હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધો-૧૨ની છાત્રા યશ્વી ગોંડલીયાનો આપઘાત
રાજકોટમાં વાવડી પાસે બાર માળના આવાસ યોજના ક્વાર્ટરમાં બનાવઃ કારણ જાણવા પોલીસની તપાસ માતા-પિતા રાતે ચોથા માળે સગાને ત્યાં બેસવા ગયા હતાં: નાની બહેન પોણા બારેક વાગ્યે તેમને બોલાવવા ગઇઃ બધા પરત આવ્યા ત્યારે યશ્વી લટકતી મળીઃ હોસ્પિટલમાં દમ તોડયોઃ આશાસ્પદ દિકરીના મૃત્યુથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: શહેરના વાવડી નજીક સવન હાઇટ્સ પાસે આવેલા બાર માળના આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં પરિવારની ૧૬ વર્ષની દિકરી કે જે ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે તેણીએ મોડી રાતે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મોબાઇલ ફોન બાબતે ચડભડ થતાં આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી.
જાણવા મળ્યા મુજબ વાવડી નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં દસમા માળે નં. ૧૦૦૩માં રહેતી યશ્વી નિલેષભાઇ ગોંડલીયા (ઉ.વ.૧૭) નામની વિદ્યાર્થીનીએ રાતે બારેક વાગ્યે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોએ બેભાન હાલતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ તેણીએ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, બળુભા, કાનાભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના બી. જે. ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી. યશ્વી બે બહેનમાં મોટી હતી અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતી હતી. પરિવારજનોના કહેવા મુજબ તેઓ રાતે બિલ્ડીંગમાં ચોથા માળે સગાને ત્યાં બેસવા ગયા હતાં. આ વખતે ઘરમાં બંને બહેનો એકલી હતી. એ પછી રાતે પોણા બારેક વાગ્યે નાની બહેન નીચે માતા-પિતા પાસે તેમને સુઇ જવા માટે બોલાવવા ગઇ હતી. દસ પંદર મિનીટમાં બધા પોતાના ફલેટમાં આવ્યા ત્યારે મોટી દિકરી યશ્વી લટકતી દેખાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
તેણીને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે ખસેડી હતી. પરંતુ જીવ બચી શક્યો નહોતો. મોબાઇલ ફોન બાબતે ચડભડ થતાં આ પગલુ ભર્યાની પ્રાથમિક ચર્ચા થઇ રહી હોઇ પોલીસે સાચુ કારણ જાણવા વિશેષ તપાસ યથાવત રાખી છે.
આશાસ્પદ દિકરીના આ પગલાથી ગોંડલીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. યશ્વીના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.










