News of Tuesday, 3rd September 2024
શહેરમાં ઘરે ઘરેથી કચરા એકત્રીકરણ ખોરંભાયું
નાકરાવાડી ડંપિગ સ્ટેશન ખાતે ગ્રામજનોએ કચરાનો નિકાલ થતો અટકાવતા ૬ કલાક ટીપર ટ્રકના થપ્પા લાગ્યા : ટ્રાન્સફરન્સ સ્ટેશન ખાતે ટીપરવાનોની લાંબી લાઇનોઃ કચરાના ઢગલે ઢગલાઃ મનપાના અધિકારીઓ નાકરાવાડી ખાતે દોડયાઃ સમજાવટ બાદ બપોરે મામલો થાળે પડયોઃ ફરી કચરો ઠાલવવાનું શરૂ

રાજકોટ,તા.૩: શહેરનો તમામ ઘન કચરો એકઠો કરીને રાજકોટ મહાનગરપાલિકા નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં નાખે છે. આ કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે પરંતુ આ મુદ્દે ગઇકાલ ગ્રામજનોએ એકત્રીત થઇ કચરાનો નિકાલ અટકાવવાતા જેની અસર આજે શહેરમાં ટીપરવાન મારફત ઘરે ઘરેથી કચરો એકત્રીત કામગીરીમાં જોવા મળી છે. આ મદ્દે મનપા ના ડે.કમિશ્નર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ નાકરાવાડી પર દોડી ગયા હતા અને એ બે કલાકની સમજાવટ બાદ મામલે થાળે પડતા કચરાની કામગીરી ફરી શરૂ થવા પામી હતી.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકા નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઇટ ખાતે ગ્રામજનોએ ગ્રામજનોએ એકત્રીત થઇ કચરાનો નિકાલ અટકાવી હતી. જેના કારણે ટીપર ટ્રકના કચરાનો નિકાલ ન થતા ટીપરવાનની કામગીરી ખોરંભે ચડી જવા પામી છે . શહેરના વિવિધ વિસ્તારમાં એકત્રી કચરો આજીડેમ અને રૈયાધાર વિસ્તારમાં આવેલ ટ્રાનસફરન્સ સ્ટેશન ખાતે ઠાલવવામાં આવે. છે પરંતુ નાકરાવાડી ખાતે કચરાગાડી ન ઠલવાતા આ બન્ને જગ્યાએ ટીપરવાની લાંબી લાઇનો લાગી છે અને કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આજે શહરેમાં અનેક વિસ્તારમાં ટીપરવાન ન જતા લોકોમાં દેકારો બોલી જવા પામ્યો છે. જોકે વર્ષોથી આ મામલે વિવાદ થયા છે અને તેનું પરિણામ ગામવાસીઓને ભોગવવું પડ્યું છે. પ્રોસેસિંગના અભાવે કચરાના ડુંગરો ઊભા થયા છે અને તેને કારણે જમીન અને જળનું પ્રદૂષણ થયું છે. મનપાએ પ્રોસેસિંગ માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ પરિણામ નથી મળ્યું. વરસાદ બાદ ફરીથી પ્રદૂષણ ફેલાતા ગ્રામવાસીઓ કે જે ૨૦ વર્ષથી પ્રદૂષણ અટકાવવા લડત ચલાવી રહ્યા છે તેઓએ ફરિયાદ કરવા માટે જીપીસીબીને બોલાવી હતી અને મનપાના ડમ્પર અટકાવી દીધા હતા. નાકરાવાડીમાં ડમ્પિંગ સાઈટને કારણે માત્ર નાકરાવાડી જ નહિ આસપાસના અનેક ગામો પ્રભાવિત થયા છે. પ્રદૂષણ સામે જંગે ચડેલા લોકોએ અથાગ પ્રયત્ન કરતા ગ્રીન ટ્રિબ્યૂનલે મનપાની ભારે ઝાટકણી કાઢી છે અને દંડ પણ ફટકાર્યો છે. જેને લઈને મનપાએ જૂના કચરાનો નિકાલ અને નવો કચરો પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવાનું કામ ચાલુ કરીને હવે પ્રદૂષણ નહિ ફેલાય તેવી ખાતરી આપી હતી.
જોકે આ બાંહેધરી ખોટી નીકળી હતી. નાકરાવાડીના અનેક કચરાના ડુંગરો પર વરસાદ પડતા પાણી શોષાયું હતું અને હવે આ પાણી કચરાનું ધોવાણ કરીનેઆસપાસના નદી-નાળામાં ભળી રહ્યું છે. કચરામાંથી નીકળેલું આ પાણી ગટરના પાણી કરતાં પણ ગંદું અને પ્રદૂષિત છે અને આખા ગામમાં દુર્ગંધ ફેલાઈ છે. જેને લઈને ગામવાસીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરી હતી અને સ્થળ પર બોલાવ્યા હતા. જોકે અધિકારીઓએ એમ કહ્યું કે, આ અટકાવવાનું કામ મનપાનું છે તેને જાણ કરો. આ કહેતાં જ ગામવાસીઓએ પિત્તો ગુમાવ્યો હતો. અને કહ્યું હતું કે, જીપીસીબીને સફાઈ કરવા નહિ પણ મનપા સામે ફરિયાદ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારબાદ અધિકારીઓએ સરવેની કામગીરી કરી હતી.
બીજી તરફ મનપાના કચરા ભરેલા ડમ્પર નાકરાવાડી સાઈટ પર જતા હતા તેમને અટકાવી દઈને વિરોધ કર્યો હતો. જ્યાં સુધી પ્રદૂષિત પાણી વહેતું બંધ ન થાય ત્યાં સુધી મનપાને કામ કરવા દેવામાં આવશે નહિ તેવું કહેતા અધિકારીઓમાં દોડધામ થઈ પડી હતી અને આજે સવારે મનપાના ડે.કમિશનર સહિતના અધિકારીઓ નાકરાવાડી ખાતે દોડી ગયા હતા અને ગ્રામજનો સાથે વાટાધાટ બાદ મામલો થાળે પડયો હતો અને બપોર ૧૨ વાગ્યા બાદ કચરાની કામગીરી ફરી શરૂ થઇ હતી. જયારે શહેરમાં ટીપરવાન એકત્રીકરણ આજે ખોરંભે ચડયુ હતુ.(૨૮.૨)
(2:26 PM IST)










