તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
રાજકોટ ગુરૂકુલની સુરત શાખા દ્વારા ૧૩૦૦ દર્દીઓને પોષણક્ષમ આહાર સામગ્રી વિતરણ
રાજકોટ ગુરૂકુલની સુરત શાખા દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ રાહત સામગ્રી વિતરણ પ્રસંગે ઉપસ્થિત સંતો, ડોકટરો, લાભાર્થીઓ વગેરેની તસ્વીર.

રાજકોટ તા. ૧૦: કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત , પ્રોજેક્ટ અંતર્ગત, ફેઈથ બેઝડ ઓર્ગેનાઈઝેશન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા સુરત શહેરના ટીબી ગ્રસ્ત પોષણયુક્ત આહાર ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં સુરતના અલગ અલગ ધર્મના ધર્મગુરુઓએ હાજર રહી તથા અમેરિકા અને કેનેડામાં સત્સંગ વિચરણ કરી રહેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના અધ્યક્ષ શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી તથા મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ દર્દીઓને સારા સ્વાસ્થ્ય માટે વિદેશથી શુભકામનાઓ પાઠવી સરકારના આ નવા પગલાની સરાહના કરી હતી.
છેલ્લા એક વર્ષથી ચાલતા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં કુલ ૯૭ જેટલા વિવિધ ધર્મના ધાર્મિક સંતો દ્વારા સુરતના ૨૬૦૦૦ ઘરોમાં ટીબીના રોગની જાગળતિ ફેલાવવામાં આવી.
આ ઉપરાંત સરકાર દ્વારા ટ્રેનિંગ અપાયેલા ૨૫૦૦ થી વધારે આરોગ્ય શુભચિંતકો દ્વારા એક વર્ષ સુધી ટીબી નાબૂદી માટેના વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોજેક્ટમાં ૧૩૦૦ જેટલા ટીબીના દર્દીઓને સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવેલા જેને છેલ્લા છ મહિનાથી દર મહિને પોષણ યુક્ત ખોરાકની કીટ આપવામાં આવી હતી. આજે કીટની સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, સ્વયંપ્રકાશ સ્વામી, વિરકતજીવન સ્વામી , વરણી સ્વરૂપ સ્વામી વગેરે સંતોના હાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રસાદરૂપે મગજના લાડુના બોક્સ આપવામાં આવેલ.
આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ ધર્મગુરુઓએ પોતાના હૃદયની ભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર પરેશભાઈ દવે, સુરત ઝોન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કાર્યકર રાહુલ સંઘવી ટીબી એસએમસી સુરત ઓફિસર ડો.ભાવિન પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
(3:08 PM IST)










