News of Saturday, 7th September 2024
સદર બજારમાં રાત્રે નોનવેજના ધંધાર્થી સમીર સંઘાર પર જયલો, નિલેષ અને તુષારનો હુમલોઃ પીઠમાં છરીના ઘા
સમીર રાતે જંકશન રોડ પર ચા પીતો હતો ત્યારે ઇમરાન ઉર્ફ બિમ્બોએ ફોન કરી ‘તે કેમ મારા માણસને છરી મારી?' કહ્યા બાદ સમીર ઘર પાસે આવ્યો ત્યારે ત્રણ જણા આવી તૂટી પડયા

રાજકોટ તા. ૭: સદર બજાર જુમ્મા મસ્જીદ નજીક રાત્રીના નોનવેજના ધંધાર્થી યુવાન પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરતાં વાંસામાં ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે પહોંચતા સારવાર અપાઇ હતી. આ બનાવમાં પ્ર.નગર પોલીસે સદર બજાર જુમ્મા મસ્જીદ સામે રહેતાં અને નોનવેજની દુકાન ચલાવી ગુજરાન ચલાવતાં સમીર હુમાયુભાઇ સંઘાર (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી નિલેષ સોલંકી, જયકુમાર ઉર્ફ જયલો અને અમદાવાદનો તુષાર વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સમીર સંઘારે ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાતે સાડા દસેક વાગ્યે જંકશન રેલ્વે સ્ટેશન સામે આવેલી બજરંગ ટી સ્ટોલ ખાતે ચા પીવા ઉભો હતો ત્યારે અમારા વિસ્તારમાં રહેતાં ઇમરાન ઉર્ફે બીમ્મોનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તે મારા માણસને કેમ છરી મારી? જેથી મેં કહેલું કે મેં કોઇને છરી મારી નથી.
આ પછી તેણે ફોન કટ કરી નાખ્યો હતો અને હું મારા ઘર પાસે આવી ચોકમાં બેઠો હતો. રાતે અગીયાર આસપાસ ઘર પાસે જતાં નિલેષ, જયકુમાર ઉર્ફ જયલો અને તુષાર આવય હતાં. આ ત્રણેયએ મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. જયલાએ મને સામેથી પકડી રાખ્યો હતો અને નિલેષે છરી કાઢતાં હું ભાગવા જતાં પીઠના ભાગે બે ઘા મારી દીધા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. ત્યારબાદ મારો ભાઇ સાહીલ અને સંબંધી કામરાનભાઇ, તોહીદભાઇ, આસીફભાઇ, અરબાઝભાઇ સહિતના આવતાં મને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં સારવા લઇ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો હતો.
ઇમરાન ઉર્ફ બિમ્બોના કોઇ માણસ સાથે મારે માથાકુટ ન હોવા છતાં તેણે મને ફોન કરી તે મારા માણસને છરી મારી છે તેમ કહ્યા બાદ જયલો, નિલેષ અને તુષારે આવી મારા પર હુમલો કર્યો હતો. પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં એએસઆઇ સી. જે. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:58 PM IST)










