<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

બીજાની ચિંતા દૂર કરનારાનું દુઃખ દૂર થયા વિના ન રહેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટઃ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ચતુર્થ દિવસ હજારો હજારો હૃદયને પ્રભુની સુખને સંવિભાગ  કરવાની વિચારધારા પ્રત્‍યે વંદિત-અભિવંદિત બનાવી ગયો હતો.

પરમધામ સાધના સંકુલના નૈસર્ગિક ખોળામાં પરમ ગુરુદેવના પવિત્ર સાંનિધ્‍યમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભવ કલ્‍યાણકારી આરાધનાના આ અવસરે સમગ્ર ભારતના ખૂણે-ખૂણેથી તેમજ વિદેશના ૧૭૦ દેશોના મળીને હજારો ભાવિકો ભક્‍તિભાવથી જોડાઈને સ્‍વયંની આત્‍મશુદ્ધિ કરી કલ્‍યાણ સાધી રહ્યાં છે.

યંગસ્‍ટર્સને સત્‍ય પમાડતાં વહેલી સવારના ૭ કલાકે પરમ ગુરુદેવના ઇંગલિશ પ્રવચન, દોષોની શુદ્ધિ કરાવતી ૮ કલાકે કરાવવામાં આવતી ઈનર ક્‍લિનિંગ ધ્‍યાન સાધના અને રોમ રોમને સ્‍પંદિત કરી દેનારી મધુર ઉપાધ્‍યાય પદની ૮:૩૦ કલાકની કલ્‍યાણકારી ધૂનના ગુંજારવ બાદ ભવ્‍ય જીવોને પ્રતિબોધિત કરનારા અમૃત વચનો વહાવતાં પરમ ગુરુદેવે ફરમાવ્‍યું હતું કે, માત્ર પોતાનું જ દુઃખ શોધીને એને દૂર કરવાના પ્રયત્‍નમાં લાગેલા આ જગતના મોટા ભાગના લોકોની વચ્‍ચે સવાર પડતાં જ આજે હું કોનું દુઃખ દૂર કરું ? ના વિચાર સાથે અન્‍યના ચહેરા પર મુસ્‍કાન લાવી દેનારા લોકો વાસ્‍તવિકતામાં મનુષ્‍ય હોય છે. બીજાની તકલીફો, બીજાનું દુઃખ દૂર કરવા માટે જે પોતાના મન-વચન-કાયાનું યોગદાન આપે છે એને જ પરમાત્‍માનું વરદાન મળતું હોય છે.  પરમાત્‍મા કહે છે, તમારી પાસે આવનારી વ્‍યક્‍તિ જો તમારી પાસેથી ખાલી હાથે જાય છે તો એ તમારા પુણ્‍યને પણ ખાલી કરી જાય છે પણ તમારી પાસે આવનારી વ્‍યક્‍તિ જો તમારી પાસેથી કાંઈક ભરીને લઈ જાય છે તો તે તમારા પુણ્‍યને પણ ભરી જાય છે. મારી પાસે જે કાંઈ પણ છે એમાં કોઈ અજાણ્‍યાને, કોઈ અતિથિને ભાગ આપવો તેને ભગવાને સંવિભાગ કહ્યું છે. બીજાના દુઃખને દૂર કરવાં, પોતાના સુખનો જે સંવિભાગ કરે છે તેના સુખનો ગુણાકાર થતો રહેતો હોય છે. ભગવાન કહે છે, આપતાં જેને આવડે તે આગળ વધી જાય, માત્ર પોતાના માટે ભોગવતા આવડે તે પાછળ રહી જતાં હોય છે.

 બીજાની મુશ્‍કેલીના સમયમાં મુસ્‍કાન લાવનારાનું માનવ જીવન સાર્થક બની જતું હોય છે અને એવા અન્‍યના દુઃખ દૂર કરનારાના દુઃખ અને સંકટો પણ સહજતાથી ટળી જતાં હોય છે. આપણે અન્‍યને આપેલું સુખ, આપણી આફતોને ટાળી દેતું હોય છે. પરમાર્થ ભાવનાની પ્રેરણા આપતી પરમ ગુરુદેવની આવી પાવન વાણી સાથે આ અવસરે પ્રસ્‍તુત કરવામાં આવેલી તીર્થંકર પરમાત્‍મા પાર્શ્વનાથના જીવન આધારિત હૃદયસ્‍પર્શી નાટિકાના અદભૂત અને સંવેદનશીલ દ્રશ્‍યોને નિહાળી હજારો ભાવિકો પ્રભુ ચરણમાં વંદિત-અભિવંદિત આત્‍મનત બની કૃતકૃત્‍ય બન્‍યા હતાં

(3:34 PM IST)