<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

વિર પ્રભુના હર્ષોલ્લાસથી વધામણાઃ ૧૪ સ્‍વપ્‍નાઓના ઘી બોલાયા

ત્રિશલાનંદન વિર કી, જય બોલો મહાવીર કીના નાદ ગુંજયા મહાપર્વ પર્યુષણનો આજે પાંચમો દિવસઃ તપ-આરાધના પુરબહાર

આજે પર્યુષણ પર્વના પાંચમા દિવસે દેરાસરોમાં પૂ.ગુરૂભગવંતોએ કલ્‍પસૂત્ર વાંચન દરમિયાન માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્‍વપ્‍નાઓના વર્ણન કર્યા હતા. ત્‍યારે ભાવિકોએ દરેક સ્‍વપ્‍ના માટે ધી બોલી અનેરો લાભ લીધો હતો. ઉપરોકત તસ્‍વીરમાં મણીયાર દેરાસર ખાતે માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્‍વપ્‍નાઓ દર્શાય છે. જ્‍યારે બીજા સ્‍વપ્‍ન વૃષભનો લાભ કાગદી પરિવારના બલવંતભાઇ પારેખ પરિવારના ભદ્રાબેન, વિજયભાઇ, નિશાબેન, કોશા, લબ્‍ધી તથા દિપે લાભ લીધો હતો. સાથે નરેશભાઇ પ્રેમચંદ્રભાઇ પારેખ (રીટા. આરએમસી) દર્શાય છે. જ્‍યારે જાગનાથ દેરાસર ખાતે પણ ૧૪ સ્‍વપ્‍નાઓ ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવ્‍યા હતા. ઉછામણી દરમિયાન જિનાલયોમાં ભકિત સંગીતની સુરાવલી પણ વહી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૨૨.૨૭)

રાજકોટ, તા.,૪: જૈનોના મહાપર્વ પર્યુષણના આજે પાંચમો દિવસે ભાવિકો આરાધના તથા જિનભકિતમાં લીન બન્‍યા છે. મૂર્તિપૂજક સમાજે હર્ષોલ્લાસ સાથે ત્રિશલાનંદનના અક્ષત વધામણા કરેલ. સ્‍થાનકવાસી સમાજમાં ધર્મ-આરાધના પુરબહારમાં ચાલી રહેલ છે.

પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણમાં જૈન સમાજમાં વિવિધ આરાધનાઓ અને ધાર્મિક અનુષ્‍ઠાનો થકી જિન ભકિતમાં લીન છે. મહાપર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકોઓ ગુરૂ ભગવંતોના મુખેથી વ્‍યાખ્‍યાન વાણીનો અપૂર્વ લાભ લઇ રહ્યા છે.

ભાવિકો દ્વારા પ્રભુજીની પુજા-અર્ચના કરવામાં આવે છે. દેરાસરોમાં પ્રભુજીની મનમોહક આંગી રચવામાં આવે છે. રાત્રે ભકિત સંગીતના આયોજનમાં ભાવિકો રસતરબોળ બની પ્રભુ ભકિત કરી રહ્યા છે. મોટી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુજીના ગુણગાન ગાઇ છે.

જૈન સમાજમા તપヘર્યાની હેલી સર્જાઇ છે. અઠ્ઠમ, છઠ્ઠ, માસ ક્ષમણ જેવી ઉગ્ર આરાધનાઓ શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે. નિત્‍ય પ્રતિક્રમણ કરી પુણ્‍યનું ઉર્પાજન જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. પર્યુષણ મહાપર્વના ૮ દિવસ દરમિયાન ધર્મ-ધ્‍યાન-ભકિત દ્વારા આઠ ભવોના પાપો ધોવામાં આવે છે.

આજે દેરાસરોમાં માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્‍વપ્‍નાઓની ઉછામણી કરવામાં આવેલ. જેમાં ભાવિકો દ્વારા લાખો મણ ઘી બોલાયુ હતું.  ભાગ્‍યશાળી પરિવારને સ્‍વપ્‍ના ઉતારવાનો લાભ મળ્‍યો હતો.

કાલે પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે ભગવાન મહાવિર સ્‍વામીનો જન્‍મ ૫૬ દિકકુમારિકાઓ અને ૬૪ કેન્‍દ્ર મેરૂશિખર ઉપર અગણીત દેવો સાથે ઉજવે છે. જન્‍મસમયે પ્રભુજીનું નામ વર્ધમાન પાડવામાં આવ્‍યુ. ૨૮ વર્ષની ઉંમરે માતા-પિતાનું અવસાન થતા ભાઇ નંદી વર્ધનના આગ્રહથી વધુ બે વર્ષ સંસારમાં રહેલ. ત્‍યારબાદ વરસીદાન આપી દિક્ષાગ્રહણ કરેલ.

પ્રભુ મહાવિર સ્‍વામી પ્રથમ દેશના નિષ્‍ફળ ગયા બાદ પાવાપુરી પધારેલ. ઇન્‍દ્રભૂતિ ગૌતમ ૫૦૦ શિષ્‍યો સાથે આવેલ અને પ્રભુના પ્રથમ ગણધર બન્‍યા હતા. ત્‍યાર પછી ભગવાન મહાવિર સ્‍વામીએ ચતુર્વિઘ સંઘની સ્‍થાપના કરેલ.  પ્રભુનું અંતિમ ચોમાસુ પાવાપુરી ખાતે થયેલ. જે પવિત્ર કલ્‍પસૂત્ર ગ્રંથના પાંચમા અને છઠ્ઠા વ્‍યાખ્‍યાનમાં પૂ.ગુરૂભગવંતો દ્વારા વર્ણવાયેલ.

ઉપાશ્રયોમાં બિરાજમાન પૂ. ગુરૂભગવંતોની જ્ઞાન વાણીનો ભાવિકો પર્યુષણ મહાપર્વે અપૂર્વ લાભ લઇ રહ્યા છે.

(3:35 PM IST)