<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

‘હ્યુમન આલ્‍બ્‍યુમીન' દવાની અછત વર્તાવા લાગી

ડેન્‍ગ્‍યુ, કેન્‍સર, પ્‍લેટલેટસ બાયપાસ સર્જરી જેવી બ્‍લડ કમ્‍પોનન્‍ટ રીલેટેડ બિમારી માટેની - હાલમાં ડેન્‍ગ્‍યુ, વાયરલ તાવ સહિતની બિમારીઓમાં વધારો થતા ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન' ની માંગ વધીઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં મુખ્‍ય બે કંપનીઓના ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન વેચાઇ રહ્યા છેઃ પ્રમાણમાં હોલસેલ રેઇટ ઊંચો થઇ ગયો!? MRP પણ વધતી જાય છે...! - દવાનું રોમટીરીયલ મોટેભાગે ચાઇનાથી આવતું હોય, ત્‍યાંથી જ શોર્ટેજ હોવાની ચર્ચાઃ કર્ણાટક સહિતના અન્‍ય રાજયોમાં ડેન્‍ગ્‍યુએ ભારે હલચલ મચાવતા પણ ગુજરાતમાં ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન' શોર્ટમાં હોઇ શકેઃ સૌરાષ્‍ટ્ર-ગુજરાતના દવાના હોલસેલરોને ઓર્ડર મુજબ પુરતા પ્રમાણમાં જથ્‍થો ન મળતો હોવાના સમાચારઃ છેલ્લા ચારેક મહિનાથી આવી સ્‍થિતિ - ટ્રસ્‍ટની કે કોર્પોરેટ હોસ્‍પિટલોમાં દાખલ થયેલ દર્દીઓના સગાઓ માટે પણ કોઇક વખત મુશ્‍કેલી કે વેઇટીંગનો સામનો કરવો પડતો હોવાની ચર્ચા

રાજકોટ,તા.૯: સતત દોડધામવાળી જીંદગી, પ્રદૂષણ, સ્‍પર્ધાત્‍મક વાતાવરણ, તણાવ, વધતા ખર્ચા, પેસ્‍ટીસાઇડસ સાથેનું ખેત ઉત્‍પાદન-શાકભાજી વિગેરેને કારણે સીધી કે આડકતરી રીતે સમગ્ર ભારતના લોકોની તંદુરસ્‍તી ઉપર નકારાત્‍મક અસર વર્તાવા લાગી છે. દિવસે-દિવસે ઘણા લોકોની રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો પણ થતો જાય છે અને લોકોના શરીરમાં વિવિધ બિમારીઓ પ્રવેશવા માંડે છે. પરિણામે અલગ-અલગ મોલેકયુલ્‍સ તથા કન્‍ટેઇન્‍સ ધરાવતી એલોપથી દવાઓની માંગમાં પણ વધારો થતો જોવા મળે છે. ઘણી વખત સીઝનલ બિમારીઓ વધી જતા તેને રીલેટેડ દવાઓની પણ બજારમાં અછત દેખાતી હોય છે.

હાલમાં ડેન્‍ગ્‍યુ, કેન્‍સર, પ્‍લેટ્‍લેટ્‍સ ઘટી જવા, બાયપાસ સર્જરી, બર્ન્‍સ, સિરીયલ સર્જરી, બ્‍લીડીંગ જેવી બ્‍લડ કમ્‍પોનન્‍ટ રીલેટેડ પરિસ્‍થિતિમાં ખૂબ ઉપયોગી ગણાતી ‘હ્યુમન આલબ્‍યુમીન' દવાની રાજકોટ-સૌરાષ્‍ટ્રની બજારમાં અછત વર્તાવા લાગી હોવાનું જાણવા મળી રહ્યુ છે. દવા બજાર સાથે સંકળાયેલ સુત્રોના જણાવ્‍યા મુજબ અંદાજે છેલ્લા ચારેક મહિનાથી ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન' દવા-બાટલાનો જથ્‍થો કંપનીમાંથી ત્રુટક-ત્રુટક આવતો હોવાની ચર્ચા છે.જેને કારણે માર્કેટમાં અંદાજે ૫૦ ટકા જેટલી શોર્ટેજ ગણી શકાય તેવું મેડીકલ સાથે સંકળાયેલ સુત્રો જણાવે છે.

હાલમાં ડેન્‍ગ્‍યુ, વાયરલ તાવ જેવી બિમારીઓના કેસોમાં ઉછાળો આવતા ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન'ની માંગ વધી હોવાનું જાણવા મળે છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મોટેભાગે મુખ્‍ય બે કંપનીઓ ઇન્‍ટાસ અને રીલાયન્‍સના ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન' લીકવીડ-નાના બાટલા ડોકટર્સ દ્વારા પ્રિસ્‍ક્રાઇબ થઇ રહ્યા છે. હવે આ બંને કંપનીમાંથી સપ્‍લાય ઓછો હોવાનું સંભળાઇ રહ્યું છે.

ઉપરાંત દવા બજારમાં તથા મેડીકલ સુત્રોમાં એવી પણ ચર્ચા સાંભળવા મળે છે કે આજથી ત્રણેક વર્ષ પહેલા ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન'નો હોલસેલ રેઇટ ૮૦૦ રૂપિયાથી ૧૫૦૦ રૂપિયા સુધીનો હતો જે આજે ૨૫૦૦ રૂપિયાથી ૬૦૦૦ (છ હજાર) રૂપિયા સુધી પહોંચી ગયાની ચર્ચા છે. હોલસેલ રેઇટ સામે ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન'ની MRP (મેકસીમમ રીટેલ પ્રાઇસ)માં પણ વધારો થતો જાય છે. અને અંદાજે ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન' આઇ.પી. ૨૦ ટકા સોલ્‍યુશન (એકસ્‍ટ્રા પ્‍યોરીફાઇડ)ની MRP ૯૯૯૦ (નવ હજાર નવ સો નેવુ) રૂપિયા સાંભળવા મળી રહી છે. પરિણામે સતત ભાવવધારો પણ થતો જોવા મળી રહ્યાની ચર્ચા છે.

દવાના હોલસેલમાં  તથા મેડીકલ સુત્રો પાસેથી એવી પણ માહીતી મળે છે કે દવાનું રોમટીરીયલ મોટા ભાગે ચાઇના (ચીન) થી આવતુ હોય છે અને ત્‍યાંથી જ કદાચ શોર્ટેજ હોઇ શકે છે. ઉપરાંત હાલમાં કર્ણાટક રાજય સહીતના અન્‍ય રાજયોમાં ડેન્‍ગ્‍યુંએ ભારે હલચલ મચાવી દેખા દેતા હયુમન આલ્‍બ્‍યુસમીનનો સ્‍ટોક જે તે રાજયમાં ચાલ્‍યો જતો હોઇ શકે. જેને કારણે પણ સૌરાષ્‍ટ્ર-ગુજરાતના દવાના હોલસેલનો ઓર્ડર મુજબ પુરતા પ્રમાણમાં જથ્‍થો ન ફાળવાતો હોય.

હાલમાં રાજકોટ સૌરાષ્‍ટ્રની અમુક પ્રતિષ્‍ઠીત ટ્રસ્‍ટની હોસ્‍પીટલો કે કોર્પોરેટર હોસ્‍પીટલોમાં દાખલ થયેલ દર્દીઓના સગાઓ માટે પણ કોઇક વખત હયુમન આલ્‍બ્‍યુમન મેળવવામાં મુશ્‍કેલી કે વેઇટીંગનો સામનો કરવો પડતો હોવાનું સંભળાય છે. હોસ્‍પીટલોમાં આવેલ મેડીકલ સ્‍ટોર્સમાંથી પણ ત્રણ-ચાર વખત હોલસેલને ફોન કરીને મહેનત સાથે હયુમન આલ્‍બયુમીન મેળવાતા હોવાની ચર્ચા છે. ઘણા કિસ્‍સામાં તો દર્દીના સગા ડોકટરોના કહેવાથી ડાયરેક હોલસેલ પાસેથી જ આવી પ્રોડકટસ મેળવી લેતા હોવાનું સંભળાય છે.

ટુંકમાં ચાઇના કે ઓસ્‍ટ્રેલીયાથી આવતો દવાનો ઓછો જથ્‍થો કે પછી અન્‍ય રાજયોમાં વધુ સપ્‍લાયને કારણે ગુજરાતમાં હયુમન આલ્‍બયુમીન જેવી બ્‍લડ પ્રોડેકટની અછત વર્તાણી હોય, ઉંચા ભાવો જોવામાં આવતા હોય, જે કોઇ કારણ હોય તે કારણ શોધવાનું કામ તો જવાબદાર તંત્રનુ઼ છે. પરંતુ દવાનો અભાવે જરૂરીયાતમંદ દર્દીઓ કયાંય મુશ્‍કેલીમાં ન મુકાય અને તેઓને સરકાર માન્‍ય વ્‍યાજબી ભાવે (હોલસેલ તથા રીટેલ ક્ષેત્રે) દવા સરળતાથી મળી રહે તે અતિ આવશ્‍યક છે.

દવાના અભાવે પ્‍લેટલેટસ બ્‍લડ બેન્‍કમાંથી પણ મેળવી શકાય

બ્‍લડ કમ્‍પોનન્‍ટ તથા બ્‍લડ રીલેટેડ પ્રોકકટ જેવી કે ‘હ્યુમન આલ્‍બ્‍યુમીન' દવા-લિકવીડ - બાટલો કોઇક વખત તુરત જ ન મળતો હોય તો  RBC,WBS,  કમ્‍પોનન્‍ટસ સંદર્ભે નજીકની બ્‍લડ બેન્‍કમાંથી પણ પ્‍લેટલેટસ મેળવી શકાય છે તેવું મેડીકલ સૂત્રો દ્વારા જાણવા મળે છે. બ્‍લડ બેન્‍કમાં જતા પહેલા સંબંધિત બ્‍લડ બેન્‍ક સાથે બ્‍લડ  પ્‍લેટલેટસ વિગેરેની જરૂરીયાત તથા ઉપલબ્‍ધતા કન્‍ફર્મ કરી લેવી હિતાવહ છે.

ડેન્‍ગ્‍યુને હળવાશથી ન લેવોઃ

ઇમ્‍યુનિટી ઘટવાથી અન્‍ય રોગો થઇ શકે

મેડીકલ ફીલ્‍ડ સાથે સંકળાયેલ તજજ્ઞોનું કહેવું છે કે ડેન્‍ગ્‍યુને કદી હળવાશથી ન લેવો જોઇએ. ડેન્‍ગ્‍યુ તાવમાં બ્‍લડ પ્‍લેટલેટસ કાઉન્‍ટ ઘટવાની સાથે સાથે પેશન્‍ટની ઇમ્‍યુનિટી પણ ઘટવા લાગે છે, જેને કારણે અન્‍ય રોગો પણ પેશન્‍ટને થઇ શકે છે. વ્‍યકિત ના શરીરમાં ઘણાં ગંભીર રોગોના નિષ્‍ક્રીય પરિબળો પણ ઘણી વખત હાજર હોય છે. પરંતુ વ્‍યકિતની રોગ પ્રતિકારક શકિત (ઇમ્‍યુનિટી પાવર) ઓછી થવાથી તેવા  પરિબળો સક્રિય થઇ જાય છે. પરિણામે વ્‍યકિત અનાયાસે ગંભીર બિમારીનો ભોગ બની શકે.

(4:04 PM IST)