<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

પારકી પરણેતરને ફોનમાં મેસેજ કરતાં ભક્‍તિરામને છાતીમાં છરીનો ઘા ઝીંકી રામજીએ રામ રમાડી દીધાઃ હત્‍યારો ગામ મુકે એ પહેલા ઝડપાયો

રાજકોટના કોઠારીયા રેલ્‍વે સ્‍ટેશન સામે હરિદ્વાર સોસાયટીમાં રહેતાં ભક્‍તિરામ નિમાવત સાંજે ઘર નજીક નોકરીના સ્‍થળે ગણેશ પાર્કની ઓફિસમાં સુતા હતાં અને શેઠ કિશોરભાઇ હિરાણી બહાર બેઠા હતાં ત્‍યારે ગણેશ પાર્કનો રામજી ઓફિસમાં ઘુસી ગયો ઘા ઝીંકી ભાગી ગયોઃ વહેલી સવારે ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો : ગણેશપાર્કમાં રહેતાં રામજી મકવાણાની પત્‍નિ રીટાને ભક્‍તિરામ મેસેજ કરતો હોઇ એક મહિના પહેલા માથાકુટ થઇ ત્‍યારે સમાધાન કરાયું હતું: ગત સાંજે ભક્‍તિરામ ગણેશપાર્કની ઓફિસમાં આવ્‍યાની જાણ થતાં રામજી ધસી આવ્‍યો અને લોથ ઢાળી દીધીઃ ભક્‍તિરામની હત્‍યાથી ૯ વર્ષનો પુત્ર પિતા વિહોણો થયોઃ આજીડેમ પોલીસે મૃતકના પત્‍નિ ઇલાબેન નિમાવતની ફરિયાદ નોંધી :પત્‍નિ ઇલાબેને કહ્યું-એક મહિના પહેલા જ મેં રામજીની ઘરવાળી રીટાને સમજાવી હતી કે મારા પતિ સાથે સંબંધ ન રાખતી : મુળ વિસાવદરના માંડાવડના ભક્‍તિરામ નિમાવત ચાર ભાઇ અને ચાર બહેનમાં ચોથા હતાં

રાજકોટ તા. ૯: કોઠારીયા રેલ્‍વે સ્‍ટેશન સામે સામે હરિદ્વાર સોસાયટી-૧માં રહેતાં અને નજીકમાં આવેલ ગણેશ પાર્ક સોસાયટીની ઓફિસમાં બેસી સોસાયટીમાં પાણી વિતરણ સહિતનું કામ સંભાળતાં ભક્‍તિરામભાઇ મગનલાલ નિમાવત (ઉ.વ.૪૫) સાંજે આઠેક વાગ્‍યે ગણેશપાર્કની ઓફિસમાં શેટી પર સુતા હતાં અને તેના શેઠ કિશોરભાઇ હિરાણી પણ ત્‍યાં બહાર બેઠા હતાં ત્‍યારે ગણેશપાર્કમાં જ રહેતાં રામજી મંગાભાઇ મકવાણાએ ધસી આવી છાતીમાં છરીનો એક જ ઘા ભોંકી દીધો હતો અને ભાગી ગયો હતો. ઘાયલ ભક્‍તિરામભાઇને શેઠ કિશોરભાઇ સહિતે ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડયા હતાં. પરંતુ તેણે દમ તોડી દીધો હોઇ હત્‍યાની ઘટના જાહેર થઇ હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ગણેશપાર્કમાં રહેતાં રામજીની પત્‍નિ રીટાને હત્‍યાનો ભોગ બનનાર ફોનમાં મેસેજ કરતો હોઇ એક મહિના પહેલા ઝઘડો થયો હતો અને સમાધાન થઇ ગયું હતું. આમ છતાં રામજીએ ખાર રાખી ગત સાંજે ભક્‍તિરામભાઇ ગણેશપાર્કની ઓફિસમાં આવ્‍યાની જાણ થતાં ત્‍યાં જઇ હત્‍યા કરી નાખી હતી. તે ભાગી જાય એ પહેલા દબોચી લેવાયો છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે હત્‍યાનો ભોગ બનેલા ભક્‍તિરામભાઇના પત્‍નિ ઇલાબેન નિમાવતની ફરિયાદ પરથી કોઠારીયા સોલવન્‍ટના જ ગણેશ પાર્ક-૨માં રહેતાં રામજી મંગાભાઇ મકવાણા વિરૂધ્‍ધ  હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. હત્‍યા કરી આરોપી ભાગી જાય એ પહેલા ક્રાઇમ બ્રાંચે સકંજામાં લઇ લીધો છે. આજીડેમ પોલીસ, એલસીબી ઝોન-૧ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી.

ઇલાબેને પોલીસ સમક્ષ જણાવ્‍યું હતું કે જણાવ્‍યું હતું કે હું ઘરકામ કરુ છું અને મારા  પતિ ભક્‍તિરામભાઇ મગનલાલ નિમાવત અમારા ઘર નજીક આવેલી ગણેશપાર્ક સોસાયટીમા પાણી વીતરણનુ કામ કરતા હતા. અમારે સંતાનમાંએક પુત્ર સંસ્‍કાર (ઉ.વ.૯) છે. મારા મારા પતિ સહિત તેઓ ચાર ભાઇઓ છે. જેમા સૌથી મોટા ભાવેશભાઇ, તેમનાથી નાના મારા પતિ અને તેમનાથી નાના પરશુરામભાઈ તથા સૌથી નાના ફીલીપ્‍સભાઇ છે. તેમજ મારે ચાર નણંદ છે. મારા સસરા મગનલાલ હયાત નથી. મારા સાસુ શારદાબેન તથા મારા બે નાના દીયર પરશુરામભાઇ તથા  ફીલીપ્‍સભાઇ સાથે માંડાવડ (વિસાવદર) ગામે અમારા વતનમાં રહે છે. અમારી સોસાયટીથી નજીકમાં જ આવેલા ગણેશપાર્ક-૨માાં રહેતા રામજીભાઈ મંગાભાઇ મકવાણાની પત્‍નિ રીટાબેન સાથે મારા પતિ મોબાઇલ ફોનમા મેસેજ કરી વાત કરતા હોઇ તે કારણે આજથી એકાદ મહીના પહેલા અમારે રામજીભાઇ તથા તેમના પત્‍નિ રીટાબેન સાથે સામાન્‍ય બોલાચાલી ઝગડો થયો હતો. ત્‍યારે મેં રીટાબેનને મારા પતિ સાથે કોઈ સંબંધ નહી રાખવા સમજાવી હતી.

દરમિયાન રવિવારે તા. ૮ના સાંજના સાડા છએક વાગ્‍યે મારા પતિ તેમના શેઠ કિશોરભાઇ હીરાણીની ઓફીસ જે ગણેશ પાર્કમા આવેલ છે ત્‍યાં જવાનુ કહી ઘરેથી નીકળેલ હતા. ત્‍યારે હું ઘરે હાજર હતી. એ પછી સાંજે આઠેક વાગ્‍યે મને મારા નાના બહેન વૈશાલીબેન ચંદુભાઇ યોગાનંદી કે જેઓ ગણેશ પાર્ક ૨માં રહે છે તેણીએ ફોન કરી કહ્યું હતું કે-મારા બનેવી ભક્‍તિરામભાઇને ગણેશપાર્કમાં આવેલા કિશોરભાઇની ઓફીસમા કોઇ સાથે ઝગડો થયેલ છે. આ  વાત કરતા આ વખતે મારા ઘરે લોજીંગમા જમવા આવેલા હસમુખભાઈ કવાના ટુવ્‍હીલરમાં બેસી હુ ગણેશપાર્કમાં આવેલી ઓફિસે પહોંચી હતી.

ત્‍યાં જઇને જોતા  કોઈ હાજર ન હાઇ જેથી મે કિશોરભાઈ હીરાણીને ફોન કરતા તેઓએ મને મારા પતિને દોશી હોસ્‍પીટલ ખાતે સારવારમા લઈ જતા હોવાની વાત કરી હતી. જેથી હુ તથા હસમુખભાઇ દોશી હોસ્‍પીટલ ગયા હતાં. ત્‍યાં જઈને જોતાં મારા પતિને છાતીના ભાગે ઇજા દેખાઇ હતી. હોસ્‍પિટલે મારા નણંદોયા જીજ્ઞેશભાઇ સંજયભાઇ દેવમુરારી તથા મારા માતા ભાવનાબેન ચંદુભાઈ યોગાનંદી તથા કિશોરભાઈ હીરાણી અને દેવકરણભાઇ ભરવાડ વિગેરે હાજર હતા. ત્‍યારબાદ મારા પતિને દોશી હોસ્‍પીટલના ડોકટર સાહેબે સરકારી હોસ્‍પીટલ ખાતે સારવારમાં લઇ જવાનુ કહેતા અમો મારા પતિને સરકારી હોસ્‍પીટલ ખાતે બેભાન હાલતમા સારવારમા લઇ જતા ઇમરજન્‍સી વોર્ડના ફરજ પરના ડોક્‍ટરે તમેને મૃત જાહેર કર્યા હતાં.

 આ વખતે હોસ્‍પિટલે હાજર મારા પતિના શેઠ કિશોરભાઈ હિરાણીને બનાવ બાબતે પુછતા તેમણે અમને વાત કરેલ કે હું તથા ભકિતરામભાઇ ગણેશપાર્કમાં આવેલ અમારી ઓફીસે હતા અને ભક્‍તિરામભાઇ  ઓફીસમા શેટી ઉપર સુતા હતા અને હું ખુરશી ઉપર બેઠો હતો. ત્‍યારે સાંજે આઠેક વાગ્‍યે રામજી મંગાભાઇ મકવાણાએ અચાનક અંદર આવી ભકિતરામભાઇ સુતા હતાં તેના છાતીના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારનો એક ઘા મારી દીધો હતો જેથી તમારા પતિ ભક્‍તિરામ ઉભા થઇ ગયેલ અને હુ પણ દોડીને આ રામજીને પકડવા જતા તે ભાગી ગયો હતો. તમારા પતિને છાતીના ભાગે લાગી ગયું હોઇ અમે તાત્‍કાલીક સારવાર માટે લઇ ગયા હતાં.

આ વિગતો મને મારા પતિના શેઠે જણાવી હતી. પતિના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે ખસેડી હું તથા મારા ભાઈ તુષારભાઈ ચંદુભાઈ યોગાનંદી તથા આયુષભાઇ અને મારા કુટુંબી દીયર જૈમીનભાઇ નિમાવત  ફરિયાદ કરવા આજીડેમ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. ઇલાબેને હત્‍યાનું કારણ જણાવતાં વધુમાં કહ્યું હતું કે  રામજી મંગાભાઇ મકવાણાની પત્‍નિ રીટાબેન સાથે મારા પતિ ભક્‍તિરામભાઇ મોબાઇલ ફોનમા મેસેજ કરી વાતો કરતા હોઇ તે કારણે રામજી મકવાણા સાથે અમારે બોલાચાલી અને સામાન્‍ય ઝગડો થયો હતો. જો કે તેનુ સમાધાન પણ થઇ ગયું હતું. આમ તેમ છતા આ રામજી મકવાણાએ આ બાબત નો ખાર રાખી મારા પતિ કે જે ગણેશપાર્કમા આવેલ ઓફીસે હતા ત્‍યારે તેમને છાતીના ભાગે છરી કે તિક્ષ્ણ હથિયારનો એક જ ઘા મારી ગંભીર ઇજા કરી તેમની હત્‍યા કરી હતી.

પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એચ. જે. સોલંકી, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા, હારૂનભાઇ ચાનીયા સીહતે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ ડામોરની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર, પીએસઆઇ  ડોડીયા, નગીનભાઇ ડાંગર, હીરેનભાઇ સોલંકી, કિરતસિંહ, પદુભાસહિતની ટીમ પણ જોડાઇ હતી. એલસીબી ઝોન-૧ના વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા, મનરૂપગીરી સહિતના પણ જોડાયા હતાં. જો કે વહેલી પરોઢે ક્રાઇમ બ્રાંચના પીએઅસાઇ ડોડીયાની ટીમે આરોપી ગામ મુકી ભાગી જાય એ પહેલા દબોચી લઇ વધુ પુછતાછ માટે આજીડેમ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. ઝડપાયેલો આરોપી સેન્‍ટીંગ કામની મજૂરી કરે છે. (૧૪.૬)

 અગાઉ સમાધાન થયેલુ, પછી પણ ભક્‍તિરામ મારા પત્‍નિને મેસેજ કરતો હોવાનું લાગતાં છરી ઝીંકી દીધીઃ રામજી

ઞ્જભક્‍તિરામભાઇ નિમાવતની હત્‍યામાં ક્રાઇમ બ્રાંચે આરોપી રામજી મંગાભાઇ મકવાણાને તે ગામ મુકી ભાગે એ પહેલા પકડી લીધો હતો. રામજીએ રટણ કર્યુ હતું કે અગાઉ ભક્‍તિરામ અને મારા પત્‍નિ એક બીજાને મેસેજ કરતાં હતાં આ કારણે માથાકુટ થઇ હતી. બાદમાં સમાધાન થઇ ગયું હતું અને હવે મેસેજ નહિ થાય એવુ કહેવાયું હતું. આમ છતાં મેસેજ થતાં હોવાનું મને લાગતાં ગુસ્‍સો આવતાં મેં તેને છરી ઝીંકી દીધી હતી. આજીડેમ પોલીસ વિશેષ તપાસ કરશે. ગઇકાલે રામજીની પત્‍નિ તેના ભાઇના ઘરે જતી રહી હતી. ત્‍યાંથી બોલાવવા જવા છતાં ન આવતાં રામજીને ગુસ્‍સો ચડયો હતો કે ભક્‍તિરામને કારણે જ મારી પત્‍નિ આવતી નથી. જેથી તેણે છરી ઝીંકી દીધાનું રટણ કર્યુ હતું.

(3:01 PM IST)