News of Monday, 2nd September 2024
ડ્રેનેજ સતત ઓવરફલોઃ તંત્ર નાપાસઃ રોગચાળો વકરે તે પહેલા જાગોઃકોંગ્રેસ
અનેક વિસ્તારમાં ગંદા પાણીની રેલમછેલ, વોંકળા સફાઇ સહિતની સમસ્યા તાકિદે ઉકેલવા શહેર પ્રમુખ અતુલ રાજાણી તથા વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠિયાની મ્યુનિ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ર :.. શહેરમાં ગત સપ્તાહે સતત ૪ દિ' પડેલ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારનાં રસ્તાઓ પર પાણી ભરાવાની અને ડ્રેનેજ જામ થવાની ખુબ ફરિયાદો છે ત્યારે ભૂગર્ભ ગટરના પાણી હજુ ઓવરફલો થઇ રહ્યા છે. ત્યારે આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠિયાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી માંગ કરી છે.
આ અંગે શ્રી રાજાણી શ્રી સાગઠિયાએ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું શહેરના વોર્ડ નં. ૧ થી ૧૮ માં ડ્રેનેજ ઉભરાતી રહે છે. પ-દિવસથી ઉઘાડ નીકળીયા બાદ પણ શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી અને ડ્રેનેજના પાણી શુકાતા નથી.
વોર્ડ નં. ૭ માં લોહાનગર, સાંગણવા ચોક સહિતના વિસ્તારોને કોલેરા ઝોન જાહેર કર્યા છે. વોર્ડ નં. ૧ર અને ૧૩ વાવડી અને ખોડીયારનગરમાં પણ અસરો દેખાઇ છે ત્યારે હાલ શહેરના અનેક વોર્ડમાં ગટરનું ગંધાતુ પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી જતા રોગચાળો બેકાબુ બન્યો છે. અને જે રાજકોટ મહાનગરપાલીકાના રેકોર્ડ પર પણ મોજુદ છે.
સમગ્ર શહેરનું આરોગ્ય જોખમમાં હોય ત્યારે ર૪ કલાકમાં ડેગ્યુ અને કોલેરાનો ઉપદ્રવ વધવા પામેલ છે.
હાલ શહેરમાં ડીડીટી છંટકાવ અને ફોગીંગ થયુ નથી. જે પગલે રોગચાળો વકરયો છે.
આ ઉપરાંત આજે શ્રાવણ માસના છેલ્લો સોમવારે તમામ મંદિરોની આસપાસ પણ સતત ભીડ રહેવાની છે. ત્યારે મંદિરોની આજુબાજુના પણ ગટરના પાણી અને વરસાદી પાણી ઉભરાઇ રહ્યા છે જે તાત્કાલીક સફાઇ કરાવી યોગ્ય કરવા માંગ કરી છે.
(3:35 PM IST)










