તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ઉંદર પકડવાની ગ્લુટ્રેપનું વેંચાણ કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પાંચ વેપારી પકડાયા
ગુંદરમાં ચોંટી ગયા બાદ ઉંદર ડીહાઇડ્રેશન, ભુખમરો અને ગુંગળામણને કારણે પીડાદાયક રીતે મોતને ભેટે છે તાલુકા પોલીસે જીવરાજ પાર્ક, નાના મવા રોડ, મોટા મવાના વેપારીઓ સામે ગુના દાખલ કર્યા

રાજકોટ તા. ૧૩: ઉંદરોને પકડવા માટે ગુંદર યુક્ત જાળ (ગ્લુ ટ્રેપ)ના ઉત્પાદન અને વેંચાણ પર તેમજ ઉપયોગ કરવા પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હોઇ આમ છતાં અમુક વેપારીઓ ઉંદરો માટે ઘાતક એવી ગ્લુટ્રેપનું વેંચાણ કરતાં હોઇ તેની સામે પગલા લેવાનું શરૂ થયું છે.
ગાંધીનગરના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામકના જાહેરનામા સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા સૂચનાઓ આપવામાં આવી હોઇ જેના ભાગરૂપે ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો. તે અંગર્તગ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામુ અમલમાં મુકાયું છે. આમ છતાં અમુક વેપારીઓ રાજકોટ શહેરમાં ગ્લુટ્રેપનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતાં હોઇ તેની સામે પોલીસે પગલા લેવાનું શરૂ કર્યુ છે. આવા પાંચ વેપારીઓ સામે જાહેરનામા ભંગ બદલ તાલુકા પોલીસે ગુના દાખલ કર્યા છે.
તાલુકા પોલીસે જીવરાજ પાર્ક મેઇન રોડ પર આવેલા બે પ્રોવીઝન સ્ટોરના સંચાલકો મહેશભાઇ મધુભાઇ ગઢીયા (ઉ.વ.૩૧-રહે. ડ્રીમ હીલ્સ બી-૬૦૧), પીન્ટુભાઇ જમનભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૮-રહે. બસેરા હાઇટ્સ બ્લોક ૨૦૨), અંબીકા ટાઉનશીપની બાજુમાં દૂકાન ધરાવતાં ભાવેશભાઇ રતીભાઇ ફળદુ (ઉ.વ.૫૩-રહે. ફોર્ચ્યુન હોટેલ પાછળ વૃંદાવન એપાર્ટમેન્ટ -૪૦૧), મોટા મવા ગરબી ચોકમાં પ્રોવીઝન સ્ટોર ધરાવતાં ફીરોઝઅલી હબીબભાઇ મેંદરાણી (ઉ.વ.૩૭-રહે. અમિવર્ષા સોસાયટી ડી-૭૩ મોટા મવા) અને નાના મવા રોડ ગોવિંદ પાર્ક ન્યુ પુજા કોમ્પલેક્ષમાં દૂકાન ધરાવતાં જયેશભાઇ ગોબરભાઇ ગીણોયા (ઉ.વ.૪૨-રહે. ન્યુ ગાંધીનગર સોસાયટી ૩૦૩) વિરૂધ્ધ બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાણી ક્રુરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઇપણ પ્રાણીને બિન જરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઇ કરવામાં આવી છે. ગ્લુટ્રેપ જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવવામા આવે છે. તે બિન ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર જ્યાં ગ્લુ ટ્રેપ લગાવાઇ હોઇ તેની સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ઉંદર ગુંદરની જાળમા પકડાયા પછી પોતાની રીતે મુકત કરવામાં અસમર્થ થઇ જાય છે. જેના પરિણામે ડીહાઇડ્રેશન, ભુખમરો ગુંગળામણને કારણે પીડાદાયક રીતે મરણ પામે છે.
ઉંદરોનુ નિયંત્રણ ઇચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતિઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઇઓનો ભંગ કરતી ન હોવી જોઇએ. આ સુચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રુરતા અધિનિયમ ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામા આવે છે. તે અંતર્ગત રાજકોટ તાલુકા પોલીસના પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા અને અજયભાઇ ભુંડીયાએ ગુનાઓ નોંધવાની કાર્યવાહી કરી હતી
(2:49 PM IST)










