<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

આધાર અને જન્‍મ-મરણ વિભાગમાં સંકલન નહીં : અરજદારો હેરાન - પરેશાન

મનપા તંત્ર ધ્‍યાન આપે ! જન્‍મના દાખલામાં પ્રથમ કોલમમાં જ બાળક સાથે પિતાનું નામ નોંધવાનો નિયમ લાગુ થતાં કેન્‍દ્રમાં અરજદારોની લાઇનો લાગી

રાજકોટ તા. ૧૩ : મનપાના આધારકાર્ડ કેન્‍દ્ર ખાતે દરરોજ અરજદારોની લાઈનો લાગે છે છેલ્લા થોડા સમયથી આધાર ઓથોરીટી અને જન્‍મ મરણ વિભાગ વચ્‍ચે સંકલનના અભાવે અરજદારો પરેશાન છે. આધારકાર્ડ કાઢવા માટે રજૂ કરવામાં આવતા જન્‍મના દાખલામાં પ્રથમ કોલમમાં બાળકના નામ સાથે બાળકના પિતા અને અટક માંગવામાં આવતા અને આ નિયમોની જાણકારી જન્‍મ-મરણ વિભાગને સમયસર ન મળતા ઓપરેટરોએ જૂના જન્‍મના દાખલાના આધારે અનેક આધારકાર્ડ બનાવી નાખ્‍યા હતા. જે ઓથોરીટી દ્વારા રિજેક્‍ટ કરાતા નિયમ મુજબ મનપાના આધારકાર્ડ કેન્‍દ્રના અનેક ઓપરેટરોને સસ્‍પેન્‍ડ કરાયા હતા. આજે ઓછા ઓપરેટરો સાથે કામગીરી શરૂ થતાં અરજદારોની ફરી લાઈનો લાગી હતી અને જન્‍મના દાખલામાં સુધારા મુદ્દે પણ દેકારો બોલી ગયો હતો.

દેશમાંવર્ષોથી જન્‍મના દાખલામાં પ્રથમ કોલમમાં વ્‍યક્‍તિનું નામ જયારે બીજી કોલમમાં માતાનુ નામ અને ત્રીજી કોલમમાં પિતાનું નામ લખેલુ આવી રહ્યું છે. જેમાં અટક પિતાના નામ સાથે લખેલી હોય છે. પરંતુ આધાર ઓથોરીટીએ અચાનક પ્રથમ નામની સાથે તેના પિતાનું અટક સાથેનું નામ જન્‍મતારીખના દાખલામાં ફરજિયાત બનાવી નાખ્‍યું જેની જાણકારી જન્‍મ-મરણ વિભાગને આપવામાં ન આવી પરિણામે અગાઉ ત્રણ કોલમમાં નિકળતા નામ સાથેના દાખલાના આધારે આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

પરંતુ આધાર ઓથોરીટી માટે મોટુ રિએક્‍શન આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ ચોંકી ઉઠ્‍યા હતા અને આ બાબતે ઓથોરીટીમાં તપાસ કરતા માલુમ પડેલ કે, નવા નિયમ મુજબ હવે બાળકના નામ સાથે અટક અને પિતાનું નામ પ્રથમ કોલમમાં હોવુ જરૂરી છે. જેના લીધે આ સમય દરમિયાન નિકળી ગયેલા સેંકડો બાળકોના આધારકાર્ડ રિજેક્‍ટ કરવામાં આવ્‍યા હતાં. અને મહાનગરપાલિકાના આધારકાર્ડના નિયમ મુજબ જે ઓપરેટર દ્વારા કાઢવામાં આવેલ આધારકાર્ડ અમુક સંખ્‍યામાં રિજેક્‍ટ  થાય ત્‍યારે તેને નોકરી ઉપરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે.

આ કિસ્‍સામાં આધારકાર્ડ ઓથોરીટી અને જન્‍મ-મરણ વિભાગના સંકલનના અભાવે આધારકાર્ડ ઓપરેટરોને વગરવાંકે સસ્‍પેન્‍ડ કરાતા દેકારો બોલી ગયો છે.

મનપાના સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે આવેલ આધારકાર્ડ કેન્‍દ્રમાં વહેલી સવારથી અરજદારની લાઈનો લાગી હતી. તપાસ કરતા માલુમ પડેલ કે, દરરોજ છ કીટથી કામ કરવામાં આવતું હોય છે. જેની સામે આજે ફક્‍ત ચાર કિટ ચાલુ રાખવામાં આવેલ જેનું કારણ પણ બે મહિલા ઓપરેટરોને સસ્‍પેન્‍ડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ અને શા માટે સસ્‍પેન્‍ડ થયા તે મુદ્દે આધારકાર્ડ વિભાગના અધિકારીએ જણાવેલ કે, મોટુ રિજેક્‍શન આવતા આધારકાર્ડ કાઢનાર ઓપરેટરોને નિયમ મુજબ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. અને આ મુદ્દે ઓથોરીટી સાથે ચર્ચા કરવા પત્ર લખવામાં આવ્‍યો છે.

આધારકાર્ડ વિભાગના જણાવ્‍યા મુજબ હવે જન્‍મના દાખલામાં બાળકના નામ સાથે પિતાનું નામ અને અટક જન્‍મ મરણ વિભાગમાં કરી આપવામાં આવે છે. પરંતુ તેનો આધાર પુરાવો પિતાના આધારકાર્ડ ઉપરથી લેવામાં આવી રહ્યો છે. છતાં આજની તારીખે જૂના ત્રણ કોલમ વાળા જન્‍મના દાખલાઓ સાથે અરજદારો આવી રહ્યા છે. અને આધારકાર્ડ કેન્‍દ્રમાં કર્મચારીઓ સાથે તેમજ ઓપરેટર સાથે મગજમારી કરી રહ્યા હોય તેઓને પુરુ નામ કરાવવા માટે સમજાવીને જન્‍મ-મરણ વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે.

 આમ બે વિભાગના સંકલનના અભાવે અનેક ઓપરેટરોને નોકરી ગુમાવવાનો વારો આવ્‍યો છે. જેની સામે છેલ્લા બે માસથી અરજદારો પણ પરેશાન થઈ રહ્યા છે

(3:37 PM IST)