News of Saturday, 14th September 2024
કોર્ટ કેસ પાછો ખેંચી લેવા મામલે ભરત કુગશીયાએ રોણકીના ખેડૂત બંધૂને ધમકી દીધાનો વધુ એક ગુનો
પાંચ છ શખ્સો સાથે વાડીએ જઇ કહ્યું-તમને મારીને જ જેલમાં જઇશું... પોપટપરાના વેપારીને ધમકી આપ્યાનો પ્ર.નગરમાં ગુનો નોંધાયો એ પહેલા તેમના બે ભાઇઓને રોણકીની વાડીએ અજાણ્યા શખ્સો સાથે જઇને ધમકી આપી હતીઃ ગાંધીગ્રામ પોલીસે અલગથી ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: પોપટપરામાં ડેરી ધરાવતાં વેપારીને તેના ભત્રીજાએ કરેલા કોર્ટ કેસમાં સમાધાન કરી લેવાનું કહી નામચીનની છાપ ધરાવતાં ભરત કુગશીયાએ તેની દુકાને જઇ ધમકી દીધી હતી. દરમિયાન તેના બે દિવસ અગાઉ ભરત અને પાંચ છ અજાણ્યાએ આ વેપારીના બે ભાઇઓ રોણકી ગામે તેમની વાડીએ હતાં ત્યારે ત્યાં જઇને પણ કેસ પાછો ખેંચી લેવાનું કહી ધમકી આપી હતી. આ અંગે અલગથી ગુનો દાખલ થયો છે.
પોલીસે આ બનાવમાં નાના મવા શાષાીનગર કૃષ્ણકુંજ, ન્યુ ગાંધી સોસાયટી ખાતે શેરી નં. ૮માં રહેતાં અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતાં વિરજીભાઇ રવજીભાઇ કાકડીયા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી પોપટપરા ૧૨/૫ના ખુણે રહેતાં ભરત રઘુભાઇ કુગશીયા તથા તેની સાથેના પાંચ છ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
વિરજીભાઇ કાકડીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રોણકી ગામે મારી માલિકીની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવુ છું. મારી સાથે દિકરો, પુત્રવધૂ, તેની બે દિકરીઓ રહે છે. મારા પત્નિ હયાત નથી. વર્ષ ૨૦૧૩માં મારા દિકર કલ્પેશ ઉપર ભરત કુગશીયાએ હુમલો કર્યો હતો. આ અંગે અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. તા. ૧૧/૯ના સવારે સાડા નવથી દસ વચ્ચે હું અને મારા મોટાભાઇ કાનજીભાઇ રવજીભાઇ કાકડીયા (ઉ.વ.૭૦-રહે. સત્ય સાઇ રોડ પ્રદ્યુમન પાર્ક સોસાયટી-૩) અમારી રોણકી ગામની વાડીએ ખેતી કામ કરતાં હતાં ત્યારે ભરત કુગશીયા અમારી વાડીના ગેઇટ પાસે આવ્યો હતો અને અમને બંને ભાઇઓને તેની પાસે બોલાવ્યા હતાં.
આ વખતે ભરત સફેદ કલરની સ્કોર્પિયોમાંથી ધોકો લઇને ઉતર્યો હતો અને બંનેને ધમકી આપી હતી કે કેસ પાછો ખેંચી લ્યો નહિતર જાનથી મારી નાખીશ. એ પછી તે નીકળી ગયો હતો. બાદ બપોરે ત્રણેક વાગ્યે હું આસ્થા સાંગ્રીલા સોસાયટી પાછળ અમારી બીજી વાડીે છે ત્યાં આટો મારવા જતો હતો ત્યારે અમારી વાડીના ગેઇટ પાસે ફરીથી ભરત કુગશીયા બીજા પાંચ છ શખ્સો સાથે નંબર વગરની ત્રણ ફોરવ્હીલમાં આવ્યો હતો. ભરત અની બીજા અજાણ્યા પાંચ છ શખ્સો ધોકા લઇને ઉતર્યા હતાં અને મને ધમકી આપી કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું હતું. તેમજ ભરતે કહેલુ કે તને મારીને જ જેલમાં જઇશ. આ પછી ભરત અને અજાણ્યા શખ્સો નીકળી ગયા હતાં. મેં માર મોટાભાઇને વાત કરી હતી. બાદમાં ઘરે જઇ દિકરાને વાત કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં હેડકોન્સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પરમ દિવસે ભરત કુગશીયાએ વિરજીભાઇ કાકડીયાના ભાઇ પોપટપરા મેઇન રોડ પર શેરી નં. ૧૩માં રાધિકા ડેરી ફાર્મ ધરાવતા પ્રવિણભાઇ રવજીભાઇ કાકડીયા (ઉ.વ.૫૬)ની ડેરીએ કાળા રંગની સ્કોર્પિયોમાં જઇ તેના ભત્રીજાના કેસમાં સમાધાન કરી લેવાનું કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુનામાં તેને પોલીસે સકંજામાં લીધા બાદ ત્રણ દિવસ અગાઉ તેણે વિરજીભાઇ અને તેના મોટા ભાઇને પણ ધમકી દીધી હોઇ ગાંધીગ્રામ પોલીસે અલગથી ગુનો નોંધ્યો છે.
(4:26 PM IST)










