<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

શનિવારે ગૂમ થયેલા અમીન માર્ગના ધો-૧૧ના છાત્ર સાગર વાછાણીની ન્‍યારી ડેમમાંથી લાશ મળીઃ અરેરાટી

‘મારું જમવાનું ન બનાવતાં' કહીને નીકળ્‍યા બાદ ઘરે ન આવતાં શોધખોળ થતાં ન્‍યારી ડેમ પાસેથી વાહન મળ્‍યા પછી આજે મૃતદેહ મળ્‍યો : આત્‍મહત્‍યા કરી કે અન્‍ય કંઇ બન્‍યું? તાલુકા પોલીસે તપાસ આરંભીઃ પિતા પ્રાઇવેટ નોકરીયાતઃ સાગર બે ભાઇ, એક બહેનમાં વચેટ હતો

તસ્‍વીરમાં ન્‍યારી ડેમમાં સાગરનો મૃતદેહ જે રીતે તરતો હતો તે દ્રશ્‍ય અને ફાયર બ્રિગેડે તેને બહાર કાઢતાં પરિવારજનોએ ઓળખવીધી કરી અને કલ્‍પાંતના દ્રશ્‍યો સર્જાયા તે દ્રશ્‍ય જોઇ શકાય છે. ઇન્‍સ્‍ેટ તસ્‍વીર સાગરની છે

રાજકોટ તા. ૯: શહેરના અમીન માર્ગ પર રહેતાં વાછાણી પરિવારનો ધોરણ-૧૧માં ભણતો ૧૮ વર્ષનો પુત્ર શનિવારે સવારે ‘મારુ જમવાનું ન બનાવતાં' તેમ કહીને ઘરેથી નીકળ્‍યા બાદ સાંજ સુધી પરત ન આવતાં પરિવારજનોએ આકુળ વ્‍યાકુળ થઇ શોધખોળ શરૂ કરી હતી અને માલવીયાનગર પોલીસમાં ગૂમ થયાની જાણ પણ કરી હતી. એ દરમિયાન તેનું ટુવ્‍હીલર ન્‍યારી ડેમ પાસેથી મળી આવતાં પરિવારજનો ચિંતીત બની ગયા હતાં. દરમિયાન આજે ન્‍યારી ડેમમાં એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. આ મૃતદેહ ગૂમ થયેલા છાત્રનો હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવ આત્‍મહત્‍યાનો છે કે અન્‍ય કંઇ બન્‍યું? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ અમીન માર્ગ પર ડ્રીમહોલ એપાર્ટમેન્‍ટ એ-૨૦૧માં રહેતો સાગર મનિષભાઇ વાછાણી (ઉ.વ.૧૮) શનિવારે સવારે ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પરિવારજનોએ માલવીયાનગર પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી અને શોધખોળ યથાવત રાખી હતી. એ દરમિયાન સાગર જે ટુવ્‍હીલર લઇને નીકળ્‍યો હતો તે ન્‍યારી ડેમ ખાતેથી રેઢુ મળી આવ્‍યું હતું. ગઇકાલે પરિવારજનોએ ડેમ ખાતે તપાસ કરી હતી પણ સાગરનો પત્તો મળ્‍યો નહોતો. રાતભર ઠેકઠેકાણે તપાસ યથાવત રાખી હતી.

દરમિયાન આજે સવારે ન્‍યારી ડેમમાં એક અજાણયા યુવાનની લાશ તરતી હોવાની જાણ ત્‍યાં આટો મારવા ગયેલા વ્‍યક્‍તિએ કરતાં ફાયર બ્રિગેડના જવાનો ત્‍યાં પહોંચ્‍યા હતાં ફુલાઇ ગયેલી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ કુલદીપસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે પહોંચી તપાસ શરૂ કરી હતી. ગૂમ થયેલા સાગર વાછાણીનું વાહન ગઇકાલે અહિથી જ મળ્‍યું હોઇ આ લાશ તેની તો નથી ને? તે જાણવા તેના પરિવારજનોને પોલીસે બોલાવતાં મૃતદેહ સાગરનો જ હોવાનું ઓળખી બતાવ્‍યું હતું. યુવાન અને આશાસ્‍પદ દિકરો ગૂમ થયા બાદ તેની લાશ મળતાં વાછાણી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર સાગર પરિમલ સ્‍કૂલમાં ધોરણ-૧૧માં ભણતો હતો. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. સાગર બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. ત્રણેય ભાઇ બહેનનો એક સાથે જન્‍મ થયો હતો. પરિવારજનોના કહેવા મુજબ સાગર શનિવારે મારુ બપોરનું જમવાનું નહિ બનાવતાં તેમ કહીને નીકળ્‍યા બાદ ગૂમ થયો હતો. તે ખુબ શાંત સ્‍વભાવનો હતો. કોઇની સાથે કોઇ માથાકુટ પણ નહોતી. તેના મૃત્‍યુનું કારણ શોધવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:00 PM IST)