તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
મહંત યોગી ધરમનાથ ઉર્ફ જીજ્ઞેશના વડવાજડીના આશ્રમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડયોઃ ગાંજા જેવા બે છોડ મળ્યા
મહિલા કોલેજ અંડર બ્રીજમાં જીએસટી કમિશનરની કારમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી બે છોડના નમુના લઇ પરિક્ષણમાં મોકલાયાઃ ખરાબામાં ગેરકાયદે મઢી ઉભી કરી દીધાની ગ્રામજનોની રજૂઆત

રાજકોટ તા. ૪: સોમવારે રાત્રે મહિલા કોલેજ અન્ડર બ્રીજમાં રોંગ સાઇડમાં કાર ઘુસાડી દઇ કાલાવડ રોડ પર વડવાજડીમાં આવેલા શ્રીનાથજી મઢી આશ્રમના મહંત અને શિષ્યોએ ધમાલ મચાવી જીએસટી કમિશનરની કારના કાચ તોડી તેના ડ્રાઇવરને ગાળો દઇ ફરસી બતાવી ભયભીત કરી મુકતાં આ મામલે એ-ડિવીઝન પોલીસે મહંત સહિત ચારની ધરપકડ કરી હતી. દરમિયાન આ કહેવાતા મહંતે વડવાજડીમાં સરકારી ખરાબામાં ગેરકાયદે દબાણ કરી મઢી બનાવી લીધાનું અને ત્યાં ગાંજાના છોડનું પણ વાવેતર કર્યાનું ખુલતાં કલેક્ટર દ્વારા તપાસના આદેશ થયા હતાં. જ્યારે રૂરલ એસઓજીની ટીમે આશ્રમ ખાતે પહોંચી તપાસ કરતાં ગાંજાના હોય તેવા બે છોડ મળી આવ્યા હતાં. જેને પરિક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવાની તજવીજ થશે.
જામનગર રોડ પર શેઠનગર પાછળ વાલ્મિકીનગર સોસાયટી મકાન નં. ૧૮માં રહેતાં અને સેન્ટ્રલ જીએસટી રાજકોટ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર ઇનોવા કારનું ડ્રાઇવીંગ કરતાં ભાવીનભાઇ મનસુખભાઇ બેરડીયા (ઉ.વ.૨૫) પરમ દિવસે જીએસટી કમિશનરને પ્રેમ મંદિર પાસે ઉતારી ઇનોવા કાર લઇ રેસકોર્ષની કચેરીએ મુકવા જતો હતો ત્યારે મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે રોંગ સાઇડમાં બ્રેઝા કાર ધસી આવી હતી. બાદમાં તેમાંથી પિત્તળની કુંડલીવાળી લાકડી સાથે ઉતરેલા સાધુ જેવા શખ્સે ઝઘડો કરી ઇનોવાનો પાછળનો કાચ ફોડી નાખ્યો હતો. અન્ય બે શખ્સો પણ કારમાંથી ઉતર્યા હતાં. જેમાં એકની પાસે ફરસી હતી.
પોલીસે આ અંગે ભાવીનભાઇની ફરિયાદ પરથી જેતપુર ગોરધનભાઇ ધામેલીયાના ડેલાના વતની અને હાલ વડવાજડીના ખરાબામાં આવેલા આશ્રમમાં રહેતાં મહંતયોગી ધરમનાથ ઉર્ફ જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા (ઉ.વ.૪૪), પર્ણ કુટીર સોસાયટી વિદ્યાકુંજ મેઇન રોડ પર રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ એ-૫૦૧માં રહેતાં કારખાનેદાર ચિરાગ પ્રવિણભાઇ કાલરીયા (ઉ.વ.૪૨) અને મેટોડા જુની પંચાયત ઓફિસ સામે રહેતાં પ્રવિણ વાઘજીભાઇ મેર (ઉ.વ.૪૨) તથા અભિષેક વિરૂધ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણને પકડી લીધા હતાં. જ્યારે અભિષેક ભાગી ગયો હતો. તેને પણ બાદમાં પોલીસે પકડી લીધો હતો.
દરમિયાન ધમાલ મચાવનાર કહેવાતા મહંતના વડવાજડીના શ્રીનાથજી મઢી આશ્રમમાં ગાંજાના છોડનું વાવેતર હોવાની માહિતી મળતાં રૂરલ એસઓજી પીઆઇ પારઘીની રાહબરીમાં પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતની ટીમ, લોધીકા પોલીસની ટીમે પહોંચી તપાસ કરતાં ગાંજા જેવા બે છોડ મળી આવતાં નમુના લઇ પરિક્ષણ માટે મોકલ્યા હતાં. આ મહંતે ગેરકાયદેસર રીતે ખરાબામાં ઘુસણખોરી કરી લીધાની ફરિયાદ પણ સરપંચ અને ગ્રામજનોએ કરી મામલતદારને રજૂઆત કરવા તજવીજ કરી હોવાનું જણાવ્યું હતું. તસ્વીરમાં આશ્રમ ખાતે કાર્યવાહી કરી રહેલી રૂરલ એસઓજીની ટીમ, ગાજા જેવા છોડ, મહંતનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.
(3:29 PM IST)










