<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

મવડી સંસ્‍કાર સીટીના પાર્કિંગમાં કારખાનેદાર ધર્મેન્‍દ્રભાઇ રૈયાણીનું મોતઃ માથામાં ઇજાનો રિપોર્ટ

રાતે પાર્કિંગમાં ઇજાગ્રસ્‍ત મળ્‍યા બાદ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ ઉભેલી કારમાંથી પડી ગયાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું: પણ ઇજાઓ શંકાસ્‍પદ જણાતાં પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું: જેમાંથી પડી ગયા તે કારમાં ડ્રાઇવીંગ સીટ પર તેમના ભાઇ બેઠા હતાં: બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૪: શહેરના મવડી બાયપાસ પર રામધણ આશ્રમ નજીક સંસ્‍કાર સીટીમાં રહેતાં કારખાનેદાર રાતે સાડા નવેક વાગ્‍યે એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાંથી ઇજાગ્રસ્‍ત મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ઉભેલી કારમાંથી તેઓ પડી ગયાનું તેમને હોસ્‍પિટલે લાવનારા સ્‍વજનોએ પોલીસને કહ્યું હતું. જો કે ઇજા જે રીતની હતી તે શંકાસ્‍પદ જણાતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યું હતું. પોસ્‍ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં માથામાં ઇજા હોવાનું જણાવાયું છે. તેમજ ટાયર માર્ક પણ મળ્‍યાનું જણાયું છે.

જાણવા મળ્‍યા મુજબ મવડી બાયપાસ રામધણ આશ્રમ પાસે સંસ્‍કાર સીટીમાં રહેતાં ધર્મેન્‍દ્રભાઇ છગનભાઇ રૈયાણી (ઉ.વ.૩૮) નામના યુવાનને રાતે ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. તેઓ સંસ્‍કાર સિટીના પાર્કિંગમાંથી ઇજાગ્રસ્‍ત મળ્‍યાનું જણાવાતાં તબિબે પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ સહિતે તાલુકા પોલીસને જાણ કરતાં અધિકારીઓ, ઇન્‍વે સ્‍ટાફની ટીમ હોસ્‍પિટલે પહોંચી હતી.

મૃત્‍યુ પામનાર ધર્મેન્‍દ્રભાઇ રૈયાણી બે ભાઇમાં નાના હતાં. કારખાનેદાર હતાં અને ટ્રેડીંગનું કામ પણ કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્રી છે. પરિવારજનોએ કહ્યું હતું કે ધર્મેન્‍દ્રભાઇ રાતે પાર્કિંગમાં કારમાં બેઠા હતાં અને તેમાંથી ઉતરવા જતાં પડી જતાં ઇજા થઇ હતી. કારમાં ડ્રાઇવીંગ સીટ પર તેમના ભાઇ પ્રશાંતભાઇ પણ હતાં. જો કે કપાળ, માથા, છાતીના ભાગે જે ઇજાઓ હતી તે ઉભેલી કારમાંથી પડી જતાં થાય કે કેમ? તે શંકા ઉપજાવતું હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું હતું.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા પણ તજવીજ કરી હતી. જો કે ઘટના સ્‍થળ  એરીયા કેમેરામાં કવર થતો ન હોવાનું કહેવાયું હતું. દરમિયાન ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ થતાં પ્રાથમિક રિપોર્ટમાં ધર્મેન્‍દ્રભાઇને માથામાં ઇજા પહોંચી હોવાનું જણાઇ આવ્‍યું હતું. ધર્મેન્‍દ્રભાઇ પાર્કિંગમાં ઉભેલી કારમાંથી પડી જતાં ઇજા થયાનું સગાએ કહ્યું હતું. ત્‍યારે હવે આ ઉભેલી કારની ઠોકરે તેઓ ચડયા કે પછી અન્‍ય કંઇ બન્‍યુંં? તે સ્‍પષ્‍ટ ન થતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ એલ. બી. ડીંડોર, જગદીશભાઇ, જનકસિંહ સહિતની ટીમે તપાસ યથાવત રાખી છે. આ બનાવથી રૈયાણી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.  

(4:07 PM IST)