<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

કવાર્ટર પાસે ગાળો બોલવાની ના પાડવા ગયેલા જીજ્ઞેશભાઇને અપમાનીત કરી છરી પાઇપથી હુમલો

સાધુવાસવાણી રોડ આવાસ યોજના કવાર્ટરમાં બનાવઃ પડોશી મીલન ચગ સામે એટ્રોસીટી હેઠળ ગુનો

રાજકોટઃ તા.૭: સાધુવાસવાણી રોડ પર આર.એમ.સી. આવાસ યોજનાના કવાર્ટરમાં રોગચાળો બોલવાની ના પાડવા  ગયેલા યુવાને પાડોશીએ ઝધડો કરી જ્ઞાતીપ્રત્‍યે  અપમાનીત  કરી છરી અને પાઇપ વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આર.એમ.સી.ના આવાસ યોજનાના કવાર્ટર બ્‍લોકનં. ૨ કવાર્ટર નં. ૭૪૧ માં રહેતા જીજ્ઞેશભાઇ માધવજીભાઇ બગડા (ઉ.વ. ૩૦) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં પાડોશી મીલનરસીકભાઇ ચગ સામે ફરિયાદ નોંધાવી છે. જીજ્ઞેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે માતા-પિતા સહિત પરિવાર સાથે રહે છે. અને પોતે મજૂરીકામ કરે છે. પોતાના કવાટરની સામે રહેતો મીલન રસીકભાઇ ચગ છેલ્લા દસ વર્ષથી રહે છે. તે અવારનવાર શેરીમાં જાહેરમાં ગાળો બોલતો હોઇ જેથી પોતે તેને ગાળો બોલવાની ના પાડતા અવારનવાર પોતાની સાથે ઝધડો કરી બોલાચાલી કરતો હોય છે. ગઇકાલે પોતે ઘરે હતા. અને માતા મંજુલાબેન કામેથી ઘરે આવતા હતા ત્‍યારે આ મીલન ચગ પોતાના કવાર્ટર પાસે જોર જોરથી ગાળો બોલતો હોઇ તેથી માતા મંજુલાબેને તેને ગાળો બોલવાની ના પાડતા તેને ગાળો દેવા લાગ્‍યો હતો. દેકારો તથા પોતે ઘરની બહાર નીકળીને જોતા મિલન પોતાની માતા સાથે ઝધડો કરતા જોઇ પોતે વચ્‍ચે પડી માતાને છોડાવ્‍યા હતા. જેથી મીલનને સારૂ ન લાગતા તે પોતાને પણ ગાળો દેવા લાગતા પોતે તેને ગાળો દેવાની ના પાડતા મીલને પોતાને ઢીકાપાટુનો મારમારી જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરતા પોતે તેને ના પાડતા તેણે નેફામાંથી છરી કાઢી પોતાને ડાબી બાજુ પડખાના ભાગે છરી ઝીંકી દીધી હતી છરી પડખામાં ફસાઇ ગઇ તેમ છતા આ મીલને  ત્‍યાં નજીકમાં ભુગર્ભના ટાંકા પાસે પડેલો લોખંડનો પાઇપ લઇને પોતાને મારમાર્યો હતો. તને જાનથી મારી નાખવો છે કહી ધમકી આપી હતી આસપાસના લોકો એકઠા થઇજતા મીલન ત્‍યાંથી ભાગી ગયો હતો. બાદ પોતાના પિતાએ ૧૦૮માં જાણ કરતા પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ.વી.એન. બોદરે જીજ્ઞેશભાઇ બગડાની ફરિયાદ દાખલ કરી એસીપી રાધીકા ભારાઇએ તપાસ હાથધરી છે.

(3:06 PM IST)