<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનના લગાવાયેલા હોર્ડીંગ્‍સ કાયદેસર છે કે કેમ? : કોંગ્રેસે તપાસની માંગણી ઉઠાવી

મનપાના તંત્ર દ્વારા કરાતા આંખ મિચામણા સામે મંગળવારે મ્‍યુ. કમિશ્નરને આવેદન અપાશે

રાજકોટ, તા.૧૪ :  શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકાના જગ્‍યા રોકાણ શાખાના કેટલાક અધિકારીઓ ભાજપની  દોરવણી હેઠળ કામ કરી રહ્યા છે. ભાજપના ર્હોડિંગો પ્રત્‍યે આંખમિચામણા કરી રહ્યા છે.

રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા શ્રી રામ જન્‍મભૂમિ મંદિરનું સપનું થયું સાકાર આજે જ બનો ભારતીય જનતા પાર્ટીના સદસ્‍ય સદસ્‍યતા અભિયાન ૨૦૨૪ તેમજ સદસ્‍ય બનવા માટેનો મિસકોલ નંબર આપેલ છે તે પ્રકારની જાહેરાત ભાજપ દ્વારા શહેરભરમાં ધાર્મિક સ્‍થળો તેમજ શૈક્ષણિક સંકુલો તેમજ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર જાહેરાત કરવામાં આવી રહી છે. તેની કાયદેસરતા કેટલી છે તે મ્‍યુનિસિપલ કમિશનર જાહેર કરે હોડિંગ માં શ્રી રામ કરતા નરેન્‍દ્ર ભાઈનો ફોટો મોટો કેમ? વગેરે સવાલો કોંગ્રેસ અગ્રણીઓએ ઉઠાવ્‍યા છે.

વધુમાં જણાવ્‍યુ છે કે રામ જન્‍મભૂમિ નો ચુકાદો સુપ્રીમ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે. તેમ છતાં પોતે રામ મંદિર બનાવ્‍યું હોય તે પ્રકારનો આભાસ ઉભો કરી હિન્‍દુઓની લાગણી ભડકાવી સદસ્‍યતા બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે અયોધ્‍યા,  પ્રયાગરાજ સહિત ધાર્મિક સ્‍થળો પર ભાજપને જાકારો મળ્‍યો છે તે છેલ્લી ચૂંટણીના પરિણામો પરથી સાબિત થાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જગ્‍યા રોકાણની ટીમ દ્વારા હાલ શહેરમાં સામાજિક શૈક્ષણિક કે ધાર્મિક બેનરો લગાવવામાં આવ્‍યા છે તે બેનરો હટાવવામાં આવી રહ્યા છે ત્‍યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાગાવાયેલા બેનરો કેટલા લાગેલા છે અને કેટલા રૂપિયા ભર્યા છે ? તે મહાનગરપાલિકાના જવાબદારો શહેરીજનો સમક્ષ જાહેર કરે. જો હોડીગો ગેરકાયદેસર લાગેલા હોય તો રાજકોટ શહેરના આઇવે પ્રોજેક્‍ટ હેઠળના ફૂટેજ મેળવી જે વોર્ડમાં આ પ્રકારના ર્હોડિંગ્‍સ લાગેલા હોય તે વોર્ડના જવાબદાર અધિકારી સામે શિક્ષાત્‍મક કાર્યવાહી થવી જોઈએ. જગ્‍યા રોકાણ શાખાના જવાબદાર અધિકારીને ફોન કરતા તેઓનો ફોન રિસીવ થતો નથી આ અંગે મંગળવારે મ્‍યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી શહેરમાં લાગેલા હોડીંગની માહિતી માગવામાં આવશે તેમ અંતમાં રાજાણી, સાગઠીયાની યાદીમા જણાવાયું છે.

(3:34 PM IST)