News of Saturday, 14th September 2024
માતાને મોકલવાના અને દિકરાની સારવાર માટેના પૈસાની ચિંતામાં વાવડીમાં નેપાળી યુવાનનો આપઘાત
પત્નિ બહાર પડોશી સાથે વાતો કરતી'તી ત્યારે દિપેશગીરી ઓરડીના એંગલમાં કપડુ બાંધી લટકી ગયો

રાજકોટ તા. ૧૪: વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક્સ્ટ્રીમ એન્જિનીયરીંગ નજીક પી-૫૧ નંબરની ઓરડીમાં રહેતાં મુળ નેપાળના દિપેશગીરી ઉમેશગીરી નેપાળી (ઉ.વ.૨૩) નામના યુવાને રાતે ઓરડીના લોખંડના એંગલમાં કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
દિપેશગીરી રૂમમાં હતો ત્યારે તેની પત્નિ બહાર પડોશી સાથે બેસીને વાતો કરી રહી હતી. પંદરેક મિનીટ બાદ તેણે રૂમનો દરવાજો ખખડાવતાં નહિ ખોલાતાં બારીને ખેંચીને ખોલીને જોતાં અંદર પતિ લટકતો દેખાતાં દેકારો કરી મુક્યો હતો. પડોશીઓએ ભેગા થઇ દરવાજો તોડયો હતો અને ૧૦૮ને જાણ કરી હતી. જો કે તેના તબિબે દિપેશગીરીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં પીએસઆઇ બી. ડી. ઠાકોર અને કિરીટભાઇ રામાવતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર દિપેશગીરી બે ભાઇમાં નાનો હતો. વાવડીમાં કેટલાક સમયથી રહી મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્ર છે. પત્નિએ પોલીસને જણાવ્યું હતું કે દિકરાને જન્મથી જ આંચકીની બિમારી હોઇ સારવારમાં ઘણો ખર્ચ થાય છે. વતન નેપાળમાં પણ દિપેશગીરીના માતાને પૈસાની જરૂર હોઇ તે મંગાવતા હોઇ તેને આપવા માટેના પૈસા પણ ન હોઇ તે ખુબ ચિંતામાં રહેતો હતો. આ કારણે તેણે આપઘાત કરી લીધાની શક્યતા છે.
(11:46 AM IST)










