<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

હવે ૧૭ હજાર રાશનીંગ દુકાનદારો માટે ઇ-પ્રોફાઇલ ફરજીયાત કરતુ પૂરવઠા

રાજકોટમાં ૬૦થી ૭૦ ટકા દુકાનદારોનું ઇ-પ્રોફાઇલ સંપૂર્ણ કરી લેવાયુ : આમા બધુ ઓનલાઇન આવી જશે : આગામી સમયમાં ઇ-પ્રોફાઇલ નહી હોય તો જે તે દુકાનદારને ‘માલ' નહી મળે : ઇ-પ્રોફાઇલમાં દુકાનદારની તમામ માહિતીની ખરાઇ કરી DSOને મોકલાશે

રાજકોટ તા. ૯ : રાજ્‍યના પૂરવઠા નિગમે દરેક પ્રકારના કાર્ડ હોલ્‍ડરો માટે ઇ-કેવાયસી ફરજીયાત બનાવ્‍યું છે, અને તે અંગે તાજેતરની ઓલ ડીએસઓ વીસીમાં સૂચના અપાઇ હતી, અને ઝડપી કામ પૂર્ણ કરવા આદેશો કરાયા હતા.

આ જ વીસીમાં રાશનીંગના સસ્‍તા અનાજના રાજકોટના ૬૭૫ સહિત રાજ્‍યભરના ૧૭ હજાર દુકાનદારો માટે ઇ-પ્રોફાઇલ ફરજીયાત કરવાનો પુરવઠા ખાતાએ આદેશ કર્યો છે, આ ઇ-પ્રોફાઇલ પ્રક્રિયા ઘણા સમયથી ચાલુ છે, પરંતુ તેને હવે ફરજીયાત અમલમાં મુકી દેવાઇ છે.

રાજકોટ પુરવઠાના ટોચના અધિકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ ઇ-પ્રોફાઇલ પ્રક્રિયા સસ્‍તા અનાજના દુકાનદારો માટે ‘સાણસા' સમાન તથા લાભદાયક પણ છે, આમા જે તે દુકાનદારે પોતાના વિસ્‍તારના મામલતદાર સમક્ષ ઓનલાઇન પોતાની તમામ બાબતો જેવી કે ક્‍યાં દુકાન છે, કોના નામે છે, કોણ ચલાવે છે, ખોલવા - બંધ થવાનો સમય, લાયસન્‍સ, કેટલા વર્ષોથી ચાલે છે, ફોટો - સહી - સરનામુ સહિત ૧૫ થી ૨૦ જેટલા મુદ્દાઓ અંગે ઓનલાઇન બધુ મુકવાનું રહેશે, જેથી કરીને કોઇ બોગસ કે, ખોટો દુકાનદાર આવી ન જાય, મામલતદાર સમક્ષ આ પ્રક્રિયા થયા બાદ મામલતદાર જે તે જિલ્લાના ડીએસઓ સમક્ષ ઓનલાઇન આ બધી વિગતો દુકાનદારની મોકલશે તેની ખરાઇ થશે, અને બાદમાં મંજૂરી અપાશે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, લાંબા સમયથી આ ઇ-પ્રોફાઇલ પ્રક્રિયા ચાલુ હોય, રાજકોટમાં ૬૦ થી ૭૦ ટકા દુકાનદારો આવરી લેવાયા છે, જે ૪૦ ટકા બાકી છે, તેમણે ફરજીયાત ઇ-પ્રોફાઇલ પ્રક્રિયામાં આવી જવાનું રહેશે. અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં ઇ-પ્રોફાઇલ જે દુકાનદારની નહી હોય તે દુકાનદારને તે મહિનાનો માલ જ નહી મળે, ટુંકમાં પુરવઠા ખાતુ ઇ-કેવાયસી, ઇ-પ્રોફાઇલ અને આવી રહેલ સ્‍માર્ટકાર્ડ સંદર્ભે સંપૂર્ણ પારદર્શક વહિવટમાં આવી જશે તે હકીકત છે.

(3:03 PM IST)