<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

માધાપર ચોકડી નજીક આઇસરે ચાર વ્‍હીલવાળા એકટીવાને ઉલાળતાં નિવૃત રેલ કર્મચારી જયસુખભાઇ જાનીનું મૃત્‍યુ

ગાંધીગ્રામ પોલીસે પુત્ર જીજ્ઞેશભાઇ જાનીની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યોઃ રેલનગર ઋષીકેશ પાર્કના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯: રેલનગર સાધુ વાસવાણી કુંજની પાછળ ઋષીકેષ પાર્ક-૧ બ્‍લોક નં. ૨૦માં રહેતાં દિવ્‍યાંગ નિવૃત રેલ કર્મચારી જયસુખભાઇ રમણીકલાલ જાની (ઉ.વ.૬૮) ત્રણ દિવસ પહેલા ચાર વ્‍હીલવાળુ એક્‍ટીવા જીજે૦૩આઇસી-૧૦૯૯ હંકારીને માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચેના રસ્‍તેથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે આઇસર ગાડી નં. જીજે૦૧ઇટી-૩૦૪૭ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને રેલ્‍વે હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સ્‍ટર્લિંગ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ગઇકાલે રજા અપાયા બાદ ઘરે લઇ જવાતાં ફરી બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, કાનાભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, બળુભા સહિતે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. મિહીરસિંહ એમ. બારડે મૃતક જયસુખભાઇ જાનીના પુત્ર જીજ્ઞેશભાઇ જાની (ઉ.વ.૩૭-પત્રકાર સંદેશ દૈનિક રાજકોટ)ની ફરિયાદ પરથી આઇસરના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર જયસુખભાઇ જાની રેલ્‍વેના નિવૃત કર્મચારી હતાં. ચાલીસ વર્ષ પહેલા રેલ્‍વે અકસ્‍માત નડતાં બંને પગ કપાઇ ગયા હતાં. હાલ તેઓ નિવૃત જીવન ગાળતાં હતાં અને ચાર વ્‍હીલવાળુ મોડીફાઇ ટુવ્‍હીલર તેમની પાસે હતો.

તા. ૬ના સવારે દસેક વાગ્‍યે તેઓ પોતાનું વાહન હંકારી માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતાં હતાં ત્‍યારે મૈસુર દેસળ ચોકમાં આઇસરના ચાલકે તેમના વાહનને ઉલાળી દેતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. આ વખતે જીજ્ઞેશભાઇ જાની યાજ્ઞિક રોડ પર હોઇ તેમને કોઇ અજાણી વ્‍યક્‍તિએ તેમના પિતાના ફોનમાંથી ફોન કરી અકસ્‍માતની જાણ કરતાં જીજ્ઞેશભાઇ ત્‍યાં પહોંચ્‍યા હતાં અને પિતાને રેલ્‍વે હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સ્‍ટર્લિંગમાં ખસેડયા હતાં. જ્‍યાંથી બપોરે રજા અપાતાં ઘરે લઇ જવાતાં સાંજે ફરી તબિયત બગડતાં સિવિલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ જયસુખભાઇને મૃત જાહેર કરાતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પોલીસે આઇસર ચાલકની શોધખોળ હાથ ધરી છે.  જયસુખભાઇ જાનીને સંતાનમાં બે પુત્ર જીજ્ઞેશભાઇ અને હિતેષભાઇ છે. તેમના પત્‍નિનું નામ વસંતબેન છે.

(2:09 PM IST)