તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
રાજકોટ જિલ્લામાં ૫૦૬ ગામોમાં ખેતીના પાકને નુકશાન
૧૦૮ ગામમાં સર્વે પૂરો : ૬૪૮૫ હેકટર જમીન - પાકની ૩૩ ટકાથી વધુ નુકશાની બહાર આવી : ૫૭ ટીમો દ્વારા કામગીરી : જસદણ - વિંછીયામાં નુકશાન નથી : કપાસ - મરચા - તુવેરમાં વધુ નુકશાની : પ્રાથમિક રીપોર્ટમાં ૫ાા કરોડનું નુકશાન બહાર આવ્યું : ૧૪મીથી ‘સ્વચ્છતા હી સેવા' અભિયાન : ૩૧મી ઓકટોબર સુધી ચાલશે : તમામ જાહેરસ્થળો - ધાર્મિક સ્થળો - પ્રવાસન સ્થળો - આઇકોનિક ક્ષેત્રો - દરેક ગામ - પાલીકા આવરી લેવાશે : નાગરિકો - રાજકીય - સામાજિક - ધાર્મિક આગેવાનો ખાસ જોડાશે : સેનીટેશન - સફાઇ તાલીમો યોજાશે

રાજકોટ તા. ૧૨ : તાજેતરના ભારે વરસાદ - પૂરને કારણે રાજકોટ જિલ્લામાં ખેતીની જમીન અને પાકને ભારે નુકસાન થયું છે. આ પછી ગયા અઠવાડિયે સર્વે શરૂ થયો છે.
આ અંગે માહિતી આપતા કલેકટરે જણાવ્યું હતું કે, હાલ પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે, કુલ ૫૦૬ ગામોમાં ખેતીના પાકને નુકસાન થયું છે, ૧૦૮ ગામોમાં સર્વે પૂરો થયો છે, હાલ ૫૭ ટીમો કામ કરી રહી છે.
કલેકટરે જણાવ્યું કે, જે ૧૦૮ ગામોમાં સર્વે પૂરો થયો તેમાં ૬૪૮૫ હેકટર જમીન એવી છે કે જેમાં ખેતીની જમીન અને પાકને ૩૩ ટકાથી વધુ નુકશાની થઇ છે, આ ખેડૂતોને સહાય મળશે.
શ્રી પ્રભવ જોશીએ ઉમેર્યું હતું કે, જસદણ - વિંછીયા પંથકમાં નુકશાની ન હોય તે વિસ્તાર આમા લેવાયા નથી, બાકી ઉપલેટા, જામકંડોરણા સહિત તમામ તાલુકામાં સર્વે ચાલુ છે, ખાસ કરીને કપાસ, મરચા, તુવેરના પાકને ભારે નુકસાન છે, જે સર્વે પૂરો થયો તેના પ્રાથમિક અંદાજ મુજબ ૫ાા કરોડનું નુકસાન છે, ૨ થી ૩ દિવસમાં સર્વે પૂર્ણ કરી લેવાશે અને બાદમાં સરકારને રીપોર્ટ કરી દેવાશે.
સ્વચ્છતા હી સેવા
કલેકટરે જણાવેલ કે, રાજકોટ સહિત રાજ્યભરમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન તા. ૧૪મીથી શરૂ થશે, જે ૩૧ ઓકટોબર સુધી ચાલશે.
આ દરમિયાન તમામ જાહેર સ્થળે, આઇકોનિક વિસ્તારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક ક્ષેત્રો, તમામ ગામ, નગરપાલિકા વિસ્તારોમાં જનજાગૃતિ અને જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાન ચલાવાશે, સફાઇ કર્મચારીઓને વિવિધ યોજનામાં મળતા લાભ - તેની સ્કીમો ઉજાગર કરાશે, સેનીટેશન - સેફટી અંગે તાલીમ અપાશે, આ અભિયાનમાં જિલ્લાના તમામ નાગરિકો, રાજકીય નેતાઓ, સામાજીક - ધાર્મિક આગેવાનો જોડાશે.










