News of Sunday, 8th September 2024
રાજકોટના ૩૬૪૯ દિવ્યાંગોને એક વર્ષમાં ૧.૪૨ કરોડથી વધુનું પેન્શન અપાયું
જિલ્લામાં સંત સુરદાસ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજના અંતર્ગત ૨૭૮૦ દિવ્યાંગોને અપાઈ ૮૯ લાખથી વધુની સહાય

રાજકોટ, તા.૭: રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે કલ્યાણકારી યોજનાઓ અમલી છે.જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો સ્વમાનભેર જીવી શકે તે માટે સરકારની ક્લ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં જિલ્લા સમાજ સુરક્ષાની કામગીરી નેત્રદીપક બની છે.
સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ યોજનાઓની સહાય આપી રાજકોટ જિલ્લાના દિવ્યાંગોને વ્હારે રાજય સરકાર આવી છે. જેમાં સંત સુરદાસ (પેન્શન) યોજના અંતર્ગત ૮૦ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતા ૧૭ વર્ષ સુધીના તથા ૨૦ સુધી બી.પી.એલ સ્કોર ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને તથા ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ અંતર્ગત ૧૮ થી ૬૯ વર્ષના તથા ૨૦ સુધી બી.પી.એલ સ્કોર ધરાવતા કુલ ૨૭૮૦ દિવ્યાંગ લાભાર્થીઓ માસિક રૂ. ૧૦૦૦ પેન્શન અંતર્ગત કુલ રૂ.૮૯ લાખ ૨૩૦૦૦ની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના માનસિક દિવ્યાંગોને ગુજરાત મેન્ટલી ડિસેબલ પેન્શન યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં હાલ સુધીમાં જિલ્લાના ૩૬૪૯ માનસિક દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂ. ૧ કરોડ ૪૨ લાખ, ૬૦ હજાર પેન્શન આપવામાં આવ્યું છે.
(10:14 AM IST)










