<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

જીવન એક યુધ્‍ધ છે, શુધ્‍ધ થવાનું : પૂ. નમ્રમુનિ મ.સા.

પૂ. ગુરૂદેવના સાનિધ્‍યમાં વિવિધ આરાધના સાથે પર્યુષણ પર્વની ઉજવણી

રાજકોટ : રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્‍યે આત્‍મશુધ્‍ધિકર વિવિધ આરાધનાઓ અને પ્રેરણાઓ સાથે પર્યુષણ પર્વનું સમાપન થયું છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના અવસરે પરમ ગુરૂદેવના શ્રીમુખેથી ‘જીવન એક યુદ્ધ છે, શુદ્ધ થવાનું', આ ભાવ સાથે પરમ ગુરુદેવે વિજયી ભવઃ ની રાત્રિ પ્રવચનમાળામાં દ્રવ્‍ય, ગુણ અને પર્યાયના તત્‍વાર્થ સાથે ક્ષમાપનાનું મહત્‍વ અને ક્ષમાપના કરવાના કારણોની સૂક્ષ્મ સમજ આપી, આત્‍મગુણો અને આત્‍મ ભાવોને જાગૃત કર્યા હતા.

પર્યુષણના હાર્ટ સમાન સંવત્‍સરીના દિવસે આત્‍મ શ્રેયસ્‍કર પ્રાજ્ઞવચનો બાદ આલોયણામાં દેશ-વિદેશના લાખો જૈન-અજૈન ભાવિકોએ આંખે પટ્ટી બાંધી, અંતરની આંખો ખોલી એક-એક પાપ અને દોષોને યાદ કરી, પસ્‍તાવાના અશ્રુઓથી વિશુદ્ધ બન્‍યા હતાં અને પરમ ગુરુદેવના શરણે સમર્પણભાવ સાથે શ્રાવક ધર્મની દીક્ષા અંગિકાર કરી ધન્‍ય-ધન્‍ય બન્‍યાં હતાં.

પરમ ગુરુદેવના શ્રીમુખેથી ‘તસ્‍સ મિચ્‍છામી દુક્કડમ્‌'ની તલસ્‍પર્શી સમ્‍યક સમજ પામી લાખો ભાવિકોએ ઉત્‍કૃષ્ટ ભાવ સાથે સંવત્‍સરી પ્રતિક્રમણની શ્રેષ્ઠ આરાધના કરી હતી. ધર્મમાં ક્ષમાપનાનું બહુ મોટું મહત્‍વ દર્શવવામાં આવ્‍યું છે અને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપનાનો મહોત્‍સવ!

સંવત્‍સરીના દિવસે દરેક આધ્‍યાત્‍મિક કાર્યક્રમોનો લાભ પરમધામ સાધના સંકુલ, ઝૂમ લાઈવ, યુ ટ્‍યુબ, સોહમ ચેનલ, ધર્મ સંદેશ ચેનલ, પારસ ચેનલ આદિના માધ્‍યમથી ભારતના ખૂણે ખૂણેથી એવમ વિદેશના મળીને ૧૭૦ દેશના લાખો ભાવિકો એ લીધો હતો. તે પૂર્વે પર્યુષણના પ્રારંભના ૭-૭ દિવસ પોતાની આખા વર્ષની ભૂલોને યાદ કરી, આઠમાં દિવસે સવંત્‍સરીના પાવન દિવસે તેની ક્ષમાપના કરી, સર્વ દોષોથી હળવા થવાનો લાખો ભાવિકો એ અહેસાસ કર્યો હતો.

વર્લ્‍ડ નવકાર ડે અવસરે પરમ ગુરુદેવની પ્રેરણાથી એક જ સમયે, એક જ સાથે દેશ-વિદેશમાં, અનેક શાળાઓમાં, સંસ્‍થાઓમાં, આશ્રમોમાં આદિ સ્‍થાનો પર મહા મંગલકારી નમસ્‍કાર મહામંત્રનો દિવ્‍ય નાદ ગુંજતા પાંચ કરોડથી વધુ જાપ વિશ્વશાંતિની ભાવના સાથે થયાં હતાં.

લાઇવના માધ્‍યમથી બાળ સહજ હૃદયની કાલી-ઘેલી ભાષામાં ભગવાનને પોતાની ભૂલોની માફી માંગતા દેશ-વિદેશના ૧ હજાર બાળકોએ કરી પ્રભુ સમક્ષ આલોચના.

પરમ ગુરુદેવની આજ્ઞા અને પચ્‍ચક્‍ખાણ સાથે મુક્‍તાવલી તપ, ૬૮ ઉપવાસ, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, નવાઈ, અઠ્ઠાઈ  અને ૬ થી વધુ ઉપવાસના મળીને ૨૦૦દ્મક વધુ તપસ્‍વીઓએ પરમ ગુરૂદેવની કૃપાથી તપસ્‍યા કરી કર્મોની નિર્જરા કરી છે.

સમગ્ર ચાતુર્માસના લાભાર્થી શ્રી  શેઠ પરિવારની ભાવનાથી પરમધામ સાધના સંકુલમાં સોમવારે સવારે તપસ્‍વી પારણા અવસર યોજાશે. પરમ ગુરુદેવના પ્રત્‍યક્ષ સાંનિધ્‍યમાં પર્યુષણની આરાધના કરવા આવેલા દેશ-વિદેશના ભાવિકોએ કંઈક અનન્‍ય અનુભૂતિ અને આત્‍મ સંવેગ અનુભવ્‍યો હતો

(3:20 PM IST)