News of Tuesday, 3rd September 2024
મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે સફાઇ કામદારની ભરતી મામલે ધરણા વખતે પોલીસ ત્રાટકીઃ ઝપાઝપીમાં ૪ મહિલાને ઇજા
મહિલાઓએ કહ્યું-સ્ટેન્ડીંગ ચેરમેને અમને વાત કરવા બોલાવ્યા બાદ તે નીકળી ગયા અને અચાનક પોલીસે આવી ઝપાઝપી કરી

રાજકોટ : શહેરના સફાઇ કામદારોની ભરતી મામલે ચાલી રહેલી પ્રક્રિયામાં જેમના પરિવારજનો નોકરી કરતા હોય તેની જ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવતા આ ભરતીમાં માત્ર વારસદારો જ નહિ તમામને લાભ મળતો જોઈએ તેવી માંગ સાથે લડત ચલાવી રહેલા રાજકોટ કામદાર યુનિયન દ્વારા ગત સાંજે મનપા સામે ધરણા ધરી સૂત્રોચ્ચાર કરવામાં આવતા દેકારો બોલ્યો હતો અને પોલીસ દોડી આવી હતી. પોલીસે આગેવાનોની અટકાયતનો પ્રયાસ કરતા ઝપાઝપી બોલતા ચાર મહિલાઓ ઘાયલ થતા તેમને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. વાલ્મીક સમાજમાંથી તમામને ભરતીમાં નોકરીનો ચાન્સ મળે તે માટે ભરતી ઓપન થાય તેવી માગણી આગેવાનો કરીને લડત ચલાવી રહયા છે. હાલ મનપાએ ૫૩૪ કામદારોની ભરતી માટે જાહેરાત આપી છે તેમાં માત્ર જેમના પરિવારમાંથી દાદા, દાદી, મા-બાપ કે કોઈ નોકરી કરતા હોય તેની જ ભરતી કરવા માટે જણાવાયુંછે જેની સામે અમારો વિરોધ છે. અમારી લડત ચાલુ રહેશે. ગઇકાલે આ બધા રામધૂન બોલાવતા હતા ત્યાં પોલીસે આવી સાથે ઝપાઝપી કરી મહિલાઓને ધક્કા મારતા ઈજા પહોંચી હતી. જેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં તેમાં સોનલબેન અજયભાઈ પરમાર( ઉ.વ. ૪૫-રહે. કોસ્મો ચોકડી પાસે), ચેતનાબેન સંજયભાઈ ચુડાસમા (ઉ.વ.૩૮-રહે. કેવલમ્ પાસે), પૂજાબેન વિનોદભાઈ નૈયા(ઉ.વ.૧૮-રહે. રામાપીર ચોકડી લાખના બંગલા પાસે) તથા કૈલાશબેન રાજુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦-રહે. કાલાવડ રોડ જકાતનાકા પાસે)નો સમાવેશ થાય છે. મહિલાઓ સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી હતી. આ મહિલાઓએ કહ્યું હતું કે અમને વાત કરવા માટે સ્ટેન્ડીંગ ચેરમને બોલાવ્યા બાદ તેઓ નીકળી ગયા હતાં અને ઓચીંતી પોલીસ આવી ગઇ હતી અને ઝપાઝપી કરી હતી.
(4:52 PM IST)










