<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

શાળાએથી છુટી સાઇકલ પર ઘેર જતાં ૧૨ વર્ષના છાત્ર પવનનું ટેન્‍કરની ઠોકરે કમકમાટી ભર્યુ મોત

સંત કબીર રોડ શાક માર્કેટ સામે જીવલેણ અકસ્‍માત : મુળ ઉત્તરપ્રદેશના પરિવારે લાડકવાયો ગુમાવતાં અરેરાટીઃ ચાલક ટેન્‍કર મુકી ભાગી ગયોઃ બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી

ઘટના સ્‍થળે ભોગ બનેલા બાળકની બૂકડો બોલી ગયેલી સાઇકલ, તેનો નિષ્‍પ્રાણ દેહ, કાળમુખુ ટેન્‍કર જીજે૦૩એટી-૩૦૧૫ તથા ભોગ બનેલા પવનનો ફાઇલ ફોટો અને વિલાપ કરતાં તેના પરિવારજનો જોઇ શકાય છે

રાજકોટ તા. ૪: શહેરમાં વધુ એક વખત જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. સામા કાંઠે સંત કબીર રોડ પર ધરારનગર શાક માર્કેટ નજીક જલજલાટ રામાપીરના મંદિર નજીક બપોરે બાર વર્ષના વિદ્યાર્થીનું સાઇકલ સહિત ટ્રકની ઠોકરે ચડી જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. અકસ્‍માત સર્જી ચાલક ટ્રક મુકી ભાગી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

જાણવા મળ્‍યા મુજબ સામા કાંઠે જુના યાર્ડ નજીક ભગીરથ સોસાયટી-૫માં રહેતો પવન રામનિહોરી નિશાદ (ઉ.વ.૧૨) બપોરે સંત કબીર રોડ પર ધરાર માર્કેટ સામે સાઇકલ હંકારીને જતો હતો ત્‍યારે ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં તે સાઇકલ સહિત ફંગોળાઇ ગયો હતો અને ટ્રકના તોતીંગ વ્‍હીલની હેઠળ ચગદાઇ જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસને જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ એ. વી. બકુતરા અને કૃણાલભાઇએ તત્‍કાળ પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં મૃત્‍યુ પામનાર બાળક ભગીરથ સોસાયટીમાં રહેતો હોવાની માહિતી મળતાં તેમના પરિવાજનોને જાણ કરી હતી. કાળનો કોળીયો બનેલો પવન નિશાદ રણછોડનગરમાં શાળા નંબર ૧૫માં ધોરણ-૪માં અભ્‍યાસ કરતો હતો. તે બે બહેન અને ત્રણ ભાઇમાં મોટો હતો. તેના પિતા રામનિહોરી નિશાદ ઇમિટેશનમાં મજૂરી કામ કરે છે. મુળ યુપીના આ પરિવારે લાડકવાયો ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો હતો. અકસ્‍માત બાદ ચાલક ટેન્‍કર મુકી ભાગી જતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

(3:10 PM IST)