તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 8th September 2024
પીડીએમ પાસે રામનગર-૧ માં કોલેરાએ દેખા દિધી...ર કિ.મી.નો વિસ્તાર પ્રતિબંધીત જાહેરઃ કલેકટરનું જાહેરનામું
તારીખ-ર-નવેમ્બર સુધી અમલમાં: કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની કોલેરા નિયંત્રણ તરીકે નિમણૂંક

રાજકોટ તા. ૭ :.. શહેરના રામનગર શેરી નં. ૧ પી. ડી. માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો ૧ કેસ નોંધાયેલ હોવાના અહેવાલ અધિકારી, રાજકોટ મહાનગરપાલિકાના પત્ર ધ્યાને લેતા રાજકોટ શહેરના રામનગર શેરી નં. ૧, પી. ડી. માલવીયા, કોલેજ પાસે, ગોંડલ રોડ વિસ્તાર અને તેની આજુબાજુના ર કિ. મી.ના વિસ્તારમાં પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. આ રોગચાળો દુષિત પાણી પીવાથી તેમજ આ પાણીના વપરાશથી બનતા અને ખુલ્લામાં બજારમાં વેંચાતા ખાદ્ય પદાર્થ જેવા કે શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, લોકલ ઠંડા પીણા, છાશ, દૂધની બનાવટો વગેરેનો ઉપયોગથી ફેલાતો હોય રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાત્કાલીક અસરથી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકાવવાના હેતુથી રાજકોટ શહેરના રામનગર શેરી નં. ૧, પી. ડી. માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ વિસ્તાર તથા આજુબાજુના ર કિ. મી. વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટૂકડા કરી તેનું વેંચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે. જેથી કલેકટરશ્રી પ્રભવ જોષીએ મળેલ સત્તાની રૂએ આ વિસ્તારમાં તા. ૭-૯- થી તા. ર-૧૧-ર૦ર૪ સુધીના સમયગાળા માટે સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા આદેશો કર્યા છે, તેમજ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની નિમણુંક કરી છે.
કોલેરાગ્રસ્ત-કોલેરા ભયગ્રસ્ત વિસ્તારનું નામ રાજકોટ શહેરના રામનગર શેરી નં. ૧, પી. ડી. માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, વિસ્તાર તથા આજુબાજુનો ર કિ. મી. નો વિસ્તાર તેમજ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
(10:20 AM IST)










