News of Saturday, 7th September 2024
ઓરિસ્સાના બારમા ધોરણના વિદ્યાર્થી અંજુનું રાજકોટમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત
બાવીસ વર્ષનો યુવાન વતનથી રાજકોટ અવધ રોડ પર બાંધકામની સાઇટ પર કામ કરતાં પિતા પાસે દોઢેક મહિનાથી આવ્યો હતોઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૭: શહેરમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથુ ઉંચક્યું છે. તાવ શરદી ઉધરસ જેવા રોગચાળા વચ્ચે ડેંગ્યુએ પણ દેખા દીધી છે. શહેરના અવધ રોડ પર બાંધકામની સાઇટ પર પિતા સાથે ઓરડીમાં રહેતાં અને ઓરિસ્સામાં બારમા ધોરણમાં અભ્યાસ કરતાં બાવીસ વર્ષના છાત્રનું ડેંગ્યુને કારણે મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ શહેરના અવધ રોડ પર ગેલેક્સી જુનીયર સ્કૂલના રસ્તે ચૈતન્ય નામની બાંધકામની સાઇટ ચાલુ હોઇ ત્યાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં રહેતાં ઓરિસ્સાના રમેશભાઇ શુનાને ત્યાં દોઢેક મહિનાથી તેનો પુત્ર અંજુ (ઉ.વ.૨૨) આવ્યો હતો. તે પણ અહિ જ ઓરડીમાં રહેતો હતો. અંજુને ચાર પાંચ દિવસથી તાવ આવતો હોઇ સારવાર રિપોર્ટ કરાવતાં તેને ડેંગ્યુ થઇ ગયાનું જણાવાયું હતું. દરમિયાન આજે તે ઓરયડીમાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર અંજુ ત્રણ ભાઇમાં વચેટ હતો અને ઓરિસ્સામાં બારમા ધોરણમાં ભણતો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, કાનાભાઇ, બળુભા, ધર્મેન્દ્રભાઇ સહિતે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(2:02 PM IST)










