<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ પ્રકરણે પકડાયેલ પૂર્વ ચીફ ફાયર ઓફીસર ઠેબાની વચગાળાની જામીન અરજી

માતાનું અવસાન થતાં દફનવિધિમાં હાજરી આપવા વચગાળાના જામીન માંગ્‍યાઃ સ્‍પે. પી. પી. દ્વારા એક દિવસના જામીન માટે સહમતિઃ બપોરે ચૂકાદાની સંભાવના

રાજકોટ તા.૯: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં ૨૭થી વધુ લોકોના ભોગ લેવાના  બનાવમાં પકડાયેલા ૧૫ આરોપી પૈકીના મહાપાલિકાના  ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાએ તેની માતાના અવસાનને કારણે  વચગાળાની જામીન અરજી કરતા અદાલતમાં બપોર બાદ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્‍તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં  ગઇ તારીખ ૨૮/ ૫/૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું  થઈ ગયા હતા. આ બનાવ માટે  ફાયર બ્રિગેડ સહિતના વિવિધ તંત્રોની ગુનાહિત બેદરકારી બેજવાબદારી બહાર આવતા અધિકારીઓ સહિત કુલ ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી  અપ્રમાણસરની પુષ્‍કળ મિલકતો ભેગી કરી  હોવાનું ખુલતા ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબા સામે પણ એસીબી તંત્ર ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્‍યો છે. દરમિયાન ડેપ્‍યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબાના માતા ખતુબેન જીવાભાઇ ઠેબાનું ગઈ રાત્રિના અવસાન થયું હોય, આથી પુત્ર નઝિમ ઠેબાએ આજે સવારે ભીખુભાઈ વતી આજે સાંજે ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે મરહુમ ખતુબેનની દફનવિધિ વખતે હાજર રહેવા માટે માનવતાના ધોરણે વચગાળાના જામીન માંગતી અદાલતમાં અરજી કરી છે. આ માનવતાના ધોરણે વચગાળાની જામીન અરજીની આજે બપોર બાદ રાખવામાં આવી છે. આ કામમાં ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના કેસમાં સરકાર પક્ષે સ્‍પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા, બાર એસો. ઉપપ્રમુખ સુરેશ ફળદુ અને અપ્રમાણસર મિલકતોના કેસમાં સ્‍પેશિયલ પી.પી. એસ. કે.વોરા  રોકાયા છે.

(3:59 PM IST)