<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ભંડુરીના મોતીબેનને રાજકોટની કેન્‍સર હોસ્‍પિટલમાં દાખલ કરાયા, સાથે આવેલા પતિનું હાર્ટએટેકથી મૃત્‍યુ

ગઇકાલે જ વૃધ્‍ધાને સારવાર માટે લાવવામાં આવ્‍યા હતાં: છાતીમાં દુઃખાવો થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

 

રાજકોટ તા. ૪: માળીયા હાટીના તાબેના ભંડુરી ગામે રહેતાં વૃધ્‍ધાને કેન્‍સરની સારવાર માટે ગઇકાલે રાજકોટ રૈયા રોડ હનુમાન મઢી પાસે આવેલી કેન્‍સર હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. બીજી તરફ સાથે આવેલા પતિનું હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ભંડુરી રહેતાં મોતીબેન રાઠોડ (ઉ.વ.૬૦)ને ગઇકાલે કેન્‍સરની સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્‍યા હતાં. અહિ હનુમાન મઢી પાસેની કેન્‍સર હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. સાથે પતિ લાખાભાઇ દાનાભાઇ રાઠોડ (ઉ.વ.૬૩) આવ્‍યા હોઇ તે હોસ્‍પિટલ ખાતે હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો શરૂ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

લાખાભાઇ રાઠોડ નિવૃત રેલ્‍વે કર્મચારી હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. લાખાભાઇનું અવસાન થઇ જતાં પત્‍નિને પણ હોસ્‍પિટલમાંથી રજા લેવડાવી પરિવારજનો લાખાભાઇની અંતિમવિધી માટે મૃતદેહ ભંડુરી લઇ ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં કાર્યવાહી થઇ હતી.

(10:51 AM IST)