<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ચેનલના કેમેરામેન અભય ત્રિવેદી પર સાસુ-સસરા-સાળાનો છરી, પાઇપ, દસ્‍તાથી હુમલોઃ લોહીલુહાણ

દસ મહિનાથી પત્‍નિ માવતરે રહે છેઃ પાંચ મહિનાની દિકરીને રમાડવા દર બુધવારે સસરાના ઘરે જવાનું નક્કી થયું હોઇ ત્‍યાં ગયો હતો : દિકરીને રમાડતી વખતે અભયએ ‘પાંચ બુધવારથી મારો ફોન કેમ ઉપાડતા નહોતા?' તેવું પુછતાં સસરા રાજેશભાઇ જોષી, સાળો શુભમ્‌ અને સાસુ હેતલબેન ઉશ્‍કેરાયા અને તૂટી પડયા : માથામાં છરીના પાંચ ઘા, મારી નાખવાની ધમકી આપતું કોલ રેકોર્ડિંગ રજૂ કરાયું: હત્‍યાની કોશિષનો ગુનો નોંધવા માંગણી

રાજકોટ તા. ૧૨: શહેરની પીડીએમ કોલેજ પાછળ રહેતાં અને ન્‍યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે નોકરી કરતાં યુવાનને માધાપરમાં તેના સસરા, સાળા અને સાસુએ છરી, પાઇપ અને દસ્‍તાથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખતાં હોસ્‍પિટલના બિછાને પહોંચવું પડયું છે. પત્‍નિ દસેક માસથી માવતરે જ રહેતી હોઇ નક્કી થયા મુજબ આ યુવાન દર બુધવારે પાંચ માસની દિકરીને રમાડવા સસરાને ત્‍યાં જાય છે. ગત રાતે પણ તે ત્‍યાં ગયો અને પાંચ બુધવારથી કેમ મારા ફોન ઉપાડતાં નથી? તેમ પુછતાં હુમલો થયો હતો.

હુમલામાં ઘાયલ ન્‍યુઝ ચેનલના કેમેરામેન અંબાજી કડવા પ્‍લોટ પીડીએમ કોલેજ પાછળ રહેતાં અભય રમેશચંદ્ર ત્રિવેદી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી માધાપર ગામ ઇશ્વરીયા મેઇન રોડ પર સિંધોઇનગર ચિત્રકુટ મકાન ખાતે રહેતાં તેના સસરા રાજેશભાઇ જોષી, સાસુ હેતલબેન જોષી અને સાળા શુભમ્‌ જોષી વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો છે.

અભય ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે હું માતા સાથે રહુ છું અને ન્‍યુઝ કેપીટલમાં કેમેરામેન તરીકે નોકરી કરી ગુજરાન ચલાવુ છું. ચારેક વર્ષ પહેલા મેં પ્રિયંકા રાજેશભાઇ જોષી સાથે આર્ય સમાજમાં એરેન્‍જ મેરેજ કર્યા છે. મારે સંતાનમાં દિકરી છે. છેલ્લા દસેક મહિનાથી મારી પત્‍નિ પ્રિયંકા મારાથી અલગ તેના માવતરના ઘરે રહે છે. દિકરી વેદીકા પણ તેની સાથે જ રહે છે. મારા સસરા રાજેશભાઇએ એવુ નક્કી કર્યુ હતું કે મારે દિકરી વેદીકાને જોવી હોય કે રમાડવી હોય તો દર બુધવારે રાતે નવ વાગ્‍યાથી સાડાનવ વાગ્‍યા સુધી તેના ઘરે જવું અને એ પણ સસરાની હાજરી હોય ત્‍યારે જ જવું.

દરમિયાન ૧૧મી તારીખે બુધવાર હોઇ હું રાતે સાડા નવેક વાગ્‍યે મારા સસરાના ઘરે માધાપર ખાતે દિકરીને રમાડવા ગયો હતો. એ વખતે મારા સસરા, સાસુ, સાળો અને મારી પત્‍નિ ઘરે જ હાજર હતાં.  મારી પત્‍નિ બીજા રૂમમાં હતી. અમે બધા હોલમાં હતાં. હું મારી દિકરીને રમાડતો હતો ત્‍યારે મેં મારા સસરાને પુછ્‍યું હતું કે છેલ્લા પાંચ બુધવારથી હું તમને ફોન કરતો હતો પણ તમે કેમ મારો ફોન ઉપાડતાં નહોતાં? આ કારણે મારા સસરા ઉશ્‍કેરાઇ ગયા હતાં અને મને જેમ ફાવે તેમ બોલવા માંડયા હતાં.

આ દરમિયાન મારા સાળાએ મારી પાસેથી મારી દિકરીને લેવાનો પ્રયાસ કરતાં મેં તેને દિકરી ન આપતાં સસરા ઘરમાં પડેલી છરી લાવ્‍યા હતાં અને મને માથાના ભાગે આડેધડ ચાર-પાંચ ઘા મારી દીધા હતાં. આ પછી મારા સાળા શુભમ્‌ે મને લોખંડના પાઇપનો ઘા માથામાં અને બંને હાથ, પગ પર ફટકારતાં ઇજાઓ થઇ હતી. સસરો અને સાળો મને મારી નાખવાની ધમકી પણ આપતાં હતાં. આ દરમિાયન મારા સાસુ હેતલબેને મસાલા ખાંડવાના લોખંડના દસ્‍તાનો ઘા મારતાં મુંઢ ઇજા થઇ હતી.

હું ગમે તેમ કરીને ત્‍યાંથી નીકળી ગયો હતો અને મારા બાઇક પર માધાપર ચોકડીએ પહોંચ્‍યો હતો. ત્‍યાંથી મેં મિત્ર ઋષીભાઇ દવેને ફોન જોડતાં તે આવી ગયા હતાં અને મારા બનેવી મહેશભાઇ જોષીને પણ ફોન કરીને બોલાવતાં તે પણ આવી જતાં મને હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ગાંધીગ્રામ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ યુ. આર. ભટ્ટે ગુનો દાખલ કરતાં પીએસઆઇ એ. એસ. મકરાણીએ વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન આ બનાવમાં હત્‍યાની કોશિષની કલમ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદી તરફથી રજૂઆત કરવામાં આવી છે. માથામાં છરીના પાંચ ઘા છે અને ધમકી અપાતી હોય તેવું કોલ રેકોર્ડિગ પણ છે. ડીસીપી જગદીશ બાંગરવા સમક્ષ આ અંગે રજૂઆત થતાંગંભીર કલમનો ઉમેરો કરવા સુચના અપાશે તેમ જણાવાયું હતું.  (૧૪.૯)

 

(3:01 PM IST)