તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
શિક્ષણ બોર્ડમાં ચોથી ટર્મ માટે ડો.નિદત બારોટ બિનહરીફ
સતત ત્રણ વખત સમગ્ર ગુજરાતના પ્રતિનિધિ તરીકે બિનહરીફ ચુંટાવવાનો રેકોર્ડ બન્યોઃ ગુજરાતની બી.એડ કોલેજોના આચાર્યો અને સંચાલકોનો આભાર માનતા નિદત બારોટ

રાજકોટ તા.૩: ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું નિયમન કરતું બોર્ડ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ. આ બોર્ડમાં જુદા જુદા સંવર્ગમાથી નવ સભ્યોની ચૂંટણી થાય છે. સંચાલક મંડળ, માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો, બુનિયાદી શાળાના શિક્ષકો, વહિવટી કર્મચારીઓ, વાલી મંડળ ઉપરાંત બી એડ કોલેજોના આચાર્યો પૈકી પ્રતિનિધિઓ ચૂંટાય છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજ્યમાં નવી શાળા શરૂ કરવાની, ૧૦ અને ૧૨માં ધોરણની પરીક્ષા લેવાની અને રાજ્ય સરકારને શિક્ષણ બાબતે સલાહ આપવાની કામગીરી કરે છે.
સમગ્ર ગુજરાતમાંથી ફક્ત નવ લોકો ચૂંટાય છે. આ પ્રતિષ્ઠા ભરી જગ્યાએ સતત ચોથી વખત ILT BEd કોલેજ રાજકોટ ના આચાર્ય, ડો નિદત્ત બારોટ બિનહરીફ ચૂંટાયા છે. ડો નિદત્ત બારોટ અગાઉ ૨૫ વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ સભ્ય, ૧૫ વર્ષ સિંડિકેટ સભ્ય, ૧૨ વર્ષ એકેડેમિક કાઉન્સિલના સભ્ય, અને નવ વર્ષ શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે ચૂંટાયા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ તરીકે ડો નિદત્ત બારોટે સેવાઓ આપેલી છે. ભારત સરકારે ડો. નિદત્ત બારોટ ની નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એડયુકેશન ભોપાલમાં નિયુક્તિ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે ખુબ લાંબા સમયથી ચૂંટાતા ડો નિદત્ત બારોટ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આ વખતે ચૂંટાતા તેઓ બોર્ડના સભ્ય તરીકે ૧૨ વર્ષ પૂરા કરશે.ગુજરાતમાં પેહલી વખત એવું બની રહ્યું છે કે કોઇ વ્યક્તિ સતત ત્રણ વખત બિનહરીફ ચૂંટાઇ હોય. ડો. નિદત્ત બારોટ માધ્યમિક શિક્ષણ બોર્ડ સતત ત્રણ વખત બિનહરીફ ચૂંટાયા છે.
(4:50 PM IST)










