<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

સોમવારે પૈગમ્‍બર જયંતિ : રાજકોટમાં જુલૂસ : કાલે પવિત્ર રાત્રિ

ઠેરઠેર મનાવાતો મીલાદોત્‍સવઃ પરમ દી' સવારે પ.ર૦ વાગ્‍યે મસ્‍જીદો સલામીથી ગૂંજી ઉઠશે : મસ્‍જીદ-મદ્રેસા-મકાનો-મઝારોને શણગારઃ મુસ્‍લિમ વિસ્‍તારોમાં રોશનીઃ આ વખતે ‘ઇદે મીલાદ' સોમવારે ઉજવાતા બેવડો ઉત્‍સાહ : રાજકોટના વિવિધ વિસ્‍તારોમાંથી સવારે ૯ વાગ્‍યે પ્રારંભ થઇ બપોરે રાબેતા મુજબ જુલૂસ ગેબનશાહપીર દરગાહે સંપન્ન થશે : યૌમુન્નબી કમિટી દ્વારા સેવાકીય કાર્યો : પક્ષીઓને ચણ, પશુઓને ચારો : મધરટેરેસા આશ્રમમાં જમણવાર : દર્દીઓને ફ્રૂટ વિતરણ : બેથી અઢી લાખ મુસ્‍લિમ બિરાદરો નાના-મોટા વાહનો ફલોટસ સાથે પગપાળા ચાલીને જુલૂસમાં જોડાશે

 રાજકોટ તા. ૧૪ :  આગામી સોમવારના રોજ પૈગમ્‍બર સાહેબનો જન્‍મોત્‍સવ ભવ્‍યતાથી ઉજવવામાં આવનાર છે. બીજી તરફ આ વખતે ઇદે મીલાદ   સોમવારે ર્ે ઉજવવામાં આવનાર હોય  શનિ/ રવિની રજાના દિવસના લીધે બમણો ઉત્‍સાહ પ્રવર્તે છે.

ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક અને મહાન અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબનો જન્‍મોત્‍સવ ‘ઇદે મીલાદ' ના સ્‍વરૂપે સોમવારે ઉજવવામાં આવનાર છે.

આ પૂર્વે કાલે સોમવારે આખી રાત મસ્‍જીદો ખુલ્લી રહેશે અને સોમવાર  વ્‍હેલી સવારે પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવને વધાવવામાં આવશે, આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ‘ઇદે મીલાદ' ની ખાસ વિશેષતા મુજબ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગામે ગામ સોમવારે ‘જુલૂસઁ યોજવામાં આવશે.

રાબેતા મુજબ સોમવારે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્‍બર સાહેબની પ્રસંશામાં ભવ્‍ય જૂલૂસ નિકળનાર છે જે લતે લતે મસ્‍જીદેથી નિકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થશે.

પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતિ ઉજવવા મુસ્‍લિમ સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

પૈગમ્‍બર સાહેબની ૧૪પ૩ મી જન્‍મ જયંતિ છે. જે દર વર્ષે ‘ઇદે મીલાદઁ ના સ્‍વરૂપમાં ઉજવવામાં આવે છે. અને એ દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્‍વલની ૧ર મી તારીખે ઉજવાય છે.

જો કે, ગત તા. ૪/૯ ના સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રીથી લતે લતે એ રાત્રીથી જ ૧ર દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની કાલે રાત્રીના પુર્ણાહૂતિ થનાર છે.

 

ખાસ કરીને ઇસ્‍લામ ધર્મની આ સૌથી મોટી ઇદ હોઇ જે ને ઇદે મિલાદ કહેવામાં આવે છે. અને તેમાં પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાવાના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જૂલુસ કાઢવામાં આવે છે અને તેમાં મુસ્‍લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે.

સૌરાષ્‍ટ્રભરમાં સોમવારે સવારના સમયે જુલુસ નીકળનારા છે એ પૂર્વે કાલે રવિવારના રાત્રીના મોડી રાત સુધી મસ્‍જીદોમાં મીલાદ-વાઅઝ-ર્કુઆન ખ્‍વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્‍બર સાહેબના જન્‍મ સમયે સોમવારે વ્‍હેલી સવારે પ.ર૦ વાગ્‍યે દરેક મસ્‍જીદોમાં ‘સલામી' અર્પિત  કરી પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવને વધાવવામાં આવશે.

એ પૂર્વે મસ્‍જીદોમાં પરોઢિયે ૪.૪પ વાગ્‍યાથી મીલાદ શરીફ પઢવામાં આવશે અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્‍જીદોમાં ૬-૪પ વાગ્‍યે મીઠાઇ નિયાઝ વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્‍લિમ સમાજનો સૌથી પ્‍યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની-શણગાર કરવામાં આવ્‍યો છે. મસ્‍જીદ મદ્રેસા દરગાહોને શણગારવામાં આવ્‍યા છે. અને ચોતરફ ઝંડા લ્‍હેરાવવામાં આવ્‍યા છે.

છેલ્લા ૧૦ દિ'થી મુસ્‍લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્‍સવ ચાલી રહ્યો છે. ત્‍યારે જુલુસને સફળ બનાવવા પણ મુસ્‍લિમ સમાજમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તિ રહ્યો છે. આ તકે મૂસ્‍લિમ સમાજ જડબેસલાક બંધ પાળીને જુલુસમાં જોડાનાર છે.

બીજી તરફ મુસ્‍લિમ વિસ્‍તારોમાં દરેક મકાનો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હોઇ મુસ્‍લિમ વિસ્‍તારો રાત થતાં જ ઝળહળી ઉઠે છે.

અત્રે એ નોંધનીય છે કે પૈગમ્‍બર સાહેબનો જન્‍મ અરબસ્‍તાનના મક્કા શહરેમાં થયો હતો એ દિવસે ‘‘સોમવાર'' હતો અને આ વખતે તેઓના જન્‍મદિવસ ‘‘ઇદેમીલાદ'' વેળા સોમવાર જ હોઇ મુસ્‍લિમ સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તે છે. 

યૌમુન્નબી કમિટી (રાજકોટ) ની યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ શહેરમાં ઇદ એ મિલાદુન્નનબીની ઉજવણી સાથે સોમવારે સવારે શાનદાર ઝુલૂસ નીકળશે.

શહેરના ખતીબ, સુન્ની મુસ્‍લિમોના ધાર્મિક વડા, જ્ઞાતીના આગેવાનો તેમજ હિન્‍દુ સમાજના અગ્રણીઓ પણ ઝુલૂસમાં જોડાશે રાજકોટ શહેર યૌમુન્ના નબી કમિટીના જણાવ્‍યા મુજબ ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક અને રહેમતુલ્લલીલ આલમીન કે જેમને સમગ્ર વિશ્વને શાંતિ, એકતા, ભાઇચારાની ભાવનાનો સંદેશો આપ્‍યો તે શાંતિદૂધ ઇસ્‍લામ ધર્મના મહાન સ્‍થાપક હઝરત મોહમ્‍મદ પૈગમ્‍બર સાહેબ કે જન્‍મદિવસ ઇદે-એ-મિલાદને દુનિયાભરના મુસ્‍લિમો શ્રધ્‍ધાપૂવૃક ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇદ-એ-મિલાદની શાનદાર ઉજવણી રાજકોટ શહેરમાં શાંતિ, અમન, ભાઇચારાનાી ભાવનાથી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ઝુલૂસના આગલા દિવસે તા. ૧પ-૯-ર૦ર૪ ના સવારે યૌમુન્ન નબી કમિટી દ્વારા સેવાકીય કાર્યોની મહેક પ્રસરાવવામાં આવશે. જેમાં સિવિલ હોસિપટલોમાં ફ્રુટ વિતરણ, કબુતર તેમજ પક્ષીઓને ચણ, ગાયો માટે ઘાસચારો, મધર ટેરેસા આશ્રમમાં જમણવાર સહિતના કાર્યો કરી મુસ્‍લિમ સમાજ દ્વારા માનવતાની જયોત પ્રગટાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલે રવિવારે મોટી રાતના દિવસે શહેરની ૪ર થી પણ વધુ મસ્‍જીદોમાં મોટી રાતની નમાઝ અદા કરવામાં આવશે. આ ઉપરાંત જેનું સૌથી વધુ મહત્‍વ છે તે હુઝુરના બાલ મુબારકના દિદાર પણ કરવામાં આવશે. ત્‍યારબાદ મુસ્‍લિમોના પવિત્ર આકા મહાન પથદર્શક તાજદારે મદીના આકાએ નામદાર વિલાદતના પર્વના મુબારક વધામણા કરવામાં આવશે.

આ ઉપરાંત ૧ર દિવસ દરમ્‍યાન શહેરના વિવિધ વિસ્‍તારમાં યોજાયેલા વાએઝ-તકરીર (કથા) ના પ્રોગ્રામમાં મૌલાના -પેશઇમામ સાહેબો દ્વારા ઇસ્‍લામ શુ઼ છે, ઇસ્‍લામમાં આતંકવાદને કોઇ સ્‍થાન નથી. આતંકવાદનો કોઇ ધર્મ નથી. દેશ પ્રત્‍યે મોહબ્‍બત, દરેક ધર્મના લોકો સાથે ભાઇચારો, પાડોશીનો ધર્મ તેના જાહેર તકરીરો કરી મસ્‍જીદો અને વિસ્‍તારમાં દેશમાં શાંતિ, એકતા, ભાઇચારાની ભાવનાઓ સંદેશાઓ પાઠવી દુઆ-એ -ખેર કરવામાં આવતી હોય છે.

સોમવારે સવારે ૯ કલાકે વિવિધ વિસ્‍તારોમાંથી ઝુલૂસો નીકળી સવારે ૧૦ કલાકે ત્રિકોણ બાગ ખાતે એકઠા થશે. શહેરના ઝુલૂસ દરમિયાન વિવિધ સ્‍થળોએ હિન્‍દુ-મુસ્‍લિમ સંસ્‍થાઓ દ્વારા ઝુલૂસનું શાનદાર સ્‍વાગત પણ કરવામાં આવનાર છે.  ઝુલૂસમાં મુસ્‍લિમ બિરાદરો પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ઉત્‍સાહભેર ઇસ્‍લામી લીબાશ એટલે કે સફેદ કપડાં, માથા પર અમામા શરીફ બાંધી હુઝૂરની આન, બાન અને શાનમાં વધારો થાય તે રીતે ઉમટી પડવા યૌમુન્ન નબી કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.

સોમવારે સવારે પરાપીપળીયા, ઘંટેશ્વર, બજરંગવાડી, મોચીનગર, રેલનગર, પોપટપરા, ભીસ્‍તીવાડ, ભોમેશ્વર, હુડકો, પોલીસ હેડ કવાર્ટર, રૂખડીયાપરા, મોચીબજાર, સદરબજાર, ચામડીયા, ખાટકીવાસ, ભગવતીપરા, મુસ્‍લીમ લાઇન, આ બધા વિસ્‍તારના ઝુલૂસો ફુલછાબ ચોક ખાતે ભેગા થઇ ને સદર બજાર, હરીહર ચોક, જયુબેલી ચોક, એસબીઆઇ ચોકથી ત્રિકોણ બાગ પહોંચશે.

આ ઉપરાંત કોઠારીયા સોલવન્‍ટ, મહંમદીબાગ, નુરાનીપરા, રસુલપરા, પીરવાડી, જંગલેશ્વર દુધની ડેરી, રામનાથપરા મનહરપરા, માજોઠીનગર, ધાંચીવાડ, જિલ્લા ગાર્ડન, થોરાળા સહિતના વિવિધ વિસ્‍તારોમાંથી નીકળતા ઝુલૂસ ત્રિકોણબાગ ખાતે એઠક થઇ શહેરી વિસ્‍તારના ઝુલૂસમાં સામેલ થઇ વિરાટ ઝુલૂસમાં પરિવર્તીત થશે. ત્‍યારબાદ તમામ ઝુલૂસો ઢેબર રોડ વનવે એ-ડીવીજન પોલીસ સ્‍ટેશન પાસેથી પસાર થઇ નાગરીક બેંક ચોક, મોચીબજાર, ખટારા સ્‍ટેન્‍ડ થઇને રેલ્‍વે જંકશન થઇને હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે સલાતો. સલામ સાથે વિસર્જન થશે.

(2:57 PM IST)