<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ભૌતિકવાદ - અધ્‍યાત્‍મવાદ બંને અધુરા : ઓશો

હું રાષ્‍ટ્રવાદ, ધર્મવાદ, પંથવાદ, ભૌતિકવાદ વગેરે સ્‍વીકારી શકતો નથી : સહજ બનવું જરૂરી : ભારતની ગરીબીનું કારણ નકરો અધ્‍યાત્‍મવાદ : પヘમિ સમૃધ્‍ધ થયું, પરંતુ અંતઃકરણ દરિદ્ર જ છે : પૃથ્‍વી માટે રાજકારણ ભયંકર સાબિત થયું છે : માનવ સર્જિત મહાવિનાશ સર્જાય તે પૂર્વે બદલાવ જરૂરી : ધ્‍યાન જ આંતરિક - બાહ્ય શાંતિ સ્‍થાપી શકે

જવાબમાં ઓશો કહે છે,

પ્રિય અયુબ સૈયદ, હું રાષ્‍ટ્રવાદી નથી. ભારત, પાકિસ્‍તાન, ચીન, જાપાન મારા માટે કોઇ મતલબ નથી રાખતા. હું આ પૃથ્‍વીને ખંડોમાં વહેંચાયેલી નથી જોતો. આ પૃથ્‍વીનું દુર્ભાગ્‍ય એ જ છે કે, પૃથ્‍વી ખંડોમાં વહેંચાયેલી છે. અને જ્‍યાં સુધી તે ખંડોમાં વહેંચાયેલી રહેશે, ત્‍યાં સુધી આ દુર્ભાગ્‍ય રહેશે. વિજ્ઞાને પૃથ્‍વીને એક કરી દીધી છે, બસ રાજકારણ હટી જાય તો મનુષ્‍યનું દુર્ભાગ્‍ય ખતમ થઇ જાય. આજે પૃથ્‍વી પર એ બધા સાધનો ઉપલબ્‍ધ છે, જે મનુષ્‍યને સુખી કરે, સમૃધ્‍ધ કરે. આજે પૃથ્‍વી સ્‍વર્ગના દેવોમાં પણ ઇર્ષ્‍યા ઉત્‍પન્‍ન કરી શકે છે.

પણ રાજકારણ મરશે તો જ વિજ્ઞાન જીતી શકે છે. વિજ્ઞાન તો સૌભાગ્‍યના દ્વાર ખોલે છે પણ રાજકારણ તે દ્વારોને દુર્ભાગ્‍યમાં ફેરવી નાખે છે. આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇ, લોર્ડ રૂધરફોર્ડ જેવા વૈજ્ઞાનિકોએ અણુબોંબની શોધ કરી. અણુબોંબ પૃથ્‍વી માટે સૌભાગ્‍ય સાબિત થઇ શકત કેમકે એટલી ઉર્જા આપણા હાથમાં આવી ગઇ કે, આપણે જે ઇચ્‍છીએ તે કરી શકીએ. પણ જે થયું તે અવળું જ થયું. નાગાસાકી અને હિરોશીમામાં લાખો લોકો રાખ થઇ ગયા. વિજ્ઞાન શકિત શોધે છે, રાજકારણએ શકિતનો ઉપયોગ કરે છે. આઇન્‍સ્‍ટાઇન તો આનાથી એટલા વિક્ષુબ્‍ધ થઇ ગયા હતા કે પોતાના અંતિમ દિવસોમાં જ્‍યારે કોઇએ તેને પૂછયું કે શું આવતા ભવે પણ તમે વૈજ્ઞાનિક બનવા ઇચ્‍છશો. તો તેણે કહ્યું કે, ના, પ્‍લમ્‍બર બનીશ પણ હવે વૈજ્ઞાનિક નથી થવું. કેમકે અમે જે શોધ્‍યું તે બધું વ્‍યર્થ ગયું. વ્‍યર્થ જ નહીં ઘાતક બન્‍યું.

અણુ-ઉર્જાની શોધ પછી આ પૃથ્‍વી પર એક પણ વ્‍યકિતએ ભૂખ્‍યા રહેવાની હવે કોઇ જરૂર નથી. ના તો આટલા લોકોએ આટલી બિમારીઓમાં સડવાની જરૂર છે. મનુષ્‍યએ હવે સીત્તેર વર્ષ જ જીવવાની કોઇ જરૂર નથી. વૈજ્ઞાનિકો કહે છે : માણસ સરળતાથી હવે બસ્‍સો વરસ જીવી શકે છે - સાવ સરળતાથી અને વૈજ્ઞાનિકએ પણ કહે છે કે, માનવ શરીરમાં સ્‍વયંને પુનર્જીવિત કરી લેવાની એટલી ક્ષમતા છે કે મૃત્‍યુ થવું જ જોઇએ, એ જરૂરી નથી. તેને ટાળી શકાય છે. વિજ્ઞાને પૃથ્‍વીને એકદમ નાની બનાવી દીધી છે. પૃથ્‍વી હવે એક નાનકડું ગામડું બની ગઇ છે. ચોવીસ કલાકમાં આખી પૃથ્‍વીનું ચક્કર લગાવી શકાય છે. પણ રાજકારણ ભયંકર સાબિત થઇ રહ્યું છે.

અયુબ સૈયદ, પહેલી વાત જે હું કહેવા માંગુ છું એ તે છે કે ભારત ઇચ્‍છતું હોય કે તેના સૌભાગ્‍યનો ઉદય થાય તો ભારતે પહેલો દેશ બનવું જોઇએ જે પોતાને આંતરરાષ્‍ટ્રીય જાહેર કરે. જે કહે કે અમે સંયુકત રાષ્‍ટ્રસંઘની જમીન બનીએ છીએ. આખો દેશ અમે તેને અલગ નથી રાખવા ઇચ્‍છતા અને ભારત એક જ એવો દેશ છે, જે સૌથી પહેલા આ પગલું લઇ શકે છે, તેની પરંપરા એવી છે. વસુધૈવ કુટુંબકમ સદીઓથી આપણે કહેતા આવ્‍યા છીએ કે આખી પૃથ્‍વી અમારૂ કુટુંબ છે. અત્‍યાર સુધી તેનો વૈજ્ઞાનિક આધાર નહોતો એટલે આ વાત માત્ર ઋષીવાણી બનીને રહી ગઇ.

હવે તેને વાસ્‍તવિકતામાં ફેરવી શકાય છે. હવે તમે પોતાના ઋષીઓને વાસ્‍તવિક પ્રયોગોમાં ફેરવી શકો છો, જેમણે કહ્યું હતું વસુધૈવ કુટુંબકમ તેમના આત્‍માઓને તેનાથી મોટું અર્ધ્‍ય કોઇ નહીં હોય કે ભારત પહેલો દેશ હોય આ પૃથ્‍વી પર, આ સન્‍માન ભારત ના ચૂકે અને કહી દે કે અમે આંતરરાષ્‍ટ્રીય છીએ. અમે ક્ષુલ્લક સરહદોને છોડીએ છીએ. અમે ક્ષુલ્લક રાષ્‍ટ્રીયતાનો આગ્રહ છોડીએ છીએ. અમે પોતાને આંતરરાષ્‍ટ્રીય જાહેર કરીએ છીએ.

ભવિષ્‍ય અંગેની આ મારી પહેલી ધારણા છે. અને યાદ રાખજો, કોઇને કોઇ તો આ કરશે જ. ત્‍યારે ચૂકી જશો અને પસ્‍તાશો. આ ઐતિહાસિક પળ અને મહાન અવસર ચૂકવા જેવો નથી. કોઇને કોઇ આ જરૂર કરશો, વહેલા મોડું કોઇ તો કરશે જ. સ્‍વીત્‍ઝર્લેન્‍ડ કરશે અથવા બીજું કોઇ કરશે. જે પણ કરશે, તે ઇતિહાસ રચશે. તે એક નવું સૂત્રપાત હશે, એક નવી માનવતાની આધારશિલા રાખશે.

પણ હું રાષ્‍ટ્રવાદી નથી. રાષ્‍ટ્રવાદ એક ઝેર છે. રાષ્‍ટ્રવાદના કારણે માણસ બહુ હેરાન થયો છે. અને રાષ્‍ટ્રવાદના જ અનુસંગ છે ધર્મવાદ, સંપ્રદાયવાદ - જાતિના, રંગના, વર્ણના. આ બધા પણ રાજકારણના નાના નાના ખેલ છે. હું એ પણ ઇચ્‍છું છું કે મનુષ્‍ય હવે પોતાને કોઇ પણ સીમાડાઓમાં ના રાખે, ના હિંદુ, ના મુસલમાન, ના જૈન, ના ખ્રિસ્‍તી. માણસ હોવું પુરતું છે. આનો અર્થ એ નથી કે કોઇને બાઇબલમાંથી રસ મળતો હોય તો ના લે. માણસ બનીને પણ બાઇબલનો રસ લઇ શકાય છે તેના માટે ખ્રિસ્‍તી હોવું જરૂરી નથી. આનો અર્થ એ નથી કે કોઇને ગીતામાં મોજ આવે છે તો ના લે. પણ તેના માટે હિંદુ થવાની ક્‍યાં જરૂર છે. જો હવાઇ જહાજમાં બેસવા માટે હિંદુ હોવું કે ખ્રિસ્‍તી હોવું જરૂરી નથી, જો ડોકટર પાસે દવા લેવા માટે હિંદુ કે ખ્રિસ્‍તી હોવું જરૂરી નથી તો કૃષ્‍ણ, નાનક, કબીર, દરિયા, મોહમ્‍મદ, જીસસ, બુધ્‍ધ જેવા મહાચિકિત્‍સકો પાસેથી જીવનરોગની ઔષધી મેળવવા માટે હિંદુ, મુસલમાન, ખ્રિસ્‍તી હોવાની ક્‍યાં જરૂર છે. આવા આગ્રહો તેમના પર ઠોકી બેસાડવાનું ફરજીયાત નથી. સત્‍ય તો એ છે કે આગ્રહો જેટલા મજબૂત થઇ જાય છે, તેટલા જ આપણા સંબધો આ મહાચિત્‍સિકો સાથે તૂટી જાય છે.

બધા વાડાઓ તૂટવા જોઇએ. માણસ માત્ર માણસ છે એવી જાહેરાત થવી જોઇએ. ચંડીદાસે કહ્યું છે, ‘‘સાબાર ઉપર માનુસ સત્‍ય, તાહાર ઉપર નાહીં.'' સૌથી ઉપર મનુષ્‍યનું સત્‍ય છે, તેનાથી ઉપર કોઇ સત્‍ય નથી. આ ઉદ્‌ઘોષણાને ઘરે ઘરે, દરેકના હૃદયમાં ગુંજાવો. મનુષ્‍ય પરમ સત્‍ય છે તેનાથી ઉપર કોઇ સત્‍ય નથી. પરમાત્‍મા પણ મનુષ્‍યની ભીતર જ છુપાયેલ છે. ભગવાન ભકતથી દૂર નથી. જે દિવસે ભકત પોતાની ભકિતમાં સંપૂર્ણપણે લીન થાય છે, તે જ ક્ષણે તે ભગવાન થઇ જાય છે.

મૂકો આ બધા નાના નાના આગ્રહો. જેથી આપણે આખી માનવતાને પોતાનો વારસો કહી શકીએ. આ કેવી દરિદ્રતા છે કે તમે હિંદુ છો એટલે કુરાન તમારો વારસો નથી અને કુરાન કેટલી સુંદર છે. તમે ખોટા દરિદ્ર છો, કુરાન તમારી સંપતિ થઇ શકે છે.

જરા વિચારો, શેકસપીયરને વાંચતી વખતે તમારે ખ્રિસ્‍તી નથી થવું પડતું અને કાલિદાસને વાંચવા ના તમારે હિંદુ થવું પડે છે, અને ઉમર ખય્‍યામને વાંચવા ના તો તમારે મુસલમાન થવું પડે છે. તમે સાહિત્‍યજગતમાં શેક્‍સપીયર, ઉમર ખય્‍યામ હોય કે કાલિદાસ બધાને પોતાના માનો છો. ધર્મનું જગત તો એનાથી પણ મોટું છે. તેમાં કુરાન, ગુરૂ ગ્રંથ સાહેબ, બાઇબલ, ધમ્‍મપદ, ગીતા બધા જ તમારા પોતાના હોવા જોઇએ. સાચો ધાર્મિક વ્‍યકિત એ છે જે સમગ્ર જગતના ધર્મોને પોતાના કહે. તમે માત્ર રામ-કૃષ્‍ણના જ પુત્રો નથી, બુધ્‍ધ મહાવીરનું લોહી પણ તમારામાં વહે છે. તમે માત્ર મોહમ્‍મદ કે ક્રાઇસ્‍ટ સાથે જ નથી જોડાયેલા, જરથોસ્‍ત અને લાઓત્‍સેનું લોહી પણ તમારામાં વહે છે. આ સમગ્ર માનવ - ચેતના એક જ મહાસાગર છે. ઘાટોના નામ અનેક છે, મહાસાગર તો એક જ છે. તમે ઘાટો સાથે જોડાઇ ગયા છો અને મહાસાગરને ભૂલી ગયા છે.

હું રાષ્‍ટ્રવાદ વિરોધી છું, ધર્મવાદ વિરોધી છું, સંપ્રદાયવાદ વિરોધી છું, પંથવાદ વિરોધી છું. હું ઇચ્‍છુ છું કે માણસ પોતાના ભૂતકાળને આત્‍મસાત કરી લે. જે માણસ પોતાના સમગ્ર ભૂતકાળને આત્‍મસાત કરી લે, તે જ સમગ્ર ભવિષ્‍યનો માલિક થઇ શકે છે. હું ધર્મ અંગે જ આ નથી કહેતો, ધર્મ અને વિજ્ઞાન બન્‍નેનું આપણે માલિક થવાનું છે.

જૂનો માણસ અધૂરો હતો. જૂના માણસોમાં બે પ્રકારના લોકો હતા -એક હતા ભૌતિકવાદી અને બીજા અધ્‍યાત્‍મવાદી, બન્‍ને અધૂરા હતા. ભૌતિકવાદી વિચારતો હતો, હું માત્ર શરીર છું - ખાવ, પીઓ અને મોજ કરો જ્‍યારે અધ્‍યાત્‍મવાદી વિચારતો હતો - હું શરીર સીવાયનો છું એટલે ના ખાવા, ના પીઓ, ના મોજ કરો, સડો, કાંટા પર સુવો, ઉપવાસ કરો, માથાના બળે ઉભા રહો, પોતાના શરીરને હેરાન કરો કેમકે આત્‍મા શરીરનો દુશ્‍મન છે. આ બન્‍ને વાત મુર્ખતાપૂર્ણ છે. અને આ બે વાતોએ જ માનવજાતને વિક્ષીપ્‍ત કરી છે.

જેમ તમે પોતાના ઘરની બહાર જાઓ છો. સવાર થઇ તડકો નિકળ્‍યો, પક્ષીઓ ગીત ગાવા લાગ્‍યા, તમે બહાર આવી ગયા. તેમાં કોઇ મુશ્‍કેલી પડે છે બહાર આવવામાં ? કોઇ મોટી યોગ સાધના કરવી પડે છે. તમે ચૂપચાપ બહાર નીકળી જાઓ છો. પછી ગરમી વધવા લાગી, શરીરને ગરમી લાગવા માંડી તો તમે અંદર આવી જાઓ છો, છાંયાની તલાશમાં આવી જ સરળતાથી બહાર અને ભીતર જઇ શકે તેવો કુશળ મનુષ્‍ય હોવો જોઇએ. ભીતર પણ આપણું છે, બહાર પણ આપણું છે, બધું આપણું જ છું, તેમાં કંઇ પણ ત્‍યાજ્‍ય નથી.

હું તમને એવી કુશળતા આપવા માંગુ છું કે, તમે બહાર અને ભીતર સહજતાથી આવી શકો. એટલી સહજતાથી કે જેમ શ્વાસ બહાર આવે અને ભીતર જાય છે. પૂર્વ એ નક્કી કર્યું કે અમે શ્વાસને અંદર જ રોકી રાખવું તો મરી જવાય. બન્‍ને પ્રયોગો અસફળ થયા છે. મનુષ્‍યનો સમગ્ર ઇતિહાસ નિષ્‍ફળતાનો ઇતિહાસ છે. હું એક નવો મનુષ્‍ય ઇચ્‍છું છું. તે ભારતમાં પણ ઉત્‍પન્‍ન થાય, ભારતની બહાર પણ ઉત્‍પન્‍ન થાય, કેમકે ભારત સાથે તેનો કોઇ સંબંધ નથી. પૃથ્‍વીના ખૂણે ખૂણે એક નવા માનવનો આવિર્ભાવ થવો જોઇએ. તે શ્વાસ લેનાર મનુષ્‍ય હશે, બહાર પણ છોડશે, ભીતર પણ લેશે અને એક વાત ધ્‍યાનમાં રાખજો કે જેટલો ઉંડો શ્વાસ તમે બહાર છોડશો તેટલો જ ઉંડો શ્વાસ તમે અંદર લેશો. બન્‍ને વચ્‍ચે એક સંતુલન હોય છે. અત્‍યાર સુધી તમને શીખવાડાયું છે કે શ્વાસ લેવાનથી ડરો, જીવવાથી ડરો, પાપથી ડરો, જીવવું પાપ છે, જીવવું દંડ છે. તમે એટલા માટે જીવો છો કે તમને પાપનો દંડ ભોગવવા પૃથ્‍વી પર મોકલાયા છો. આ ભ્રાંત ધારણાઓ તુટવી જોઇએ, આ ભ્રાંત ધારણાઓના કારણે જ વિજ્ઞાન અને ધર્મ વચ્‍ચે વિરોધ થયો છે. જેવી આ ધારણાઓ તૂટશે અને આપણે મનુષ્‍યને તેની સમગ્રતા સાથે સ્‍વકાર્યો, બહાર પણ સુંદર, ભીતર પણ સુંદર, તરત જ વિજ્ઞાન અને ધર્મ નજીક આવશે. જ્‍યારે વિજ્ઞાન અને ધર્મે એક સાથે હશે એકબીજાનો હાથ પકડીને તે આ પૃથ્‍વી પર સૌથી મોટી સૌભાગ્‍યની પળ હશે. એ દિવસે ધન પણ ખૂબ હશે અને ધ્‍યાન પણ ખૂબ હશે. એ દિવસે શરીર પણ સ્‍વસ્‍થ હશે અને આત્‍મા પણ મસ્‍ત હશે. આ મારી ધારણા છે બધા મનુષ્‍યો માટે, ભારત પણ તેમાં સામેલ છે.

 જૂનો માનવ કાંતો પરલોક વાદી છે અથવા ઇહલોકવાદી હતો. કાં તો નાસ્‍તિક હતો અથવા આસ્‍તિક. અને જ્‍યારે પણ કોઇ મનુષ્‍ય આ પ્રકારના ભેદ કરે છે - આસ્‍તિક - નાસ્‍તિક, ઇહલોક - પરલોક તે ખંડોમાં વહેંચાઇ જાય છે. ખંડોમાં વહેંચાયેલ વ્‍યકિત વિક્ષીપ્‍ત બની જાય છે. આ લોક પણ આપણો છે અને પરલોક પણ આપણો છે. પરલોક આ લોકથી અલગ નથી, આ લોકનો જ વિસ્‍તાર છે અને નાસ્‍તિકતા - આસ્‍તિકતા દુશ્‍મન નથી, નાસ્‍તિકતા એ આસ્‍તિક બનવાની સીડી છે. આ વાત બરાબર સમજી લો, કેમકે તમને એટલી બધી વાર આ વાત અવળી સમજાવાઇ છે કે તમારા મગજમાં ઠસી ગયું છે કે નાસ્‍તિકતા અને આસ્‍તિકતા અલગ છે. પણ હું તમને ફરીથી કહું છું કે, નાસ્‍તિકતા આસ્‍તિકતાની સીડી છે. જે વ્‍યકિતને ના કહેતા ના આવડે તેને હા કહેતા પણ નથી આવડતું. જે વ્‍યકિત ના કહેવામાં નપુંસક છે, તેની હા પણ નપુંસક હોય છે. જે વ્‍યકિત નહીં એવું કહી શકે છે, જો તે હા કહે તો તમે એની હા પર વિશ્વાસ કરી શકો છો. જે વ્‍યકિત કાયમ જી હજૂર, હા હજૂર કહેતો હોય તેની વાત પર કોઇ વિશ્વાસ ના કરવો. તેની હામાં કોઇ તાકાત નથી હોતી, તેની હા સાવ નિર્બળ હોય છે. તેની હા નિસ્‍તેજ છે. એટલે જ તમારા આ આસ્‍તિકો નિસ્‍તેજ દેખાતા હોય છે.

પૃથ્‍વી આવા આસ્‍તિકોથી ભરેલી છે- કોઇ મંદિર જાય છે, કોઇ ગુરૂદ્વારા જાય છે, કોઇ મસ્‍જીદ જાય છે, કોઇ ચર્ચ જાય છે. તમારી પૃથ્‍વી આટલા આસ્‍તિકોથી ભરેલી છે પણ તમારા આટલા આસ્‍તિકોની ભીડ અને આસ્‍તિકતાની ગંધ તો ક્‍યાંય દેખાતી નથી. ચૂક ક્‍યાં થઇ છે ? આ ચૂક એટલે થઇ રહી છે કે તમારા આસ્‍તિકો થોથા છે. તેમને જબરદસ્‍તી આસ્‍તિક બનાવી દેવાયા છે. આસ્‍તિતા એ તેમની પોતાની પસંદગી નથી, તેમનો પોતાનો સંકલ્‍પ નથી.

નાનપણથી જ બાળકોના મગજમાં આસ્‍તિકતા ઠસાવી દેવાય છે કે, પરમાત્‍મા સામે ઝુકો, નહીંતર નરકમાં સડશો, ઝુકશો તો સ્‍વર્ગ મળશે. તેમને ડરાવી, ગભરાવીને ભયભીત કરી દીધા. નાના નાના અસહાય બાળકો. બાળકો સાથે જેટલો અનાચાર પૃથ્‍વી પર થયો છે તેટલો અન્‍ય કોઇ સાથે નથી થયો. અન્‍ય કોઇ સાથે કરો તો તે થોડો સંઘર્ષ પણ કરે, અસહાય બાળકો શું સંઘર્ષ કરે ? તમારા પર આધારિત છે એટલે તમે જે કહો તેમાં હા કહી દે છે. તમે રાતને રાત કહો તો પણ બરાબર અને દિવસ કરો તો પણ હા. બાળક એટલું અસહાય અને નિર્ભર હોય છે દરેક વાત પર કે તમે જેમ ઇચ્‍છશો તેમ તે કહેશે. હિંદુ ઘરમાં પેદા થાય તો હિંદુ બની જાય છે બિચારો અને મુસલમાન ઘરમાં પેદા થાય તો મુસલમાન. મુસલમાનના ઘરમાં પેદા થયેલ બાળકને હિંદુ ઘરમાં ઉછેરો તો હિંદુ બની જશે. તેને યાદ પણ નહીં આવે કે તે મુસલમાન હતો. આ હિંદુત્‍વ, મુસ્‍લિમતા બધું થોપવામાં આવેલ છે.

હું ઇચ્‍છું છું કે, આ થોપવાનું બંધ થાય. બાળકોને મુકત છોડવામાં આવે. હા, તેમને શોધવાની અભિપ્‍સા આપવામાં આવે. તેમને કહેવામાં આવે. જીવનમાં ખોજવું. જીવન જેટલું દેખાય છે તેટલું જ નથી, તેની ભીતરમાં ઘણું છૂપાયેલું છે તે શોધજો. તેમને ખોજવાની અભિપ્‍સા આપો પણ તેમાંથી શું મળશે તેના સિધ્‍ધાંતો ના આપો. તો સ્‍વભાવ અનુસાર, દરેક બાળક નકારથી ચાલશે. જે વાત તેને નહીં સમજાય તેમાં તે હા નહીં પાડે. તમે કહેશો ઇશ્વર છે તો તે કહેશે નહીં, ક્‍યાં છે બતાવો.

મારા ભવિષ્‍યની ધારણામાં એવો મનુષ્‍ય હશે, જે ના અપરાધ ભાવથી ભરેલ હશે, ના પાખંડી હશે, જે જીવનને તેની સંપૂર્ણતામાં, પરિપૂર્ણતામાં જીવશે અને પોતાના જીવનને પરમાત્‍માના ચરણોમાં સમર્પિત કરશે, જે પ્રેમ પણ કરશે, જે નાચશે પણ, જે ગીત પણ ગાશે, જે આ જીવનનો આનંદ પણ માણશે. અને આ બધા આનંદના કારણે પરમાત્‍મા પ્રત્‍યે અનુગૃહિત થશે કે ધન્‍યભાગી છું કે તમે આવો અપૂર્વ અવસર આપ્‍યો મને અભાગીને. આવા સુંદર વૃક્ષ, તેમની હરિયાળી, તેમના ફૂલો. આવા ચાંદ-તારા, આવો સૂરજ, આવા લોકો, આવું અદ્‌ભૂત જગત તેં મને આપ્‍યું, જેની મારામાં કોઇ પાત્રતા નથી, આથી હું અનુગૃહિત છું. તે આ જગતના આનંદને ભોગવશે અને આનંદનો ભોગ જ તેની પ્રાર્થના બનશે. હું એક એવા મનુષ્‍યને જોવા ઇચ્‍છું છું - ભારતમાં પણ અને ભારતની બહાર પણ. જૂનો જે માનવ હતો, નીતિવાદી હતો, ધાર્મિક નહોતો. ધર્મ અને નીતિમાં બહુ ફરક છે. નીતિ હંમેશા બીજા જે તમારા પર થોપે છે તેના પર ચાલવાનું નામ છે. ધર્મ, તમારી ચેતના તમને જે સંકેત આપે છે તેના પર ચાલવાનું નામ છે. બુધ્‍ધના સમયમાં નીતિ તો એવી હતી કે યજ્ઞમાં પશુઓની બલિ આપવી પણ બુધ્‍ધના અંતરાત્‍માએ ના સ્‍વીકાર્યું. મોહમ્‍મદના સમયમાં પથ્‍થરની મૂર્તિઓની પૂજા નૈતિક હતી પણ મોહમ્‍મદના હૃદયે એ ના સ્‍વીકાર્યું કે પથ્‍થરની પૂજાથી કોઇ પરમાત્‍મા સુધી પહોંચી શકે.

 નીતિ સમાજ સ્‍વીકૃત વ્‍યવસ્‍થા છે. ધર્મ આત્‍મામાં ઉઠેલો ભાવ છે. અત્‍યાર સુધી માણસ નૈતિક ઢંગથી જીવે તેવી વ્‍યવસ્‍થા કરાઇ છે, કેમકે સમાજ ઇચ્‍છે છે કે તમે સમાજનું માનીને ચાલો. સાચા - ખોટાનો સવાલ જ નથી. સાચા ખોટાનો નિર્ણય કરનારા તમે કોણ ?

મનુસ્‍મૃતિ લખાયાને પાંચ હજાર વર્ષ થઇ ગયા, હજુ પણ હિંદુઓ તેને જ માનીને ચાલી રહ્યા છે. આ નીતિ છે, ધર્મ નથી. મનુએ લખ્‍યું કે ક્ષુદ્ર ત્‍યાજ્‍ય છે તો શુદ્ર હજુ પણ ત્‍યાજ્‍ય છે, હજુ પણ તિરસ્‍કૃત છે. મનુએ લખ્‍યું, જેવું લખ્‍યું તેમજ આજે પણ માનવામાં આવી રહ્યું છે. આ નીતિ છે, ધર્મ નથી.

આખા જગતમાં આ જે વિરાટ શકિત ભેગી થઇ છે, તે રાજકારણીઓના હાથમાં છે અને તેમનાથી વધારે પાગલ વ્‍યકિત તમને ક્‍યાં મળવાની છે ? શષાોની ચાવીઓ પાગલોના હાથમાં છે. આપણે ચોક્કસ એક ઉંડા જોખમમાંથી પસાર થઇ રહ્યા છીએ. આમાંથી કોઇ પણ પાગલ મહાવિનાશની શરૂઆત કરી શકે છે અને આ મહાવિનાશ શ્રેણીબધ્‍ધ હશે, એકે શરૂ કર્યું તો બીજાએ શરૂ કરવું જ પડશે. આ મહાવિનાશ એવો હશે કે જેમાં કોઇ જીતશે નહીં, કોઇ હારશે નહીં, કેમકે બધા મરી જશે.

આ મહાવિનાશ સર્જાય તે પહેલા માનવે જીવનના કેટલાક નવા આધારો રાખી લેવા જોઇએ. ધ્‍યાનમાં જ તે આધાર રાખી શકાય છે, કેમકે ધ્‍યાન જ મનુષ્‍યને શાંત કરી શકે છે, યુધ્‍ધથી મુકત કરી શકે છે, વેરઝેરથી મુકત કરી શકે છે અને અન્‍યના વિનાશથી મુકત કરી શકે છે અને ધ્‍યાન જ મનુષ્‍યને અંતરાત્‍માનો આવાજ સાંભળવાનો અવસર આપે છે.

એટલે મારી સમગ્ર ચેષ્‍ટા એક જ વાત પર સંલગ્ન છે કે કેવી રીતે વધારેમાં વધારે માણસો ધ્‍યાનના મહિમાને સમજી શકે. ધ્‍યાનમાં મનુષ્‍યનું ભવિષ્‍ય છે. અને ધ્‍યાનમાં જ એકમાત્ર સુરક્ષાની શક્‍યતા છે. આ જે સંન્‍યાસનું વિસ્‍તરણ કરી રહ્યો છું એ માત્ર ધ્‍યાનના સમાચારો લઇ જનારા લોકો છે, જે દૂરદૂર પૃથ્‍વીના ખૂણેખૂણા સુધી ધ્‍યાનની સુવાસને લઇ જાય. જેટલા વધારે લોકો ધ્‍યાનમાં સંલગ્ન થાય એટલું સારૂં છે, એ જ મનુષ્‍યના બચવાનો ઉપાય છે. (ઓશો)


 

આધ્‍યાત્‍મિકતા અને ભૌતિકવાદ બંને જરૂરી

મારી ભવિષ્‍યના માનવ વિષે જે ધારણા છે, તેમાં માણસ ના તો ભૌતિકવાદી હશે ના અધ્‍યાત્‍મવાદી. માનવ સમગ્રતાવાદી હશે, તે કહેશે આત્‍મા પણ હું છું અને શરીર પણ હું છું. શરીર મારૂ ઘર છે અને આત્‍માનો તેમાં વાસ છે.

પોતાના ઘરને સજાવો છો કે નહીં ? પોતાના ઘરને સ્‍વચ્‍છ રાખો છો કે નહીં ? અને જ્‍યાં આત્‍માનો વાસ હોય તે શરીર ઘર નહીં મંદિર બની જાય છે. દેહનું સન્‍માન, તમારા અંદર રહેલ આત્‍માનું સન્‍માન છે એક પ્રકારે એટલે દેહને સત્તાવવાનો નથી, મીટાવવાનો નથી, દેહને સીડી બનાવવાનો છે.

જુનો માનવ ખંડિત માનવ હતો. આ ખંડિત માનવે એક દુનિયા બનાવી હતી જેને બહુ દુખ મળ્‍યું. કેમકે જેણે વિચાર્યું કે ખાઓ, પીઓ, મોજ કરો, તે ખાવા, પીવા, મોજ કરવામાં ખતમ થઇ ગયા, તેમણે ક્‍યારેય અંતરની સંપતિઓ પર નજર જ ના નાખી. તે બહીર્મુખી બનીને જીવ્‍યો પણ આંતરિક રીતે દરિદ્ર જ રહ્યો. અને જેણે વિચાર્યું કે ભીતરમાં જ બધું છે તે અંતર્મુખ થયો, તેણે આંખો બંધ કરી લીધી. તેણે ભીતરનો રસ તો મેળવ્‍યો પણ બહાર બહુ દરિદ્રતા ફેલાઇ ગઇ, દીનતા ફેલાઇ ગઇ.

ભારત આજે જે દરિદ્ર છે તેમાં આ અધ્‍યાત્‍મવાદીઓનો હાથ છે. આને તમે માનો કે ના માનો, તમારા અહંકારને ચોટ લાગે કે ના લાગે, મને ચિંતા નથી. તમારૂ જે ભારત દરિદ્ર છે આજે, ભૂખે મરી રહ્યું છે- અડધા લોકો ભૂખ્‍યા છે ભારતમાં કોઇ સ્‍વસ્‍થ નથી દેખાતું - તેની પાછળનું કારણ અધ્‍યાત્‍મવાદીઓ છે. તેમણે કહ્યું, ‘‘બહાર કંઇ છે જ નહીં, બસ આંખો બંધ કરો અને ગુફાઓમાં બેસી જાઓ.''

પશ્ચિમ બહાર તો સમૃધ્‍ધ થયું પણ ભીતરથી દરિદ્ર છે. પૂર્વ ભીતર સમૃધ્‍ધ થયું પણ બહાર દરિદ્ર થયું. આ તો બહુ અધુરૂ અધુરૂ છે. આ તો એવું થયું કે પક્ષીની એક પાંખ કાપીને કહેવાયું કે જાઓ ઊડો. પાંખ ડાબી કાપી હોય કે જમણી તેનાથી શું ફેર પડે, પંખી ઉડી નહીં શકે.

પૂર્વની માનવતાની પણ એક પાંખવાળી છે, પશ્ચિમની માનવતા પણ એક પાંખ વાળી છે. હું ઇચ્‍છુ એવો મનુષ્‍ય જેને બે પાંખ હોય. મારા ભવિષ્‍યની ધારણામાં એવો મનુષ્‍ય છે, જે દેહમાં પણ આનંદિત હોય અને આત્‍મામાં પણ આનંદિત હોય, જે ના તો અંતર્મુખ હોય ના બહીર્મુખ હોય, જે કુશળ હોય ભીતર જવામાં, બહાર આવવામાં, જેની કુશળતા અંતર્મુખતા અને બહિર્મુખતા વચ્‍ચેનો સેતુ બનવાની હોય.

 

 

સન્‍યાસીએ ઘર છોડવાનું નથી

જૂના જગતની જે આધારશિલા હતી તે નીતિ હતી. ભવિષ્‍યની જે આધારશિલા હશે, તે ધર્મ હશે. ધર્મ વ્‍યકિતને સ્‍વત્‍વ આપે છે, નીતિ વ્‍યકિતનું સ્‍વત્‍વ છીનવી લે છે. અને સ્‍વત્‍વ છીનવાયુ એટલે આત્‍મા છીનવાયો. દરેક વ્‍યકિતના ભીતરમાં ધર્મ છે, જે ધીમો એવો અંતર્ચેતનાનો અવાજ છે, જ્‍યાંથી પરમાત્‍મા બોલે છે.

એટલે હું મારા સન્‍યાસીને નૈતિક બનવા નથી કહેતો. એનો અર્થ એ નથી કે હું એમ કહું છું કે અનૈતિક બની જાઓ. આનો અર્થ માત્ર એટલો જ છે કે ધ્‍યાનના ઉંડાણમાં ઉતરીને પોતાના અંતરાત્‍માનો અવાજ સાંભળો, તે તમને કહે તે જ પરમ નિયમ છે. પછી તમે તેના પર સંપૂર્ણ દાવ લગાવી દો. તમે ક્‍યારેય હારશો નહીં, ચૂકશો નહીં, મંઝીલે પહોંચી જશો. ભવિષ્‍યનો મનુષ્‍ય નૈતિક નહીં ધાર્મિક હશે.

મનુષ્‍યની એક નવી ધારણા, એક સાવ નવી ધારણા જરૂરી બની ગઇ છે. એક એવી ધારણા જે જીવનને તેની સર્વાંગતામાં સ્‍વીકા કરે - અહોભાવથી. એક એવી ધારણા જે ક્ષુદ્રથી માંડીને વિરાટ સુધી કંઇ પણ અસ્‍વીકાર ના કરતી હોય. કેમકે કીચડમાં કમળ થાય છે. કીચડનો અસ્‍વીકાર કર્યો તો કમળ ક્‍યારેય ઉત્‍પન્‍ન નથી થતા. કીચડ અને કમળ બન્‍નેનો સ્‍વીકાર થવો જોઇએ.

એટલે હું મારા સન્‍યાસીને કહું છું કે ઘરના છોડતા, દ્વારના છોડતા. આ કાદવની દુનિયા છે, તેને છોડીને ભાગતા નહીં, નહીંતર કમળ નહીં બની શકો. મારી સન્‍યાસની ધારણામાં મનુષ્‍ય કેવો હોય તેની આ પહેલી રૂપરેખા છે. અયૂબ સૈયદ, આ વાતો હું માત્ર ભારત માટે નથી કહી રહ્યો. આ આખી વાત ભારત માટે જેટલી લાગુ છે એટલી જ સમગ્ર માનવજાત માટે લાગુ છે. અને એક બહુ જ નિર્ણાયક સમય નજીક આવી રહ્યો છે, જ્‍યારે કંઇક નક્કી કરવું પડશે. એક એવી નિર્ણાયક ઘડી નજીક આવી રહી છે કે આવનારા પચ્‍ચીસ વર્ષોમાં કાંતો આપણે જોઇશું કે સમગ્ર માનવતાએ પોતાની મુઢતાના કારણે પોતાનો અંત કરી લીધો -કેમકે એટલા એટમ બોમ્‍બ અને હાઇડ્રોજન બોંબ ભેગા થઇ ગયા છે કે એક-એક વ્‍યકિતને સાતસો સાતસો વાર મારી શકાય છે. આપણા જેવી સાતસો પૃથ્‍વીઓ નષ્‍ટ કરી શકાય છે, સંપૂર્ણપણે માણસ જ નહીં મરે, પશુ પક્ષી, કીડા મકોડા, વૃક્ષો બધુ જ મરી જશે અને આટલા મોટા વિસ્‍ફોટક સાધનો પર જે લોકોની સત્તા છે, તે લગભગ પાગલ છે. આપણી હાલત એવી છે કે આપણે જે હવાઇ જહાજમાં બેઠા છીએ તેનું સંચાલન એક પાગલ પાયલોટના હાથમાં છે.

 

આસ્‍તિક - નાસ્‍તિક પરસ્‍પર વિરોધી નથી

દરેક વ્‍યકિત, જો તેનામાં થોડીક પણ બુધ્‍ધિ હશે, તો પહેલા નાસ્‍તિક હશે. અને નાસ્‍તિકતાની તલાશ જ ધીમે ધીમે તેને એવી જગ્‍યાએ લઇ જશે... એવી ચીજોનો અનુભવ તેના જીવનમાં શરૂ થઇ જશે. જેમાં ના પાડવી મુશ્‍કેલ છે. કોક દિવસ પ્રેમમાં પડશે, પ્રેમને જાણશે અને ખબર પડશે કે નહીં, શબ્‍દોમાં, સિધ્‍ધાંતોમાં આવે છે, એટલામાં જ જીવન સમાપ્‍ત નથી થતું, અન્‍ય પણ કંઇ છે. કોઇ દિવસે ગુલાબના ફુલને ખીલેલું જોશે અને જાણશે કે સુંદર છે. પણ સૌંદર્યને સિધ્‍ધ નથી કરી શકાતુ કેમકે સૌંદર્ય કોઇ પદાર્થ નથી. કોક દિવસ તારાઓ ભરેલ રાત જોશે અને ચકિત, વિસ્‍મય વિમુગ્‍ધ બની જશે. એક પળ સન્‍નાટો છવાઇ જશે. આ તારાઓ ભરી રાતનું સૌંદર્ય, એ શાંતિ, એ શાલીનતા, એ મહિમા... તેનાથી તેના જીવનમાં પહેલીવાર હા ની સરસરાહટ થશે. આમ ધીમે ધીમે નકાર કરતા, કરતા એક દિવસ હા ના મંદિર પર પહોંચી જશે - ચોક્કસ રીતે પહોંચી જશે. અને ત્‍યારે હા માં એક મજા હશે. ત્‍યારની આસ્‍તિકતામાં એક વિસ્‍ફોટ હશે.

હું પૃથ્‍વીને આસ્‍તિક જોવા માંગું છું પણ નાસ્‍તિકથી વિરૂધ્‍ધ નહીં. હું એવા આસ્‍તિક ઇચ્‍છું છું, જે નાસ્‍તિકતાને પીને આસ્‍તિક હોય, હું એવા આસ્‍તિક ઇચ્‍છું છું, જેમણે નાસ્‍કિતાની સીડી બનાવી લીધી હોય અને આસ્‍તિક બન્‍યા હોય. હું એવા આસ્‍તિક ઇચ્‍છું છું જે ના સાંભળવાથી ડરે નહીં અને કાનમાં આંગળી ના નાખે. હું એવા આસ્‍તિક ઇચ્‍છું છું જેમણે નહીં તો ઉપયોગ કરી લીધો છે અને નહીંની ધારથી જ હાને શોધી કાઢી છે.

આ જે પરલોકવાદી આસ્‍તિકો હતા તેઓ અનિવાર્યપણે આ જીવનના વિરોધી હતા. ભારતમાં આપણે તેમને ખૂબ તક આપી. તેમણે આપણું જીવન નષ્‍ટ કરી નાખ્‍યું. દરેક વસ્‍તુ ખોટી છે. ભોજન ખોટું છે, કપડા પહેરવા ખોટું છે, સારૂ મકાન બનાવવું ખોટું છે, આરામનું જીવન ખોટું છે, બધી વાતો ખોટી છે. તેમણે આપણને બિમાર કરી નાખ્‍યા. આપણું સમગ્ર મનસશાષા બિમારીની એક લાંબી કથા બની ગઇ. તેમણે બે ઉપદ્રવ કર્યા. એક ઉપદ્રવ તો એ કર્યો કે આ જીવન ખોટું છે, આ સંસાર માયા છે. આના બે પરિણામ થયા. એક એ થયું કે જેમણે તેમની વાત ના માની અને સંસારમાં જીવતા રહ્યા તેમનામાં અપરાધ ભાવ ઉત્‍પન્‍ન થઇ ગયો કે આપણે જે કરીએ છીએ તે ખોટું કરી રહ્યા છીએ. જો એકસ્ત્રીને પ્રેમ કર્યો તો પાપ. જો બે પૈસા કમાયા તો પાપ. જો એક સારૂ મકાન બનાવ્‍યું તોય પાપ. સારા કપડા પહેર્યા તો પણ પાપ. તેમની અંદર એક અપરાધ ભાવ ઉત્‍પન્‍ન થઇ ગયો. અને તેમની અંદરના અપરાધભાવના કારણે તેઓ જે કંઇ પણ કરે તેને ભોગવી નથી શકતા કેમકે તેમનામાં અપરાધભાવ છે. ‘ડરી રહ્યા છે, કાંપી રહ્યા છે કે હવે નરકમાં સડવું પડશે -સ્ત્રીના પ્રેમમાં પડવાના કારણે અને બીજા એ લોકો, જેમણે તેમની વાત માની, તેઓ પાખંડી થઇ ગયા. કેમકે જીવન એટલું પ્રાકૃતિક છે કે તમે લાખ કહો કે ઝુઠ અને લાખ કહો કે સપનું છે, તો પણ ખેંચે છે, આકર્ષિત કરે છે. ખેંચશે જ કેમકે તેની અંદર છૂપાયેલ પરમાત્‍માનું આકર્ષણ છે. તમારા મહાત્‍માઓ લાખ ચિલ્લાતા રહે.'

 તો બે પ્રકારના લોકો ઉત્‍પન્‍ન કર્યા. એક તો પાંખડી, જે ઉપરથી અલગ અને ભીતરથી અલગ. બીજા એવા પ્રકારના લોકો પેદા કર્યા જે અપરાધભાવથી ભરેલા,

(3:14 PM IST)