<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સિવિલના એક તબિબને સસ્‍પેન્‍ડ કરવાની, બીજાને વીકઓફમાં વૃધ્‍ધાશ્રમમાં સેવા આપવાની ભલામણ

સારવાર કરવી ન પડે તે માટે બિનવારસ વૃધ્‍ધાને સ્‍ટ્રેચરમાં રાખી પોસ્‍ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દેવાની ઘટનામાં તપાસ સમિતીનો રિપોર્ટ આવતાં સર્જીકલ વોર્ડના બે રેસિડેન્‍ટ વિરૂધ્‍ધ કડક કાર્યવાહી બંને તબિબે એક મહિના અને સાત દિવસના સ્‍ટાઇપેન્‍ડ રોગી કલ્‍યાણ સમિતીમાં જમા કરાવવાઃ તપાસ સમિતીએ બીજી પણ અનેક ભલામણો કરીઃ ઇમર્જન્‍સીમાં દરેક વિભાગના રેસિડેન્‍ટ હાજર ન હોય તો વડાને જાણ કરવીઃ વોર્ડમાં દરેક કર્મચારીઓએ ફરજીયાત આઇ કાર્ડ પહેરવાઃ ન પહેરે તો સિક્‍યુરીટીને જાણ કરવી ચોથા વર્ગના ૧૦ વધુ કર્મચારી ખાસ બિનવારસી દર્દીઓની દેખરેખ માટે જ ફાળવવા પણ સમિતિની ખાસ ભલામણ તબિબી અધિક્ષકે ડીનને રિપોર્ટ મોકલ્‍યોઃ હવે ડીન દ્વારા ડો. હેત અને ડો. જૈમન વિરૂધ્‍ધ કાર્યવાહીની તજવીજ દર્દની દવા કરાવવા આવતાં દર્દીઓ ડોક્‍ટરને ભગવાન સમજતાં હોય છે...પણ અહિ બે ડોક્‍ટર માનવતાને શર્મસાર કરી નિષ્‍ઠુર બની ગયા હતાં

રાજકોટ તા. ૧૨: પીડીયુ સિવિલ હોસ્‍પિટલ વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. અહિ સર્જીકલ વોર્ડમાં ગત પાંચમી તારીખે રાતે દાખલ કરાયેલા નિરાધાર વૃધ્‍ધાની સારવાર ન કરવી પડે તે માટે તબીબે તેમને સ્‍ટ્રેચરમાં સુવડાવી પોસ્‍ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દીધાની ઘટનામાં તપાસ સમિતિએ તપાસ કરી રિપોર્ટ તબિબી અધિક્ષકને સોંપતાં તબીબી અધિક્ષક  દ્વારા આ રીપોર્ટ ડીનને આગળની કાર્યવાહી કરવા માટે મોકલી આપ્‍યો છે. જેમાં એક તબિબને સસ્‍પેન્‍ડ કરવા અને એક મહિનાનું સ્‍ટાઇપેન્‍ડ રોગી કલ્‍યાણ સમિતીમાં જમા કરાવવા અને બીજા ડોક્‍ટરનું સાત દિવસનું સ્‍ટાઇપેન્‍ડ રોગી કલ્‍યાણમાં જમા કરાવવા તેમજ ચાર વિક ઓફ દરમિયાન વૃધ્‍ધાશ્રમમાં સારવાર-સંભાળ રાખી તેનું સર્ટિફિકેટ ડીન તથા તબિબી અધિક્ષક સમક્ષ જમા કરાવવા  સમિતીએ ભલામણ કરી છે.

ઇલાબેન લોઢીયા ક્‍વાર્ટર પાસેથી ગત પાંચમીએ ઇલાબેન ભાસ્‍કર નામના વૃધ્‍ધાને સારવાર માટે ઇમર્જન્‍સીમાં લાવવામાં આવ્‍યા બાદ સર્જીકલ વોર્ડમાં દાખલ કરાયેલ. ત્‍યારે હેલ્‍પ ડેસ્‍કના સ્‍ટાફે તેમની નોંધ કરી હતી. બીજા દિવસે હેલ્‍પ ડેસ્‍કનો સ્‍ટાફ આ વૃધ્‍ધાની સારસંભાળ માટે જતાં તે જોવા ન મળતાં તપાસ કરતાં તેઓ સ્‍ટ્રેચરમાં પોસ્‍ટમોર્ટમ રૂમ પાસેથી મળી આવ્‍યા હતાં. તબિબોએ તેમને આ રીતે રઝળતા મુકી દીધાની ચર્ચાએ તબિબી અધિક્ષક મોનાલીબેન માકડીયાએ તપાસ સમિતી રચી હતી. આ સમિતીએ રિપોર્ટ આપી દીધો છે.

તપાસ સમિતિએ આ કિસ્‍સામાં તપાસ કરી ભલામણ કરી છે કે ડૉ. જૈનમને સસ્‍પેન્‍ડ કરવા તેમજ એક  મહિનાનું સ્‍ટાઈપન્‍ડ રોગી કલ્‍યાણ સમિતીમાં જમા કરાવવાનું અને ડો. હેતને ૭ દિવસનું સ્‍ટાઇપન્‍ડ રોગી કલ્‍યાણ સમિતમાં જમા કરાવવું. તેમજ ડૉ. જૈનમને દર અઠવાડિયે મળતા વિકલી ઓફમાંથી આવતા ૪ અઠવાડિયાના વિક ઓફ દરમ્‍યાન સદ્દભાવના વળધ્‍ધાશ્રમના રહેવાસીઓની સારસંભાળ તેમજ મેડિકલ તપાસ કરવા માટે જવુઅને આ બાબતનું પ્રમાણપત્ર સદભાવના વળધ્‍ધાશ્રમ પાસેથી મેળવીને ડીન તથા તબીબી અધિક્ષકની ઓફિસમાં સોશિયલ સર્વિસનાં ભાગ રૂપે જમા કરાવવું. આ પ્રકારની ભલામણ સમિતિએ રિપોર્ટમાં  કરી છે.

આ ઘટના બાદ સમિતીએ એવી પણ ભલામણ કરી છે કે ઇમર્જન્‍સી વોર્ડમાં દરેક વિભાગના રેસિડન્‍ટ  ડોક્‍ટર જો તેમના  ડયુટી લિસ્‍ટ પ્રમાણે હાજર ન હોય તો નોન એમએલસી ડયુટી ડોક્‍ટર્સ દ્વારા જે તે વિભાગના વડાને જાણ કરવી.

તેમજ વોર્ડમાં ફરજ બજાવતાં દરેક અધિકારી/કર્મચારીએ ફરજિયાત પણે તેમનું આઇડી કાર્ડ પહેરી રાખવું તેવી પણ ભલામણ કરવામાં આવેલ છે. જો કોઇ કર્મચારી આઇડી કાર્ડ વિના માલુમ પડે તો ડે/નાઇટ સુપરવાઈઝર દ્વારા ડયુટી પરના સિકયુરિટી સ્‍ટાફને યોગ્‍ય કાર્યવાહી માટે જાણ કરે તેવી ભલામણ પણ કરવામાં આવેલ છે.

તપાસ સમિતિ દ્વારા સંપુર્ણ કેસથી વાકેફ થતાં ધ્‍યાને આવેલ છે કે જો સંસ્‍થા તરફથી હાલના મહેકમમાંથી વર્ગ-૪ના ૧૦ કર્મચારીઓને માત્ર અજાણ્‍યા અને બિનવારસી દર્દીઓની સંપુર્ણ દેખરેખ અને સારસંભાળ માટે આરએમઓનાં તાબા હેઠળ ફાળવવામાં આવે તો ભવિષ્‍યમાં આવા બનાવો બનતા નિવારી શકાય અને આ કર્મચારીઓને ઉપરોક્‍ત જવાબદારી આપતા પેહલા ૧૦-દિવસ માટે યોગ્‍ય તાલીમ આપવામાં આવે તેવી ભલામણ પણ કરવામાં આવી છે.

(2:48 PM IST)