હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનપા કચેરીમાં લાકડા સાથે કોંગ્રેસનું હલ્લાબોલઃ અધિકારી- એજન્સી સામે ગુનો દાખલ કરવા માંગ
શહેરમાંથી ૩૨ ટ્રેકટરોના સ્મશાનમાં ફેરાના રેકોર્ડમાં વિરોધાભાસઃ આક્ષેપ

કોંગ્રેસનું કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શનઃ રામધુન બોલાવી
જન્માષ્ટમી ઉપર પડેલ જોરદાર વરસાદ બાદ તુટી પડેલ વૃક્ષોના લાકડાઓને સ્મશાનમાં મોકલવાના રેકોર્ડમાં વિરોધાભાસ આવતા શહેર કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતે લાકડા સાથે વિરોધ પ્રદર્શન કરી અધિકારી- એજન્સી સામે ગુનો દાખલ કરવા મ્યુ.કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રદર્શનને લઇને વીજીલન્સનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રાજકોટ તા.૬: શહેરમાં તુટી ગયેલ વૃક્ષોને સ્મશાનમાં મોકલવાના લાકડા કૌભાંડ અંગે તપાસ કરવા તથા સોમનાથ અને જય એજન્સીના કોન્ટ્રાકટર કે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સામે ગુનો દાખલ કરવા માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ લાકડા સાથે વિરોધ દર્શાવી મ્યુ.કમિશનર ડી.પી. દેસાઇને રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓમાં ચાલતા ભ્રષ્ટાચારો અને વહીવટો ઉજાગર થઇ રહયા છે. રાજકોટ મહાનગરપાલિકાની શાખાઓ ભ્રષ્ટાચારના બોરિંગ ભરડામાં સપડાઇ ચૂકી છે ત્યારે એક નવું કૌભાંડ ગાર્ડન શાખામાં થયું છે જેમાં ભ્રષ્ટાચારમાં સ્મશાનના લાકડા પણ સગે વગે કરી દેવામાં આવે છે જે પગલે લાકડા કૌભાંડ ઉજાગર થયું છે.
રાજકોટ શહેરના અડધો ડઝન જેટલા સ્મશાન ગૃહોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધરાશાયી થયેલા વૃક્ષોના ૩૨ ટ્રેકટરો પહોંચાડવામાં આવેલ છે તેવું રેકોર્ડમાં બતાવે છે પરંતુ તમામ સ્મશાન ગૃહોના સંચાલકોના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોકલાયેલા ટ્રેકટરો અને સ્મશાન ગૃહના રેકોર્ડમાં વિરોધાભાસ જણાય છે.
તાજેતરમાં તારીખ ૨૪ થી ૨૯ સુધીમાં પડેલા ધોધમાર વરસાદ અને ઝંઝાવતી પવનને પગલે રાજકોટ શહેરમાં ૬૦૦ થી વધુ વૃક્ષો પડી જવાની ઘટના બની હતી તેમાંના લાકડા જે સ્મશાન ગૃહમાં પહોંચાડવાના થાય છે તે પહોંચાડવામાં આવ્યા નથી. જે પગલે સ્મશાનમાં જે લાકડા મોકલવામાં આવ્યા છે તે રેકોર્ડની તપાસ કરો સ્ટોકની ગણતરી કરો મોટા લાકડા અને તેનો વજન કેટલો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરો.
મહાનગરપાલિકામાંથી લાકડાઓ બારોબાર સગેવગે કરી દઈ લાખોનુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. છેલ્લા દશેક વર્ષથી સોમનાથ અને જય એજન્સી પાસે કોન્ટ્રાકટ છે તો આ કોન્ટ્રાકટરોની સામે કૌભાંડ ને પગલે તપાસ થવી જોઈએ અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાકટરના તમામ બિલો સ્ટોપ પેમેન્ટ કરવામાં આવે અને આ કોૈભાંડમાં સંડોવાયેલા જે કોઈ હોય તેની સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ મથકમાં ગુનો નોંધાવવો જોઇએ.
મહાનગરપાલિકામાં થુકનારા અને કોગળા કરનાર શહેરમાં લાગેલા આઇવે પ્રોજેકટ હેઠળના સીસી ફૂટેજમાં દેખાઈ આવે છે ત્યારે આ તમામ સ્મશાન ગૃહોમાં લગાવાયેલા અને જાહેર રસ્તા પર લાગેલા કેમેરામાં તપાસ કરી ગાર્ડન શાખાના જવાબદારો સામે દાખલા રૂપ સજા થવી જોઈએ. વધુમાં આ અંગે છેલ્લા એક માસમાં મહાનગરપાલિકા દ્વારા દરેક સ્મશાન ગૃહોમાં મોકલવામાં આવેલા તમામ વાહનોના લાકડા અંગેની વાહનના નંબર સહિતની માહિતી પણ શહેર કોંગ્રેસે માંગ કરી હતી.
ઉપરોકત રજૂઆત સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, દિપ્તીબેન સોલંકી, નયનાબા જાડેજા, રાજદીપસિંહ જાડેજા, ધરમભાઇ કાંબલીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, રહીમભાઈ સોરા, રણજીત મૂ઼ધવા, અરવિંદભાઇ મુછડીયા, હરેશભાઇ ભારાઇ, કંચનબેન વાળા, પુનમબેન રાજપુત, જયાબેન ચોૈહાણ સહિતના જોડાયા હતા










