રેષ્ઠ માનવતાવાદી વૈજ્ઞાનિક કહ્યા છે. મનુષ્યમાત્રની ભીતર એ સમતા છે. પ્રભુતાની અને પશુતાની અધ્યાત્મ અને વિજ્ઞાનનો તર્કબધ્ધ સમન્વય દર્શાવીને મહાવીરે પ્રભુતાનો મહિમા ગાયો છે. અહિંસાની પરિભાષા આપતા મહાવીરે કહ્યું છે કે, 'સ્વરૂપ'માં પ્રતિષ્ઠિત થઇ જવું એ જ અહિંસા છે. દુનિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ વર્ણવતા ઓશો કહે છે કે, દુનિયાના તમામ દેશોના બજેટનો મોટોભાગ વિનાશક શસ્ત્રો પાછળ વાપરવામાં આવે છે. એક હાઇડ્રોજન બોમ્બની ઘાતક અસર ૪૫૦૦૦ ચો.માઇલમાં થાય છે. એવા ૫૦,૦૦૦થી વધુ બોમ્બ વિવિધ દેશોમાં તૈયાર છે. બીજી બાજુ દુનિયામાં સરેરાશ દર ત્રણ વ્યકિતઓ પૈકી બે દરિદ્ર છે, ભુખ્યા છે, માણસે માણસાઇ છોડી પશુતાનું રૂપ ધારણ કર્યું છે. આપણે એવા કાળમાં આવી ઉભા છીએ જ્યાં મહાવીર અને એમની અહિંસા જીવનનો એકમાત્ર પર્યાય બની ગયા છે. હિંસા પસંદ કરવી એ મૃત્યુને પસંદ કરવા સમાન છે. અહિંસા પસંદ કરવી એ જીવનને પસંદ કરવા સમાન છે. મહાવીરની અહિંસા યોગીક અહિંસા છે.
પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પદાર્થનું વિશ્લેષણ કરી અણુની શોધ કરી જે મહાવિનાશક સાબિત થયું. મહાવીરે અથાગ સાધનાના માધ્યમે ચેતનસતાના વિશ્લેષણથી આત્માની ઓળખ સાધી. અણુ વિનાશક સાબિત થયું કારણ કે પદાર્થની તમામ શકિતઓ આંધળી છે એ આંધળાઓને હાથ લાગી ગઇ એટલે એના હિંસક, વિનાશક પરિણામ આપણી સામે છે. જ્યારે આત્મા ચૈતન્યના જાગરણથી ઓળખાયું હોય જીવનના દૃષ્ટિકોણને સમ્રગતયા બદલી નાખે છે. અહિંસક એ જ થઇ શકે જે અભયને ઉપલબ્ધ થયો છે. આત્મજ્ઞાન વિના અભય અસંભવ છે અને આત્મજ્ઞાન જ અહિંસાનો સાચો માર્ગ છે. જો વિશ્વને બચાવી લેવો છે. મનુષ્યને નિયતિ બક્ષવી છે તો મહાવીરના આચરણ સિધ્ધ વિચારોને સમસ્ત માનવજગત સુધી પહોંચાડવું જરૂરી છે. અણુનો જવાબ આત્મા છે, વિજ્ઞાનનો જવાબ ધર્મ છે, વિકૃતીનો જવાબ સંસ્કૃતિ છે.
ઓશો કહે છે કે, મહાવીર જેવા સિધ્ધ પુરૂષો આપણા જેવા જ હાડમાંસથી બનેલા હતા. જો એ જાગી શકે અને આપણે નહિ તો એ આપણી નબળાય છે, પલાયનવાદ છે. જો આપણે 'સ્વ' ને ન ઓળખી એ તો 'સ્વત્વ'નું અપમાન છે, આ જીવન વ્યર્થ છે. માટે તું જાગ, અંતર આત્માને જગાડ ! તારૂ જાગરણ આખા જગતની રક્ષા કરવા સમર્થ છે. તારું સ્વયંમાં પ્રતિષ્ઠિત થવું એ વિશ્વભરની વિકૃતિને સંસ્કૃતિમાં બદલવાનો માર્ગ બની શકે છે.
''મહાવીર અથવા મહાવિનાશ'' પુસ્તકમાં તેર પ્રકરણ છે. જે સરળ, રસાળશૈલીમાં આલેખાયેલા છે. સાધકો, જિજ્ઞાસુઓને, વાંચન પ્રેમીને આ પુસ્તક દિશાસૂચક બની રહેશે... વાંચવું ગમશે...
Üèëäíß ±×äë ÜèëìäÞëå
લેખક : ઓશો
ભાવનુવાદ : લાલ રાંભિયા
(સ્વામી પ્રભુ સમર્પણ)
પ્રકાશ : નવયુગ પુસ્તક ભંડાર
નવા નાકા રોડ, ૧લા માળે, રાજકોટ.
મો. ૯૮૭૯૦ ૨૩૭૦૩
કિંમત : ૩૫૦
(વિશેષ વળતર ૨૬૦)
(કુરીયર ફ્રી)
(3:29 PM IST)










