<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

પતિ ગૂમ થયાની સાસુ મારફત પોલીસમાં નોંધ કરાવતાં ખબર પડી કે તે બીજી મહિલાને લઇને નાસી ગયો છે!

પ્રથમ પતિ સાથે મનમેળ ન થતાં છુટાછેડા લીધા, બીજા લગ્ન કર્યા પણ તેમાંય ન ઠરી ગુરૂપ્રસાદ ચોક સિટી પ્‍લેટિનિયમ ફલેટમાં રહેતી હર્ષિદાબેન વરણની મહિલા પોલીસમાં પતિ રાજુ વરણ, સાસુ રમિલાબેન, સસરા ધનજીભાઇ વરણ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યોઃ પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં રેખાબેન સાવલીયાએ ગુનો નોંધ્‍યો પતિ વારેઘડીએ ઝઘડા કરી ઘરેથી નીકળી જતો, સાસુ સસરાના ઘરે શોધવા જતી તો તેઓ પણ મારકુટ કરી ધમકી આપતાં હોવાનો આરોપ

રાજકોટ તા. ૧૨: શહેરના ગુરૂપ્રસાદ ચોકમાં રહેતી પરિણીતાને પ્રથમ પતિ સાથે મનમેળ ન થતાં છુટાછેડા લીધા બાદ બીજા યુવાન સાથે ઘરસંસાર માંડયો હતો અને એક સંતાનની માતા બની હતી. પરંતુ બીજા પતિએ પણ બીજીસ્ત્રી સાથે લફરૂ શરૂ કરતાં અને તેના કારણે મારકુટ કરતાં તેમજ છેલ્લે ઘર છોડી નીકળી જતાં  પોલીસમાં ગૂમ થયાની જાણ કરતાં પતિ સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતિ સાથે ગૂમ થઇ ગયાનું જણાતાં ફરિયાદ નોંધાવી છે. પતિ વારેઘડીએ ઘર મુકી જતો રહે ત્‍યારે તેને શોધવા પોતે સાસુ-સસરાના ઘરે જતી તો તેઓ પણ મારકુટ કરી ધમકી આપતાં હોવાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં મહિલા પોલીસે ગુરૂપ્રસાદ ચોક જુની પપૈયાવાડી સીટી પ્‍લેટીનિયમ ખાતે રહેતાં હર્ષિદાબેન રાજુભાઇ વરણ (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી પતિ રાજુ ધનજીભાઇ વરણ (રહે. સિટી પ્‍લેટિનિયમ), સાસુ રમીલાબેન અને સસરા ધનજીભાઇ બધાભાઇ વરણ (રહે. બંને આંબેડકરનગર એસટી વર્કશોપ પાછળ ગોંડલ રોડ) વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

હર્ષિદાબેન વરણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા પ્રથમ લગ્ન રમેશભાઇ સોંદરવા (ધોરાજી) સાથે થયા હતાં. પાંચેક વર્ષ સંસાર ચાલ્‍યો હતો એ દરમિયાન અમે એક દિકરાના માતા-પિતા બન્‍યા હતાં. મનમેળ ન થતાં હું માતા-પિતાના ઘરે આવી ગઇ હતી. એ પછી સહમતીથી અલગ થઇ ગયા હતાં, છુટાછેડા થઇ ગયા હતાં. મારો દિકરો જે હાલ તેર વર્ષનો છે તે પુર્વ પતિ સાથે ધોરાજી છે. નવેક વર્ષ પહેલા મારા પિતાજીના ઘર પાસે રહેતાં રાજુ ધનજીભાઇ વરણ સાથે મારે પ્રેમસંબંધ હોઇ અમે પતિ-પત્‍નિ તરીકે રહેતાં હતાં. આ દરમિયાન દિકરા રૂદ્રનો જન્‍મ થયો હતો જે હાલ આઠ વર્ષનો છે, રૂદ્ર બે વર્ષનો હતો ત્‍યારે મેં અને રાજુએ મંદિરમાં લગ્ન કર્યા હતાં. એ પછી અમે ત્રણેય ગુરૂપ્રસાદ ચોક સિટી પ્‍લેટિનીયમ ફલેટ નં. ૨૦૩માં રહેતાં હતાં.

મારા પતિ રાજુ વરણ ગુરૂપ્રસાદ ચોકમાં આર.વી. ટેલીકોમ નામે દુકાન ચલાવે છે. પતિ રાજુને કોઇ અન્‍યસ્ત્રી સાથે અફેર હોવાની મને જાણ થતાં આ બાબતે અમારે પતિ-પત્‍નિ વચ્‍ચે ઝઘડાઓ થતાં તે મને મારકુટ કરતો હતો. તેમજ વારંવાર તે ઘર મુકીને નીકળી જતાં હતાં. બે મહિના પહેલા પણ તે ઘર છોલડીને જતાં રહ્યા હતાં. હું તેને શોધવા મારા સસરા ધનજીભાઇ વરણના ઘરે આંબેડકરનગરમાં જતાં ત્‍યાં મારા સાસુ રમાબેન (રમીલાબેન) હાજર હતાં. તેણે તું અમારા ઘરે શું કામ આવી?  તારે આવવું નહિ કહી મારકુટ કરી હતી. ત્‍યાં સસરા ધનજીભાઇ આવતાં તેણે પણ ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી.

એ પછી તા. ૩-૯-૨૪ના રોજ પતિ રાજુ વરણ તેના પિતાજીના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી જતાં સાસુએ તે ગૂમ થયાની જાણ માલવીયાનગર પોલીસમાં કરી હતી. બાદમાં મને જાણવા મળેલુ કે મારા પતિ સાધુ વાસવાણી રોડ પર રહેતી માધવી કનુભાઇ બખલકીયા સાથે ગયા છે. પતિને અન્‍યસ્ત્રી સાથે અફેર હોઇ તેની મને જાણ થતાં મારકુટ કરી ઝઘડા કરી ઘર છોડી નીકળી જતાં હતાં. હું સાસુ-સસરાને ત્‍યાં શોધવા જાઉ તો તે પણ માર મારી ધમકી આપતાં હતાં. છેલ્લે મારા પતિ બીજીસ્ત્રી માધવી સાથે નાસી ગયા હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં હર્ષિદાબેને જણાવતાં પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં એએસઆઇ આર. એમ. સાવલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)