<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

જીવ દ્વેષ આપણા અસ્તિત્વમાં ઉંડે સુધી બેસી ગયો છેઃ સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. નાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. નાં સાનિધ્યે શ્રી વણિક જૈન સંઘ કાલાવડમાં પર્યુષણ પર્વેસદગુરુદેવે ફરમાવેલ કે એકવાર એક સાધુને તેના ગુરુદેવે પૂછેલ કે તું પૂર્વાશ્રમમાં વેપારીનો દીકરો હતો ને ? તેણે કહ્યુંૅં હા, જી. તેને ખ્યાલ ન આવ્યો કે ગુરુદેવ વાત ને કઈ બાજુ લઈ જવા માંગે છે. ત્યાં ગુરુદેવે બીજો પ્રશ્ન કર્યો. વેપારીનો દીકરો ખોટનો ધંધો કરે? તેને કહ્યુંૅં ના. પોતાના રહસ્ય પરથી પડદો ઉઠાવતા, વ્હાલથી ગુરુદેવે કહ્યુંૅં બીજાના દોષ જોવા તે ખોટનો ધંધો કે નફાનો  ? તેણે કહ્યું ખોટનો ધંધો, ગુરુદેવે કહ્યું તે આપણાથી થાય ખરાં ? માનીલે કે કોઈ મહાપુરુષ છે, કે પ્રતિષ્ઠિત સાધુ ભગવંત છે. આપણને એમનામાં કોઈક દોષ દેખાય તો આપણને કેટલું બધું નુકશાન થાય તે તેને ખબર છે ખરા ? તને એમ થાય કે આવા મોટા પુરુષમાં પણ જો ક્રોધ વગેરે છે, તો મારામાં ક્રોધ હોય તો શું વાંધો ? બોલ તો આ કેવડું મોટું નુકશાન ? પછી તારામાં રહેલ દોષ પ્રત્યે તને જે તિરસ્કાર ઉત્પન્ન થવો જોઈએ એ નહિ થાય. અને પરિણામે, તું એ દોષોનો શિકાર બની જઈશ.

બીજા કોઈમાં દોષ ન હોય અને છતાં અનાદિકાળથી આપણને વળગેલી દોષ દ્રષ્ટિ એ જોતી હોય તેવું બની શકે. પણ ધારો કે કોઈનામાં દોષ હોય તો પણ એ વ્યકિત પર તિરસ્કાર કેમ થાય છે? અહીં જ આપણા ચિંતનમાં રહેલી ખામી નજરે પડે છે. ધારો કે કોઈ પરિચિત વ્યકિત હ્રુષ્ટપુષ્ટ હોવા છતાં કેન્સર જેવા રોગથી પીડિત છે એ સમાચાર આપણને મળે ત્યારે આપણા કંઠમાંથી સહાનુભૂતિનો સ્વર સહજ નીકળે છે. અરે એમને કેન્સર થઈ ગયું! ત્યાં અનુભૂતિ છલકાય તે બરાબર છે. આવી જ સહાનુભૂતિ દોષોનું કેન્સર કોઈકને થયું છે આ સમાચાર સાંભળ્યા પછી કેમ નથી થતી ? વાત તો અદભુત છે તે સાધકે નિશ્ચય કર્યો બીજાના દોષો ક્યારેય ન જોવા.

પગથિયાં પરથી લપસી જવાય ત્યારે કોઈના પર દ્વેષ નથી આવતો, પરંતુ સામે જ્યાં કોઈ વ્યકિત દેખાય છે ત્યાં દ્વેષભાવ સામાન્ય વ્યકિતને થઈ જાય છે. કેમ? કારણ કે જીવ દ્વેષ આપણાં અસ્તિત્વમાં ઊંડે સુધી બેસી ગયો છે.

સદગુરુ દ્વારા કોઈક વિશેષ હેતુસર ગરમ થવાની ક્રોધ કરવાની પ્રક્રિયાને આપણી પરંપરામાં પુણ્યપ્રકોપ કહે છે.  પુણ્ય પ્રકોપ અવસ્થાનું નામ છે. જ્યાં ભીતરથી સદગુરુ બિલકુલ શાંત હોવા છતાં શિષ્યોના યોગ અને ક્ષેમ માટે યા કોઈ અન્ય સમજણ આપવા માટે ગુસ્સો પ્રગટ કરે. તથાગત બુદ્ધ એકવાર દેવદત્ત નામના શિષ્ય પર ગુસ્સે થયા. પટ્ટશિષ્ય આનંદ આશ્ચર્યચકિત બનીને જોતા રહ્યા. તથાગત સ્વયં ગુસ્સે થયા? આશ્ચર્યનાં આ ભાવ સાથે એમણે પૂછ્યું ભંતે ! આપ ગુસ્સે થયેલા. હજુ મનમાં સમજાતું નથી. હૃદય માનતું નથી. તથાગતે કહ્યું: આનંદ હું ગુસ્સે નહોતો થયો. મેં ગુસ્સાનો, ક્રોધનો ઉપયોગ કર્યો હતો. જેમ મધુપ્રમેહ (ડાયાબિટીસ) નાં દર્દીને વૈદ્ય કારેલા ખાવાનું સૂચન કરે કે કડવી દવા આપે પીવડાવે, ત્યારે વૈદ્ય કડવો નથી બનતો. એ તો માત્ર કડવાસનો ઉપયોગ કરે છે. એ જ રીતે શિષ્ય માટે જરૂરી હતો. તેથી ગુસ્સા નો ઉપયોગ કર્યો. હું ગુસ્સે નહોતો થયો. તથાગત ભીતરથી સંપૂર્ણ શાંત હતા.  આજ તો છે ગુરુનો પુણ્ય પ્રકોપ.

(3:23 PM IST)