હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલથી ગણેશ મહોત્સવ : રાજકોટ ગજાનનની ભક્તિમાં ગુંથાશે
મોટી સુંઢાળો આયો, દેવ મહાકાય આયો ... ગણપતિ આયો બાપા રિધ્ધિ સિધ્ધિ લાયો...ગજનાન આયો રિધ્ધિ સિધ્ધિ લાયો... દાદાની નયનરમ્ય મુર્તિઓ તૈયાર : અનેરા સુશોભન : કાલે વાજતે ગાજતે સામૈયા કરી સ્થાપન કરાશે : દસ દિવસ ભક્તિમય માહોલ

સ્થાપન માટે મુર્તિઓ સજજ : આવતીકાલે ભાદરવી ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો હોય ગણપતિ ભકતોના હૈયા હરખાઇ ઉઠયા છે. દાદાની મૂર્તિઓ સ્થાપન માટે સુશોભિત કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ઘરે ઘરે તેમજ ચોકે ચોકે ગણેશજીનું સ્થાપન કરવા મુર્તિ ખરીદીનો આજે છેલ્લો દિવસ છે. સ્થાપન માટે સજજ વિઘ્નહર્તાની મુર્તિઓ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૬ : આવતીકાલે ભાદરવી ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. દસ દિવસ સુધી દાદાના ગુણલા ગાવા ભાવિક ભકતો સજજ થયા છે. ઘરે ઘરે અને ચોકે ચોકે ગણેશ પંડાલોનું નિર્માણ કરાશે. દરરોજ સવાર સાંજ પૂજા આરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનો ધમધમાટ જામશે.
કયાંક એક દિવસ તો કયાંક બે દિવસ તો કયાંક પાંચ દિવસ અને કયાંક દસે દસ દિવસના સ્થાપન કરાશે. ઘરે ઘરે પણ ગણપતિ દાદાની પધરામણી થશે. જયાં જયાં સ્થાપન કરાશે ત્યાં દરરોજ સાંજે સાંસ્કૃતિક, દેશભક્તિ અને ધર્મમય કાર્યક્રમો થશે.
રાજકોટમાં ત્રિકોણબાગ, ચંપકનગર, જે. કે. ચોકમાં દર વર્ષે ગણેશ મહોત્સવનું જબરદસ્ત આયોજન થાય છે. આ વર્ષે પણ ગણેશભકતોએ તડામાર તૈયારીઓ કરી છે. વિવિધ વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરાશે.
વિવિધ સ્થળે આયોજીત ગણેશ મહોત્સવની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
સદગુરૂ સદન ટ્રસ્ટ
સદ્દગુરૂ સદન ટ્રસ્ટ પ્રેરીત શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે તા. ૭ ના શનિવાર ભાદરવી ચોથથી તા. ૧૭ સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. તા.૭ ના સવારે ૯ કલાકે ગણપતિદાદાના સામૈયા કરાશે. ૧૦ વાગ્યે સ્થાપન-પૂજન થશે. દરરોજ સવારે ૭ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૦.૪૫ વાગ્યે થાળ, મધ્યાહને ૧૨ વાગ્યે આરતી અને સાંજે ૮ વાગ્યે સંધ્યા આરતી થશે. કાલે પ્રથમ દિવસ તા. ૭ ના શનિવારે સવારે ૯ વાગ્યે સામૈયામાં સર્વે ધર્મપ્રેમીજનોએ જોડાવા સદ્દગુરૂ સદન ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.
કોઠારીયા કોલોની
કોઠારીયા કોલોની ગજાનન સેવા મંડળ અને વિનાયક ગ્રુપ દ્વારા ૭/૩ માસ્તર સોસાયટી ખાતે તા. ૭ ના શનિવારે ભાદરવી ચોથના ‘કોઠારીયા કોલોની કા મહારાજા'નું શાહી સ્થાપન કરાશે. દાદાની મુર્તિના વાજતે ગાજતે કોટેશ્વર મંદિરેથી સામૈયા કરી ગણેશ પંડાલમાં થાપન કરાશે. જયાં તા. ૭ થી ૧૭ સુધી દરરોજ સવારે ૮ કલાકે અને રાત્રે ૭.૩૦ કલાકે ઓમકાર મહાઆરતી થશે.
નવલનગર
નવલનગર-૩, મવડી મેઇન રોડ ખાતે ગણેશ મહોત્સવ ઉજવવા સિલ્વર ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે. સતત બીજા વર્ષે ‘સિલ્વર ગ્રુપ કા રાજા' ગણેશોત્સવનું આયોજન કરાયુ છે. તા. ૭ ના શનિવારે સાંજે ૪.૩૦ વાગ્યે સ્થાપન કરાશે. તા. ૧૩ ના શુક્રવાર સુધી દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે.
મીલપરા
પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૭ થી તા. ૧૭ સુધી મીલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી ૯/અ, પ્રગટ હનુમાનજી મંદિર ખાતે ‘મીલપરા કા મહારાજા' સાર્વજનીક ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. મહોત્સવ દરમિયાન દરરોજ સવારે ૭ વાગ્યે પુજા તથા દરરોજ રાત્રે ૮.૩૦ વાગ્યે શહેરના આગેવાનો-મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરાશે.










