News of Monday, 9th September 2024
૧૨૦૦૦ ખાડા બુરવા સરકાર પાસે ૭૭.૬૧ કરોડ માંગતુ કોર્પોરેશન
નવા અને હયાત રીંગ રોડને નવા કરવા ૩૦ કરોડ સહિત માંગ્યા

રાજકોટ, તા. ૯: શહેરમાં ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવાર પર પડેલા સતત અને ધોધમાર વરસાદના કારણે ૩૭.૮૪ કિ.મી.માં વિવિધ રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે કરોડોનું નુકસાન થાય છે, તેના પ્રમાણમાં આટલા વર્ષોનું સૌથી વધુ કરોડોનું નુકસાન થયાનું મનપાના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું .સમગ્ર શહેરના તુટેલા રસ્તાનો રિપોર્ટ ઝોનવાઇઝ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવ્યો છે. સરકાર પાસે ૭૭.૬૧ કરોડની માંગ કરવામાં આવશે.સાતમ-આઠમના તહેવારમાં રાજકોટમાં સતત ચાર દિવસ વરસાદ પડયો હતો. આ દિવસોમાં જ ૩ર ઇંચથી વધુ વરસાદ પડયો હતો. રસ્તા પર સતત વરસાદી પાણી વહેતા ડામર રોડને ભારે નુકસાની થઇ છે. અનેક રાજમાર્ગો, વર્ષો પહેલા બનેલા ઘણા રોડ, ઓવરબ્રીજના સાઇડના એપ્રોચ રોડને મોટું નુકસાન દેખાયું છે. ત્રણે ઝોનમાં તમામ ૧૮ વોર્ડમાં સીટી ઇજનેરોના માર્ગદર્શન હેઠળ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વે મુજબ શહેરમાં ૧૨૦૦થી વધુ ખાડા વરસાદના કારણે પડયા છે. તો જુદા જુદા ઝોન અને વોર્ડમાં કુલ ૩૭.૮૪ કિ.મી.ના ડામર રોડને નુકસાન થયાનું લાગ્યું છે.
બીજી તરફ રકમમાં આ માર્ગોને કેટલું નુકસાન થયું તેનો સર્વે પૂરો થવા આવ્યો છે. આમ તો મનપા પોતાના ભંડોળમાંથી એકશન પ્લાન મુજબ ઝોન દીઠ ૧૦-૧૦ કરોડના કામ કરે છે. આ સિવાય રીપેરીંગનું બજેટ જુદુ હોય છે. પરંતુ આટલી મોટી નુકસાની સરકારની ગ્રાન્ટમાંથી જ ભરપાઇ થઇ શકે તેમ છે.
તમામ રસ્તાઓ અને ખાડાઓનો સર્વે કરી આ ઉપરાંત ૧પ૦ ફુટ રીંગ રોડ તથા બીજા રીંગ રોડને ફરી ડામરથી મઢવા ૩૦ કરોડ સહીત કુલ ૭૭.૬૧ કરોડ માંગવામાં આવ્યા છે.
(4:00 PM IST)










