<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

વાહન ભાડે આપવાનો ધંધો કરતો ૧૯ વર્ષનો હર્ષ ચાવડીયા ૧ લાખના એમડી ડ્રગ્‍સ સાથે દબોચાયો

શહેરમાંથી માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની નવી ટીમ સક્રિય : કેનાલ રોડ પરથી નંબર પ્‍લેટ વગરના વાહન સાથે નીકળતાં ફિરોઝભાઇ અને ઇન્‍દ્રસિંહની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૧૦: શહેરમાં દારૂની જેમ ડ્રગ્‍સનું દૂષણ પણ ઘર કરી ગયું હોય તેમ લવરમુછીયાઓ પણ અલગ અલગ માદક પદાર્થનો નશો કરતાં થઇ ગયા છે. જેમાં અમુક તો નશો કરવાની સાથે સાથે પેડલર બની ડ્રગ્‍સની પડીકીઓ બનાવી વેંચવાના રવાડે પણ ચડી જાય છે. આ દૂષણને ડામવા શહેર એસઓજી સક્રિય છે. નવા નિમાયેલા પીઆઇ અને તેમની ટીમે વધુ દૂષણને ડામવા કડક કાર્યવાહી આરંભી છે. જે અંતર્ગત શહેરના કેનાલ રોડ પરથી ૧૯ વર્ષના યુવાનને એમડી ડ્રગ્‍સ સાથે દબોચી લીધો છે. નંબર વગરના ટુવ્‍હીલરમાં આ શખ્‍સ નીકળ્‍યો હતો. તે પોતે ડ્રગ્‍સનો બંધાણી છે અને છુટક પડીકી બનાવી બંધાણીઓને વેંચતો હોવાનું રટણ કરી રહ્યો છે. રાજકોટના લોકલ પેડલર મારફત આ પદાર્થ મેળવ્‍યાનું રટણ કરે છે. તપાસનુ પગેરૂ મુંબઇ તરફ જવાની શક્‍યતા છે.

શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટીક્‍સ પદાર્થનું વેંચાણ અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્‍સ' મિશન અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ફિરોઝભાઇ રાઠોડ અને ઇન્‍દ્રસિંહ જાડેજાને બાતમી મળતાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં ટીમે કેનાલ રોડ પર વોચ રાખી હર્ષ દેવાભાઇ ચાવડીયા (ઉ.વ.૧૯-રહે. પેડક રોડ, ગાંધી સમૃધ્‍ધી સોસાયટી-૨, જય ગોૈ ગાત્રાળ જય રવેચી મકાન)ને નંબર વગરના ટુવ્‍હીલર સાથે આંતરી લીધો હતો. આ શખ્‍સ પાસે માદક પદાર્થ હોવાની પાક્કી બાતમી હોઇ તલાસી લેતાં તેની પાસેથી ૧૦.૮૪ ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્‍સની પડીકી મળી આવી હતી.

એફએસએલ અધિકારી એસ. એચ. ઉપાધ્‍યાયની મદદથી પ્રાથમિક પરિક્ષણ કરાવતાં આ પદાર્થ એમડી હોવાનું ખુલતાં હર્ષ સામે એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવી તેની ધરપકડ કરી હતી. હર્ષ પાસેથી મળેલા એમડી ડ્રગ્‍સની કિમત રૂા. ૧,૦૮,૪૦૦ થાય છે. આ પદાર્થ તેમજ ૧૫ હજારનો આઇફોન, ૮૦ હજારનું ટુવ્‍હીલર મળી રૂા. ૨,૦૩,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. પ્રાથમિક પુછતાછમાં હર્ષએ રાજકોટમાંથી જ એક પેડલર પાસેથી આ માદક પદાર્થ મેળવ્‍યાનું રટણ કર્યુ હતું.

હર્ષ વાહન ભાડેથી આપવાનું કામ કરે છે. તે પોતે માદક પદાર્થનો બંધાણી છે અને પડીકીઓ બનાવી બંધાણીઓને વેંચે  પણ છે. લોકલ પેડલર ઝડપાયા બાદ મુંબઇ તરફ તપાસનું પગેરૂ નીકળવાની શક્‍યતા છે. એસઓજીમાં ચાર્જ સંભાળનારા પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા માદક પદાર્થના દૂષણ સામે કડક હાથે કામ લેવા સક્રિય થયા છે. તેમણે ટીમને પણ આ મામલે કડક સુચના આપી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. મજીરાણા, આર. જે. કામળીયા, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, યુવરાજસિંહ જાડેજા, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, મુકેશભાઇ ડાંગર અને ડ્રા. હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. નવનિયુક્‍ત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમની કાર્યવાહીઃ માદક પદાર્થના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવાશે ‘પડીકી' બનાવી વેંચતો અને પોતે પણ નશો કરતોઃ રાજકોટના પેડલરની શોધખોળઃ પગેરૂ મુંબઇ તરફ નીકળવાની શક્‍યતા

(3:06 PM IST)