<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રાજકોટ સિંચાઈ વર્તુળના ૨૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા, બે ડેમ છલકાવાની તૈયારી

ચાર ડેમ ૪૦થી ૭૩ ટકા સુધી ભરાયાઃ ૧૪ ડેમના દરવાજા ખુલ્લા, આઠ ડેમ ઓવરફ્લો: ભાદર, આજી- ૧ તથા ૩ તથા ન્યારી-૨ ડેમ ૧૦૦ ટકા ભરાયા:ભાદર-૨ ડેમ ૯૮.૧૦ ટકા ભરાયો, આજી-૨ ડેમ ૭૩.૨૯ ટકા ભરાયો

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલમાં વરસેલા ભારે વરસાદને પગલે જળાશયો છલકાઈ ઊઠ્યા છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના ૨૭ જળાશયોમાંથી ૨૧ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જેમાં આજની સ્થિતિએ ૧૪ ડેમના દરવાજા ખોલાયેલા છે, જ્યારે આઠ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. તમામ ૨૭ જળાશયો સરેરાશ ૯૭.૬૨ ટકા ભરાઈ ગયા છે.
    રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા પ્રમાણે, આજની તારીખે સવાર સુધીમાં ૨૧ જળાશયો ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ રહ્યા છે. જેમાં ભાદર ડેમના બે દરવાજા ૦.૫૩ મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે મોજ ડેમના ત્રણ દરવાજા ૦.૬ મીટર ખુલ્લા છે. વેણુ-૨ ડેમના ત્રણ દરવાજા ૦.૫૩ મીટર, આજી-૩ ડેમના બે દરવાજા ૦.૬ મીટર, સુરવો ડેમના એક દરવાજા ૦.૧૫ મીટર, ન્યારી-૨ ડેમના બે દરવાજા ૦.૩ મીટર, ખોડાપીપર ડેમના એક દરવાજા ૦.૦૩ મીટર, છાપરવાડી-૨ ડેમના એક દરવાજા ૦.૧૫ મીટર, કરમાળ ડેમના એક દરવાજા ૦.૩ મીટર, કર્ણુકી ડેમનો એક દરવાજો ૦.૦૧૫ મીટર ખોલવામાં આવ્યો છે.
જ્યારે ફોફળ ડેમ હાલ ૦.૩ મીટર ઓવરફ્લો જ્યારે આજી-૧ ડેમ ૦.૧૨ મીટર ઓવરફ્લો, સોડવદર ડેમ ૦.૧ મીટર ઓવર ફ્લો થઈ રહ્યા છે. જ્યારે વાછપરી ડેમ ૦.૨૫ મીટર, વેરી ડેમ ૦.૦૫ મીટર, ફાડદંગ બેટી ૦.૦૨ મીટર, છાપરવાડી-૧ ડેમ ૦.૦૫ મીટર, ઈશ્વરીયા ડેમ ૦.૦૨ મીટર ઓવરફ્લો થઈ રહ્યા છે.
    ઉપરાંત આજી-૨ ડેમ ૭૩.૨૯ ટકા ભરાયેલો છે અને તેના બે દરવાજા ૦.૩ મીટર ખુલ્લા છે. ડોંડી-૧ ડેમ ૬૫.૭૯ ટકા ભરાતા એક દરવાજો ૦.૦૭૫ મીટર ખોલાયો છે. ન્યારી-૧ ડેમ ૯૩.૯૯ મીટર ભરાયો હોવાથી બે દરવાજા ૦.૧૫ મીટર ખુલ્લા છે. ઉપરાંત ભાદર-૨ ડેમ ૯૮.૧૦ ટકા ભરાયો હોવાથી ત્રણ દરવાજા ૦.૪૫ મીટર ખોલાયા છે. ઘેલો સોમનાથ ડેમ ૪૦.૪૧ ટકા ભરાયો છે. જ્યારે માલગઢ ડેમ હાલ ૭૨.૭૪ ટકા ભરાયો છે.

(7:21 PM IST)