<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

લોક અદાલતમાં ઝડપી ન્‍યાય મેળવી પક્ષકારો વિવાદ મુકત બને છેઃ જીલ્લા જજ વી.બી. ગોહિલ

અકસ્‍માતના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ અપાયાઃ બેંક, મ્‍યુનિ કોર્પો., જી.ઇ.બી.- ઇ-મેમોના કેસોમાં લાખોની રકમની રીકવરી કરાઇઃ કુલ ૩૭ હજાર કેસો મુકાયાઃ સાંજ સુધીમાં ૧૫ હજાર કેસોનો નિકાલ થવાની સંભાવનાઃ બપોર સુધીમાં ૩૦ ટકા કેસો ફેંસલા કરાયાઃ લોક અદાલતના માધ્‍યમથી પક્ષકારો વચ્‍ચેનું વૈમનસ્‍ય દુર થાય છેઃ મુખ્‍ય સેસન્‍સ જજ દ્વારા પક્ષકારો લોક- અદલતોનો લાભ લેવા અનુરોધ

રાજકોટઃ આજે યોજાયેલ મેગા લોક અદાલતનું રાજકોટ જીલ્લાના મુખ્‍ય ન્‍યાયધીશ શ્રી વી.બી. ગોહિલે દિપ પ્રાગટય કરીને ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે રાજકોટ બાર એસો. અને કલેઇમ બારના વકીલો ઉપરાંત, વિમા કંપની, બેંકના અધિકારીઓ, તેમજ પક્ષકારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.(૨.૧૮)

રાજકોટ તા.૧૪: આજે સમગ્ર દેશભરમાં યોજાઇ રહેલ રાષ્‍ટ્રીય લોક-અદાલતના ભાગરૂપે રાજકોટમાં ભવ્‍ય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

રાજકોટના મુખ્‍ય સેશન્‍સ એન્‍ડ ડીસ્‍ટ્રીકટ જજશ્રી વી.બી. ગોહિલે લોક-અદાલતનું દિપ પ્રાગટય કરીને ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે અન્‍ય અધિક સેસન્‍સ જજો, રાજકોટના સીનીયર- જુનિયર વકીલો તેમજ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્‍યાસ, આર.ડી. ઝાલા સહિતના હોદેદારો અને કારોબારી સભ્‍યો ઉપરાંત વિવિધ બેંકો અને વિમા કંપનીઓના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

મળતી માહીતી મુજબ પ્રથમ ત્રણ કલાકમાં ૨૦ ટકા અને બપોર સુધીમાં ૩૦ ટકા કેસોના નિકાલ કરાયો હતો. અકસ્‍માત વળતરના કેસોમાં નિકાલ કરાયો હતો. અકસ્‍માત વળતરના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ અપાયા હતા તો બેંક, પી.જી.વી.સી.એલ. અને ઇ-મેમોના કેસોમાં લાખોની રકમની વસુલાત કરવામાં આવી હતી.

જીલ્લા કાનુની વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સાંજ સુધીમાં કુલ ૧૫ હજારથી વધુ કેસોનો નિકાલ થવાની સંભાવના વ્‍યકત કરવામાં આવી હતી.

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે તા.૧૪.૦૯.૨૦૨૪ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં વર્ષ-૨૦૨૪ની રાષ્‍ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલ. સદર લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવેલ હતા. તેમજ સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્‍ક લેણા ના કેસો (૪) મોટર અકસ્‍માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્‍યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૧) અન્‍ય સમાધાન લાયક કેસો મળી કુલ ૩૭ હજાર કેસો મુકવામાં આવેલ. જેમાંથી સાંજ સુધીમાં ૧૫ હજાર કેસોનો નિકાલ થશે. તેવી સંભાવના છે.

વધુમાં સીસીટીવી કંટ્રોલરૂમ, રાજકોટ દ્વારા ટ્રાફીક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને મોટર વ્‍હીકલ એકટ મુજબ આપવામા આવતા ઈ-ચલણના નાણા ઓનલાઈન તથા ઓફલાઈન માધ્‍યમથી લોક અદાલતમા ભરી લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવીષ્‍યમા તે અંગે કોઈ કોર્ટ કાર્યવાહી થશે નહી. જાગળત નાગરીક તરીકે લોક અદાલતનો લાભ લેવા અનુરોધ કરેલ હતો. જેના સંદર્ભે આજે ઓનલાઇન અને ઓફલાઇનના માધ્‍યમથી પણ ઇ-ચલણના નાણાંની મોટી રકમની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેંક, જી.ઇ.બી., મ્‍યુનિ.કોર્પો.ના કેસોમાં પણ મોટી રકમની રીકવરી કરવામાં આવી હતી.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્‍ય જીલ્લા ન્‍યાયાધીશ શ્રી. વી.બી.ગોહીલ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ  કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્‍ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈનો પરાજય નહી તેવી પરીસ્‍થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્‍યથી મુક્‍ત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થતો હોય અપીલ થતી નથી જેથી ભવિષ્‍યના વિવાદથી પણ પક્ષકારોને છૂટકારો મળે છે.

(3:01 PM IST)