<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

પરાગ ધંધુકીયાની ઓફિસમાં ઘુસી તેના મિત્રોને ઘુસ્‍તાવી બે લેપટોપની, ને ઘરે પહોંચી તેણીના પત્‍નિના મોબાઇલની લૂંટ

૧૫૦ રીંગ રોડ મટુકી ચોકમાં બનાવઃ શેર બજારની રકમની લેતીદેતી મામલે ચાલતુ મનદુઃખ કારણભુતઃ સાગર રાદડીયા અને અજાણ્‍યો પહેલા ઓફિસે ધમાલ મચાવી ગયા પછી સુખસાગર સોસાયટીમાં પરાગના ઘરે પહોંચ્‍યાઃ ત્‍યાં તેની પત્‍નિને ધમકાવી ફોન લૂંટી ગયાઃ બંને વિરૂધ્‍ધ તાલુકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી બનાવ વખતે પરાગ ઓફિસથી બહાર ગયો હતો. આરોપી અગાઉ બાજુમાં ઓફિસ ધરાવતો હતો

રાજકોટ તા. ૬: શહેરમાં શેર બજારના પૈસાની લેતીદેતીના ડખ્‍ખામાં વાવડી રોડ મટુકી ચોકમાં ઓફિસ ધરાવતાં યુવાનની ગેરહાજરીમાં તેના અગાઉના પરિચીત શખ્‍સ સહિત બે જણાએ ઓફિસમાં આવી  ચીજવસ્‍તુઓ વેરવિખેર કરી આ યુવાનના બે મિત્રો ઓફિસમાં બેઠા હોઇ તેને અહિ શું બેઠા છો, ઓફિસ મારી છે કહી ગાળો  દઇ માર મારી કાતરથી સ્‍હેજ ઇજા પહોંચાડી બે લેપટોપ લૂંટી લીધા બાદ આ યુવાનના ઘરે પહોંચી તેની પત્‍નિને ધમકાવી તેના ફોનમાંથી તેણીના પતિને ફોન જોડવાનું કહી બાદમાં ત્‍યાંથી મોબાઇલ પણ લૂંટની ભાગી જતાં પોલીસે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે ૧૫૦ રીંગ રોડ પર ગોવર્ધન ચોક માવધ ગેઇટ અંદર સુખસાગર સોસાયટી-૧માં રહેતાં અને વાવડી રોડ મટુકી ચોકમાં આસોપાલવ ટ્રાએંગલ બિલ્‍ડીંગમાં બીજા માળે ૨૨૪ નંબરની ઓફિસમાં પત્‍નિ સાથે શિવ એસોસિએટ નામે એકાઉન્‍ટીંગ અને તમામ પ્રકારની મકાનની લોન અપાવવાનું કામ કરતાં પરાગ પ્રવિણભાઇ ધંધુકીયા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી સાગર રમેશભાઇ રાદડીયા તથા અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

પરાગ ધંધુકીયાએ જણાવ્‍યું હતું કે હું અને મારા પત્‍નિ ઓફિસમાં એકાઉન્‍ટીંગ અને હોમ લોન અપાવવાનું કામ એક વર્ષથી કરીએ છીએ. અમે બે મહિલાને પણ કામ પર રાખી છે. તા. ૫/૯ના સાંજે સાડા ચારેક વાગ્‍યે અમે બધા ઓફિસે હતાં અને મારો મિત્ર અફઝલ ભટ્ટી તથા વસીમ ખલીફા મકાનની લોનના કામ માટે આવ્‍યા હોઇ તે પણ હાજર હતાં. તેમનુ઼ કામ પતાવી હું સાડા પાંચેક વાગ્‍યે મારા ક્‍લાયન્‍ટ કેવીનભાઇના જીએસટીના કામ માટે વાવડી ગયો હતો.

સાંજે પોણા છએક વાગ્‍યે ઓફિસમાંથી મને કર્મચારી માનસીબેનનો ફોન આવ્‍યો હતો કે આપણી ઓફિસમાં સાગર રાદડીયા અને તેની સાથે એક અજાણ્‍યો શખ્‍સ આવ્‍યા છે અને બેફામ ગાળો બોલે છે, દેકારો કરે છે. આથી હું તરફ ઓફિસે જતાં બધો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્‍યો હતો. માનસીબેન, ક્રિષ્‍નાબેન ઓફિસથી નીકળી ગયા હતાં. મેં ૧૦૦ નંબરમાં ફોન કરી દીધો હતો.  મારા મિત્રો અફઝલ અને વસીમને પણ મેં ફોન કરી ઓફિસે પાછા બોલાવ્‍યા હતાં. બનાવ વિશે પુછતાં અફઝલે કહ્યું હતું કે અમે ઓફિસમાં હતાં ત્‍યારે બે શખ્‍સોએ આવીને ‘અહિ શું કામ બેઠા છો? હું સાગર રાદડીયા, આ ઓફિસ મારી છે' તેમ કહી ગાળો દેવા માંડયો હતો. મેં તેને ગાળો દેવાની ના પાડતાં તેણે ઉંચો અવાજ ન કર તેમ કહી સાથેના વસમીને ફડાકા મારી દીધા હતાં.

સાગર સાથેના શખ્‍સે કાતર ઉપાડી મને ગાળા પાસે મારતાં હું દુર ખસી જતાં સ્‍હેજ ઇજા થઇ હતી. ત્‍યારબાદ આ સાગર અને અજાણ્‍યાએ અમને ઢીકાપાટુ મારી વધુ ગાળો દીધી હતી. વસીમને કાન પાસે જોરથી ઝાપટ મારી હતી. આ પછી સાગર ઓફિસમાંથી બે લેપટોપ  લઇને જતો રહ્યો હતો. હું અફઝલ સાથે આ વાત કરતો હતો ત્‍યાં પોલીસ આવી ગઇ હતી. પોલીસને હું ઘટનાની વિગતો જણાવતો હતો ત્‍યાં મારી પત્‍નિના ફોનમાંથી ફોન આવતાં તે રિસીવ કરતાં તેમાં સાગર વાત કરતો હતો. તેણે મને તું ક્‍યાં છો? તારી પત્‍નિ તથા મોબાઇલ મારી પાસેથી લઇ જજે તેમ કહી ફોન કાપી નાખ્‍યો હતો.

ત્‍યારબાદ મારા પત્‍નિનો મોબાઇલ ફોન સ્‍વીચઓફ થઇ ગયો હતો. એ પછી અમે પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. ત્‍યાં મારા પત્‍નિ પણ ડાયરેક્‍ટ પોલીસ સ્‍ટેશને આવ્‍યા હતાં. મારા પત્‍નિ ઘરે હોઇ ત્‍યાં સાગર અને અજાણ્‍યાએ જઇ પરાગ ક્‍યાં છે? તેમ પુછતાં મારા પત્‍નિએ ડેલી બંધ કરી દઇ ગ્રીલમાંથી સાગરને કહેલુ કે પરાગ ઓફિસે હશે, તમે ઘરમાં ન આવો તેમ કહેતાં સાગરે મારા પત્‍નિને તમારા ફોનમાંથી ફોન કરવા દો કહી મારા પત્‍નિ પાસેથી ફોન માંગી મને ફોન જોડયો હતો. બાદમાં ફોન સ્‍વીચઓફ કરી ફોન લઇને જતો રહ્યો હતો.

સાગર અને અજાણ્‍યો શખ્‍સ રૂા. ૨૫ હજારનું લિનોવો અને ૨૬ હજારનું ડેલ કંપનીનું લેપટોપ મળી તેમજ મારા પત્‍નિને મારી નાખવાની ધમકી દઇ ગાળો દઇ રૂા. ૩૦ હજારનો મોબાઇલ મળી કુલ રૂા. ૮૧ હજારની મત્તા લૂંટી ગયા હતાં. હેડકોન્‍સ. બી.જે. ખેરે ગુનો દાખલ કરાવતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ તપાસ હાથ ધરી છે. શેર બજારના બે લાખ રૂપિયાની લેતીદેતીનો ડખ્‍ખો કારણભુત હોવાનું ખુલ્‍યું હતું. સાગર અગાઉ પરાગની બાજુમાં જ ઓફિસ ધરાવતો હોઇ જેથી બંને એક બીજાને ઓળખે છે.

(4:06 PM IST)