તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 10th September 2024
રસ્તાઓનો બૂકડો બોલી ગયો છેઃ સ્ટેટ-નેશનલ હાઇવે રીપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેકસ બંધ કરો
હાઇવે પરના મોટા ખાડા-આખલાઓનો ત્રાસ-અપૂરતી સુવિધા અંગે પણ રજૂઆતો... શહેર કોંગ્રેસનું મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદનઃ અનેક માંગણીઓ દર્શાવી શહેર કોંગ્રેસ દ્વારા હાઇવે પરના રસ્તાઓ અંગે કલેકટરને આવેદન પાઠવાયું તે નજરે પડે છે

.રાજકોટ તા. ૧૦: શહેર કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી વાહન ચાલકોને પડતી હાલાકી અને ભાંગેલા રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલટેકસ બંધ કરવા માંગણી કરી હતી, આજે હાઇવે પર મસ મોટા ખાડા, આખલાઓનો ત્રાસ, અપૂરતી સુવિધાઓના પગલે રજૂઆતો કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, ગુજરાત રાજયમાં એક વર્ષમાં ૯૦ કરોડ અને છ વર્ષમાં ૧૯ હજાર કરોડ રૂપિયા ટોલ ટેકસમાંથી ગુજરાતમાંથી વાહન ચાલકો પાસેથી લેવાયા છે તેમ છતાં રાજકોટ સહિત તમામ જીલ્લાઓમાં સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે રસ્તાઓનો ભાંગીને ભુકો થયા છે. તમામ હાઇવે પર રખડતા ઢોર અને આખલાઓનો ભારે ત્રાસ ને પગલે અનેક પ્રાણઘાતક અકસ્માતોથી કોઇકના લાડકવાયા કે કોઇકના કંધોતર છીનવાયા છે જે સરકારના રેકોર્ડ પર મૌજૂદ છે. જે પગલે અમારી માંગણીઓ છે જે બાબત હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કરવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અપીલ કરે છે.
ગુજરાતભરમાં રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેકસ ભરવા માટે સંપૂર્ણ પણે મુકિત આપવી. એકપણ ટોલ બુથ પર શૌચાલય કે બાથરૂમની સુવિધા છે નહીં જેનું સુપરવીઝન કરવાની આવશ્યકતા છે.
આ પ્રકારના રસ્તાઓ બિમાર વ્યકિતઓ તેમજ નાગરીકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે એ પ્રકારે હાઇવે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. રસ્તા પર જે વાહનો ખરાબ થાય તે વાહનો બંધ હાલતમાં હોય હાઇવે પર પડયા રહે છે તેને કારણે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે આ પ્રકારના વાહનો તાત્કાલીક ટોઇંગ કરવાનો કાયદો ફકત કાગળ પર છે. ટોલ બુથ પર કેટલા વર્ષ સુધીનો કરાર છે અને તે કયારે પૂર્ણ થાય છે તે અંગે વાહન ચાલકોને દેખાય તે પ્રકારે સાઇનીંગ બોર્ડ હોવા જરૂરી.
આવેદન દેવામાં અગ્રણીઓ સર્વશ્રી અતુલ રાજાણી, વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડી. પી. મકવાણા, ગોપાલ અનડકટ, ધરમભાઇ કામલીયા, મેઘજીભાઇ રાઠોડ વિગેરે જોડાયા હતા.
(4:12 PM IST)










