<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

આજી જીઆઇડીસીમાં સીલ કરવામાં આવેલી અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં તસ્‍કરો ત્રાટકયાઃ રૂ. ર૧ હજારની ચોરી

ફેકટરીના પર૮ કામદારોને વેતન ન આપવામાં આવતા કલેકટર દ્વારા કંપની સીલ કરવામાં આવી હતીઃ તસ્‍કરો ટીવી, લેપટોપ સીપીયુ સહિતનો સામાન ઉઠાવી ગયા

રાજકોટ તા. ૧૦: ભાવનગર રોડ પર આવેલા આજી જી.આઇ.ડી.સી.માં કોર્ટના હુકમ મુજબ સીલ કરાયેલી અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝ ફેકટરીમાં કોઇ અજાણ્‍યા શખ્‍સોએ ફેકટરીમાં પ્રવેશ કરી ઓફીસોમાંથી રૂા. ર૧ હજારની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નડીયાદમાં મન્‍ના પાર્ક એ-ર માં હાલ રાજકોટ રેસકોર્ષ રીંગ રોડ હોમગાર્ડ ઓફીસની બાજુમાં આવેલા સરકારી કવાર્ટર બ્‍લોક નં. ડી/૧૭ માં રહેતા પૂર્વ મામલતદાર શૈલેષભાઇ જેઠાભાઇ ચાવડાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં આજી જી.આઇ.ડી.સી.માં આવેલી અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લી. ફેકટરીમાં કામ કરતા પર૮ મજુરોને વેતન ચૂકવવામાં ન આવતા આ મામલે કલેકટરના હુકમ મુજબ ગત તા. ૧ર/૧/ર૦ર૪ના રોજ ફેકટરીને સીલ કરવામાં આવી હતી. આ ફેકટરીમાં આવેલી અલગ અલગ ઓફીસોમાં પડેલા સામાન સાથે તમામ ઓફીસોને પણ સીલ કરવામાં આવી હતી. ગત તા. ૩૧-૮-ર૪ના રોજ અમદાવાદમાં આવેલી સુંદરમ ફાસ્‍ટનેર્સ લીમીટેડ કંપની આ અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લી. ફેકટરીને ખરીદ કરવા માટે રસ દાખવતા હાલમાં ભારે વરસાદના કારણે પ્રોપર્ટીમાં કોઇ નુકશાન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવા માટે રાજકોટ કોર્ટમાં પરમીશન માંગતા નામદાર કોર્ટ તરફથી આ બાબતે બે દિવસ માટે જવાબદાર અધીકારી સાથે આ કંપનીના સીલ ખોલી ખરીદનારને કંપની બતાવવા હુકમ કરવામાં આવ્‍યો હતો જે હુકમ મુજબ કલેકટર દ્વારા ફેકટરીના સીલ ખોલી બતાવવા પોતાને સૂચના આપવામાં આવતા બેંકના પ્રતિનિધિ તથા પોતે તથા સ્‍ટાફમાં સર્કલ ઓફીસર તથા નાયબ મામલતદાર સ્‍ટાફ દ્વારા વિડીયો ગ્રાફર સાથે ફેકટરીના સીલ ખોલી અંદર જઇને ચકાસણી કરતા ફેકટરીમાં આવેલી સીલ કરાયેલી ઓફીસના દરવાજાના કાચ તુટેલા જોવા મળ્‍યા હતા અને તેમાં ટીવી, લેપટોપ, છ સીપીયુ, બે ગેઝ મશીન મળી રૂા. ર૧૦૦૦ના સામાનની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ અંગે થોરાળા પોલીસમાં જાણ કરતા પી.એસ.આઇ. એચ. ટી. જીંજાળા સહિતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

(2:49 PM IST)