News of Tuesday, 3rd September 2024
હરવા ફરવાના શોખમાં દેણું થઇ જતાં વિશાલે મઢમાંથી ૮.૩૭ લાખના દાગીના ચોરી વેપારી ભાવેશને વેંચી દીધા!
લાખાજીરાજ ઉદ્યોગનગરમાં સલાટ પરિવારના દાદાના મઢમાં થયેલી લાખોની ચોરીનો કલાકોમાં ભેદ ખુલ્યો થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર અને ટીમની કામગીરીઃ ચોરાઉ દાગીના ખરીદનાર કરણપરાના વેપારીની પણ ધરપકડઃ તમામ દાગીના કબ્જે કરાયા પીએસઆઇ એચ. ટી. જીંજાળા, હેડકોન્સ. જયદિપસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર અને હસમુખભાઇ નીનામાની બાતમી

રાજકોટ તા. ૩: શહેરના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં આવેલા સલાટ પરિવારના સુરાપુરા દાદાના મઢમાંથી રૂા. ૯ લાખ ૩૭ હજારના દાગીનાની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ થોરાળા પોલીસે કલાકોમાં ઉકેલી નાખી મઢના ભુવાના જ સગા એવા શખ્સને પકડી લીધો છે. હરવા ફરવાના શોખીન એવા આ શખ્સને અગાઉ પોતે કેદારનાથ સહિતના સ્થળોએ દર્શને ગયો હોઇ દેણુ થઇ જતાં પૈસાની જરૂર હોવાથી મઢમાંથી ચોરી કરી હોવાનું કબુલાત આપી હતી.
લાખાજરાજ ઉદ્યોગનગરમાં માલાણી-સલાટ પરિવારના દાદાનો મઢ છે. તેમાં ચોરી થતાં આ અંગે નજીકના ચુનારાવાડ શેરી નં. ૮માં રહેતા અને ડ્રાઈવીંગ કરતા રાજેશભાઇ બાબુભાઈ માલાણીએ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે આગલી રાત્રે તે અને પરિવારના સભ્યોએ ઘર પાસે આવેલા દાદાના મઢની પૂજા કરી હતી. રાત્રે દસેક વાગે મઢને તાળું મારી સુઈ ગયા હતા. બીજા દિવસે સોમવારે વહેલી સવારે પાણી ભરવા માટે જાગતાં જોયું તો મઢમાંથી સોનાના બે છતર, સોનાના નાના-મોટા ૧૮ હાર, સોનાના ૪ કડા અને ૨ ટીકકા વગેરે મળી કુલ રૂા. ૮.૩૭ લાખના દાગીના ગાયબ જણાયા હતાં.
ચોરીનો બનાવ જાહેર થતાં પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં થોરાળા પોલીસની ટીમ કામે લાગી હતી. એએસઆઇ રાજેશભાઇ મેર, હેડકોન્સ. જયદિપસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર અને હસમુખભાઇ નિનામાને બાતમી મળતાં ફરિયાદીના જ સગા એવા વિશાલ ઉર્ફ વિશુ ઉર્ફ વિશલો રવિભાઇ બાબુભાઇ સલાટ (ઉ.વ.૨૪-રહે. ભાવનગર રોડ સિમેન્ટ ફેક્ટરી પાસે)ને સકંજામાં લઇ વિસ્તૃત પુછતાછ હાથ ધરી હતી. પહેલા તો ગલ્લા તલ્લા કર્યા હતાં બાદમાં ચોરીની કબુલાત આપી હતી. પોતે દાદાના મઢમાંથી દાગીના ચોરીને કરણપરા ગરબી ચોકમાં ચબુતરા ચોકના એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં સોની વેપારી ભાવેશ બિપીનચંદ્ર પારેખ (ઉ.વ.૪૯)ને વેંચવા આપી દીધાનું કહેતાં પોલીસે તેને પણ સકંજામાં લઇ તમામ દાગીના રૂા. ૮,૩૭,૫૦૦ના કબ્જે લીધા હતાં.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં વિશાલ ઉર્ફ વિશુએ કબુલ્યું હતું કે પોતે છુટક મજુરી કરે છે. હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને મોજશોખ માટે તે બીજા રાજ્યોમાં અવાર-નવાર જતો રહે છે. છેલ્લે કેદારનાથ દર્શને ગયો હતો. મોજશોખ માટે પૈસા ખુબ વપરાઇ જતાં હોઇ દેણુ થઇ જતાં પોતાના જ કુટુંબ એવા સલાટ પરિવારના દાદાના મઢની પીળીમાંથી દાગીના ચોરી લીધા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી એમ. આઇ. પઠાણની સુચના અનુસાર પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એચ. ટી. જીંજાળા, એએસઆઇ રાજેશભાઇ મેર, દેવશીભાઇ ખાંભલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, હસમુખભાઇ નિનામા, જયદિપસિંહ જાડેજા, ભરતભાઇ ડાભી, કોન્સ. કિરણભાઇ પરમાર, જયરાજસિંહ કોટીલા, સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી
(2:55 PM IST)










