News of Thursday, 12th September 2024
યુપી અને બિહારના ૨૦-૨૦ વર્ષના બે યુવાનનો કારખાનાઓની ઓરડીમાં ફાંસો ખાઇ આપઘાત
ગોકુલધામના બગીચા પાછળ અને માંડા ડુંગર પરશુરામ એરિયામાં બનાવઃ બંને બનાવમાં કારણ અકળ

રાજકોટ તા. ૧૨: ગળાફાંસો ખાઇ આપઘાતની વધુ બે ઘટના બની છે. ગોકુલધામ બગીચાની પાછળની શેરીમાં આવેલા કારખાનામાં યુપીના યુવાને આપઘાત કર્યો હતો. બીજા બનાવમાં માંડા ડુંગર નજીક પરશુરામ એરીયામાં ઓરડીમાં રહેતાં બિહારના યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું.
જાણવા મળ્યા મુજબ ગોકુલધામ સોસાયટીના બગીચા પાછળની શેરીમાં આવેલા કારખાનામાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં રહેતાં મુળ યુપીના રોહિત ઉમાશંકર જાદવ (ઉ.વ.૨૦) નામના યુવાને રાતે ઓરડીમાં ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના ઇએમટી બાબુભાઇ મેરે તેને મૃત જાહેર કરતાં માલવીયાનગરના હેડકોન્સ. પૃથ્વીસિંહ ચુડાસમાએ પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મુળ યુપીનો વતની હતો. કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.
બીજા બનાવમાં આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે પરશુરામ એરિયા શેરી નં. ૨માં આવેલા કારખાનાની ઓરડીમાં રહેતાં અને ત્યાં જ મજૂરી કરતાં મુળ બિહારના સુરજ સુભાષભાઇ ઠાકુર (ઉ.વ.૨૦) નામના યુવાને ઓરડીમાં ગળાફાંસો ખાઇ લેતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
બુધવારે રજા હોઇ રાતે તે જમીને ઓરડીમાં સુઇ ગયો હતો. આજે સવારે અન્ય મજૂર તેને કામે જવા બોલાવવા જતાં તે લટકતો મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સુરજ પાંચ ભાઇ અને અને બે બહેનમાં મોટો હતો અને પાંચેક મહિનાથી અહિ કામ કરવા આવ્યો હતો. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી હતી.
(4:12 PM IST)










