News of Saturday, 14th September 2024
નાણાવટી ચોકમાં બૂટલેગર હર્ષદ મહાજનના દિકરા જેનીશે બે મિત્રો સાથે મળી બેંક કર્મચારીની હત્યાનો પ્રયાસ કર્યો
મુળ ગીર સોમનાથના મંડોરનો હિેરન ડોડીયા આલાપગ્રીન સીટી પાસે રહી બેંકમાં નોકરી કરે છેઃ રાતે નાણાવટી ચોક આશાપુરા પાન ખાતે ફાકી ખાવા ઉભો ત્યારે જેનીશ મહાજને કારણ વગર દિવાસળી ફેંકતા તેને ના પાડતાં બીજી દિવાસળી ફેંકી ગાળો દઇ છરીથી તૂટી પડયો :૨૪ વર્ષિય હિરેન પોતાના પર ઘા થતાં જીવ બચાવી ભાગ્યોઃ નજીકની શેરીમાં એક ભાઇની મદદથી મિત્રને ફોન કરી બોલાવતાં હોસ્પિટલમાં ખસેડાયોઃ ગાંધીગ્રામ પોલીસે જેનીશ મહાજન, સુજલ સોલંકી અને સુનિલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો :જેની સામે બેંક કર્મચારી ની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે તે જેનીશ હર્ષદ મહાજન પણ તેના તેની જ છરીથી હુમલો થતાં સારવાર માટે દાખલ થતાં પોલીસે તેની પણ ફરિયાદ નોંધી હતી :હિરેન પર હુમલો કરીને જેનીશ રોડ પર ઉભો હતો ત્યારે ધસી આવેલા ભીસ્તીવાડના રમીઝ અને ગાંધીગ્રામના સાગરે શું છે તારે? કહી તેને પણ છરીના ઘા ઝીંક્યા

રાજકોટ તા. ૧૪: શહેરમાં તાજેતરમાં નામચીન બૂટલેગર હર્ષદ મહાજન વિરૂધ્ધ તેના સાસુ અને સાળીએ અલગ અલગ બે ફરિયાદ યુનિવર્સિટી અને ભક્તિનગર પોલીસમાં નોંધાવી હતી. ત્યાં હવે હર્ષદના દિકરા જેનીશે તેના બે મિત્રો સાથે મળી નાણાવટી ચોકમાં પાનની દૂકાને ફાકી ખાવા ઉભેલા મુળ ગીર સોમનાથ પંથકના બેંક કર્મચારી યુવાન પર સિગારેટ સળગાવ્યા બાદ દિવાસળી ફેંકતા આ યુવાને શા માટે ભાઇ આવુ કરો છો? તેમ કહેતાં તેણે બીજી દિવાસળી ફેંકતા તેની સાથેના મિત્રોને બેંક કર્મચારીએ સમજાવવાનું જણાવતાં જેનીશે ઉશ્કેરાઇ જઇ ટુવ્હીલરમાંથી છરી કાઢી બેંક કર્મીને હાથ, ડોક પાછળ, કાન પાછળ આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી તરફ જેનીશ ઉપર પણ ભીસ્તીવાડ અને ગાંધીગ્રામના બે શખ્સે છરીથી હુમલો કર્યો હતો.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મુળ ગીર સોમનાથના મંડોર ગામના વતની અને અઢી વર્ષથી રાજકોટ આલપા ગ્રીન સીટી પાછળ જીવન શાંતિ સ્કૂલ પાસે અમૃત પાર્ક-૩ બસીરા પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં રહેતાં અને આઇડીપીસી બેંકમાં કન્ઝયુમર ફાયનાન્સમાં નોકરી કરતાં હિરેન કાનાભાઇ ડોડીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી નામચીન બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજનના પુત્ર જેનીશ મહાજન અને તેની સાથેના સુજલ સોલંકી તથા સુનિલ વિરૂધ્ધ હુમલો-હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ હુમલો કરનારા જેનીશ મહાજન પર ભીસ્તીવાડ, ગાંધીગ્રામના બે શખ્સેહુમલો કરતા તે સિવિલમાં દાખલ થયો હતો અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં રીફર થયો હતો. તેની પણ પોલીસે ફરિયાદ નોંધી હતી.
હિરેન ડોડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું શુક્રવારે ૧૩મીએ રાતે સાડા નવેક વાગ્યે નોકરી પરથી છુટી મારા રૂમ ખાતે જવા નીકળ્યો હતો. રાતે દસેક વાગ્યે નાણાવટી ચોકમાં મોમાઇ ચાની હોટેલ પાસે આવેલી આશાપુરા પાન નામની દૂકાને ફાકી ખાવા ઉભો હતો ત્યારે દૂકાને ત્રણેક શખ્સો અગાઉથી ઉભા હતાં. જેમાં એક શખ્સે પીળા કલરનો શર્ટ પહેર્યો હતો. જે દુકાનના થડાને ટેકો દઇને ઉભો હતો અને સિગારેટ સળગાવતો હતો. તેણે દિવાસળી સળગાવી મારા ઉપર ફેંકતાં મેં તેને શું થયું ભાઇ? પુછતાં તેણે બીજી દિવાસળી સળગાવી ફેંકતા મારા શર્ટ પર આવતાં મેં તેને-કેમ ભાઇ વાંક વગર મારા પર દિવાસળી ફેંકો છો? તેમ પુછતાં તે ગાળો દેવા માંડયો હતો. તેની સાથેના બે વ્યક્તિને મેં કહેલું કે-તમારા ત્રિને સમજાવો, મને કારણવગર ગાળો દે છે.
આ બેમાંથી એક શખ્સે પોતાનું નામ સુજલ સોલંકી જણાવ્યું હતું. તેણે મને કહેલુ કે આ જેનીશ મહાજન છે, તે કોઇનું માનશે નહિ, તમે અહિથી જતાં રહો. પરંતુ હું ફાકી લેવા દુકાને ઉભો હતો. આ દરમિયાન જેનીશે મને મા-બહેન સમી ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું અને તેના અન્ય મિત્રને જેનીશે કહેલુ કે સુનિલ આને સમજાવ અહિથી જતો રહે. તેમ કહી મારી સાથે ઝપાઝપી કરવા માંડતાં હું મારો બચાવ કરતો હતો.
આ દરમિયાન જેનીશ મહાજન દોડીને દૂકાનની સામેના ભાગે તેનું એક્સેસ પડયું હોઇ તેમાંથી છરી લઇને આવ્યો હતો અને મારી ઉપર ઘા કરવાનો પ્રયાસ કરતાં મને એક ઘા હથેળીમાં લાગી ગયો હતો. મેં ભાગવાનો પ્રયાસ કરતાં સુનિલ અને અને સુજલે મને રોકીને ગાળો દીધી હતી. આ દરમિયાન જેનીશ ફરીવાર છરીથી તૂટી પડયો હતો અને મને ડોક પાછળ તથા કાનની પાછળ ઘા મારી દેતાં ખુબ જ લોહી નીકળવા માંડયા હતાં. હું ગભરાઇ જતાં આગળ શેરીમાં એક ઘર પાસે ઉભો હતો ત્યારે એક ભાઇ ત્યાં આવતાં મને લોહી નીકળતાં હોઇ તેણે મને પાટો બાંધી દીધો હતો. મેં તેમને કહેલું કે મારા ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢી મારા મિત્રને ફોન જોડી દો.
જેથી એ ભાઇએ મારા મિત્ર જયરાજભાઇ ગોહિલને ફોન જોડી દેતાં મેં તેને ફટાફટ નાણાવટી ચોકમાં આવવા કહેતાં દસેક મિનીટ બાદ મારા મિત્ રજયરાજભાઇ, સાગરભાઇ ચાખોતરા, કેવકભાઇ ગોહિલ સહિતના બાઇક લઇને આવ્યા હતાં અને મને સિનર્જી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ત્યાં પ્રાથીમ સારવાર લીધી હતી. પરંતુ ડોક્ટર હાજર ન હોઇ ત્યાંથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં મને ખસેડયો હતો.
જેનીશ મહાજન, સુજલ સોલંકી અને સુનિલ નામના શખ્સોએ મારી સાથે કારણવગર ઝઘડો કરી ગાળો દીધી હતી અને જેનીશે છરીના ઉપરાછાપરી ઘા કરી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમ વધુમાં હિરેન ડોડીયાએ જણાવતાં પીઆઇ કે. જે. કરપડા, હંસરાજભાઇ ઝાપડીયા સહિતે તેની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. આરોપીઓને ઝડપી લેવા પોલીસે દોડધામ શરૂ કરી હતી.
બીજી તરફ અયોધ્યા ચોક ગોકુલ મથુરા પાછળ અલકનંદા એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટ નં. ૧૦૩માં રહેતા જેનીશ હર્ષદભાઇ માંડલીયા (ઉ.વ.૧૮) પણ ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને પોતાના પર હુમલો થયાનું કહેતાં ગાંધીગ્રામ પોલીસમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ સહિતે નોંધ કરાવી હતી. જો કે તે અહિથી વધુ સારવાર માટે મધુરમ્ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેનીશ માડલીયાની ફરિયાદ પરથી હેડકોન્સ. એસ. જી. ગોસાઇએ ભીસ્તીવાડ ચોકના રમીઝ જુણેજા અને ગાંધીગ્રામના સાગર ખત્રી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
જેનીશે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે હું રાતે સાડા નવ દસેક વાગ્યે નાણાવટી ચોકમાં આશાપુરા પાન ખાતે ફાકી ખાવા ગયો હતો. મારી સાથે મિત્રો સુનિલ ટછયટા પણ હતો. હું ફાકીનો ઓર્ડર આપી રહ્યો હતો ત્યારે મેં દૂકાનવાળા પાસેથી સિગારેટ પણ લીધી હતી. તે વખતે દિવસાળી ફેંકવા મામલે એક અજાણ્યા સાથે માથાકુટ થતાં ગાળાગાળી થતાં મેં મારા એક્સેસની ડેકીમાંથી છરી કાઢી અજાણ્યાને હાથના પંજામાં મારી દીધી હતી. તે ભાગવા જતાં તેની પાછળ દોડી ડોકના ભાગે પણ ઘા માર્યો હતો. તે પછી એ શખ્સ ભાગી ગયો હતો. બાદમાં હું રોડ પર ઉભો હતો ત્યાં એક્સેસ પર રમીઝ જુણેજા અને સાગર ખત્રી આવ્યા હતાં અને કહ્યું હતું કે-તારે શું છે? તેમ કહી ઝપાઝપી કરી મારા હાથમાંથી સાગર ખત્રીએ છરી આંચકી લઇમને ડાબા પડખામાં અને હાથમાં ઘા મારી ીધા હતાં. આ વખતે મારાો મિત્ર એક્સેસ લઇને નીકળતાં તે મને ઘરે મુકી ગયો હતો. બાદમાં મારા ભાઇ આશિષને ફોન કરતાં તે મને હોસ્પિટલે લઇ ગયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:03 PM IST)










